Mon Oct 05 2026

Logo

જય શાહના શુભહસ્તે સૂર્યકુમારને ગોલ્ડન ટ્રોફી અને હવે શ્રેયસને ગોલ્ડ મેડલ

Dubai   2026-10-03 19:32:00
Author: Ajay Motiwala
જય શાહના શુભહસ્તે સૂર્યકુમારને ગોલ્ડન ટ્રોફી અને હવે શ્રેયસને ગોલ્ડ મેડલ

દુબઈ/નિશીનઃ મેન્સ ટી-20માં ભારત ઘણા સમયથી વર્લ્ડ નંબર-વન છે જ, પરંતુ 2026નું વર્ષ ભારત માટે ક્રિકેટના આ સૌથી ટૂંકા ફૉર્મેટમાં ખૂબ શુકનિયાળ સાબિત થયું, કારણકે બે મોટી ટૂર્નામેન્ટ ભારતીયોએ જીતી લીધી.

માર્ચ, 2026માં સૂર્યકુમાર યાદવની કૅપ્ટન્સીમાં ભારતે ટી-20નો આઇસીસી વર્લ્ડ કપ જીતી લીધો હતો. આઠમી માર્ચે અમદાવાદમાં ભારતે ફાઇનલમાં ન્યૂ ઝીલૅન્ડને 96 રનથી પરાસ્ત કરીને ટ્રોફી જીતી લીધી હતી અને ત્યારે આઇસીસી ચૅરમૅન જય શાહ (Jay Shah)ના શુભહસ્તે સૂર્યકુમાર યાદવ ઍન્ડ કંપનીને ટ્રોફી (trophy) એનાયત થઈ હતી.

શનિવારે ભારતે ઑલિમ્પિક્સના નેજા હેઠળ આવતી એશિયન ગેમ્સનો ટી-20નો ગોલ્ડ મેડલ જીતી લીધો હતો અને ત્યારે પણ જય શાહ મુખ્ય અતિથિ હતા. તેઓ ગોલ્ડ મેડલ વિજેતા શ્રેયસ ઐયર અને તેની ટીમને મળ્યા હતા અને મેડલ સેરેમની દરમ્યાન તેમને શાબાશી તથા અભિનંદન આપ્યા હતા.

ગયા વર્ષે મેન્સ એશિયા કપમાં ભારતે સૂર્યકુમારના નેતૃત્વમાં ચૅમ્પિયનપદ મેળવ્યું હતું, પરંતુ એશિયન ક્રિકેટ કાઉન્સિલના ચીફ પાકિસ્તાનના મોહસિન નકવીની બદમાશીને કારણે ભારતીય ટીમને ટ્રોફી નહોતી મળી શકી. ભારતે તેના હાથે ટ્રોફી સ્વીકારવાની ના પાડતાં નકવીએ ભારતના હકની ટ્રોફી ગુમ કરી નાખી હતી. આ વર્ષે મહિલાઓના એશિયા કપ વખતે પણ નકવી ભારતની ચૅમ્પિયન મહિલા ટીમને ટ્રોફી આપવા આવ્યો હતો, પણ ભારતીય ટીમને સ્વીકારતા તે પાછો જતો રહ્યો હતો.