દુબઈ: હરમનપ્રીત કૌરની કેપ્ટન્સીમાં ભારતીય ટીમના હાથે પાકિસ્તાની ટીમે ગયા અઠવાડિયે 55 રનમાં ઑલઆઉટ થઈ જવા સહિત નાલેશી જોઈ એ પછી પણ આ કટ્ટર ટીમે વિમેન્સ ટી-20 એશિયા કપ (Asia Cup)માં ફરી એક વાર ભારત સાથે મુકાબલા પર ઉતરવાનું જાણે તેમના નસીબમાં લખાયું છે.


વાત એવી છે કે ભારતીય ટીમ સેમિ ફાઇનલમાં અગાઉથી જ પહોંચી ગઈ હતી અને સોમવારે પાકિસ્તાને હોન્ગ કોન્ગને હરાવીને સેમિ ફાઈનલમાં પ્રવેશ કર્યો હતો. બંને દેશની સેમિ ફાઈનલ અલગ અલગ હરીફ દેશ સામે રમાવાની છે, પરંતુ જો આ બંને રાષ્ટ્રની ટીમ તેમની સેમિ ફાઇનલ જીતશે તો દુબઈમાં જ રવિવાર, 13મી સપ્ટેમ્બરે (રાત્રે 8:00 વાગ્યાથી) ફાઇનલમાં સામસામે આવી શકશે.
સેમિ ફાઈનલમાં પાકિસ્તાને શ્રીલંકા સામે રમવાનું છે, જ્યારે ભારતે કોની સામે રમવાનું છે એ આજે બાંગ્લાદેશ અને યુએઈ વચ્ચેની મૅચના પરિણામ પરથી નક્કી થશે.

પાકિસ્તાનનો હોન્ગ કોન્ગ સામે 72 રનથી વિજય
સોમવારે હોન્ગ કોન્ગ સામે પાકિસ્તાનની ટીમ બૅટિંગ લીધા પછી ઓપનર શવાલ ઝુલ્ફીકારના 47 રનની મદદથી 20 ઓવરમાં આઠ વિકેટે કુલ ફક્ત 143 રન બનાવી શકી હતી. જોકે પહેલી જ ઓવરથી પાકિસ્તાનની બોલર્સ હોન્ગ કોન્ગની બૅટર્સ પર ત્રાટકી હતી. હોન્ગ કોન્ગની બૅટર્સે 19મી ઓવરના અંત સુધી પાકિસ્તાનનો સામનો કર્યો હતો, પરંતુ તેઓ 71 રનમાં ઑલઆઉટ થઈ જતાં પાકિસ્તાને 72 રનથી વિજય મેળવ્યો હતો.
પાકિસ્તાની સ્પિનરની સાત રનમાં છ વિકેટ
પાકિસ્તાનની નશરા સંધુ નામની લેફ્ટ-આર્મ સ્પિનરે ફક્ત સાત રનમાં હોન્ગ કોન્ગની છ વિકેટ લીધી હતી. તેણે પ્લેયર ઑફ ધ મૅચનો પુરસ્કાર જીતી લીધો હતો. ગયા અઠવાડિયે ભારત (India) સામે નશરા સંધુને 1.4 ઓવરમાં 19 રનના ખર્ચે એક પણ વિકેટ નહોતી મળી.