સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વિજેતાઓને સન્માનિત કરી શકે છે
નવી દિલ્હીઃ ઈન્ડિયન સિનેમાના સૌથી પ્રતિષ્ઠિત ગણાતા નેશનલ ફિલ્મ એવોર્ડ્સને લઈને એક મોટા સમાચાર મળી રહ્યા છે. દાયકાઓ જૂની પરંપરા તોડીને આ વખતે 72મો રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર સમારોહનું આયોજન દિલ્હી બહાર યોજી શકાય છે. હવે એવું માનવામાં આવી રહ્યું છે કે આગામી ફિલ્મ પુરસ્કારનું આયોજન ગુજરાતમાં યોજી શકાય છે. ગુજરાતના સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે એકતાનગર ખાતે ભવ્ય સમારંભની યજમાની ગુજરાત કરી શકે છે.
એકતાનગરને મળી શકે યજમાની કરવાની તક
મીડિયા તરફથી મળતી માહિતી અનુસાર રાષ્ટ્રપતિ દ્રોપદી મુર્મુ આ મહિનાના અંત સુધીમાં પોતાના ગુજરાત પ્રવાસ માટે એકતાનગર જઈ શકે છે, જ્યારે ત્યાં વિજેતાઓને સન્માન આપી શકાય છે. આ કાર્યક્રમનું આયોજન ગુજરાતમાં થઈ શકે, જે ભારતીય સિનેમા જગતના ઈતિહાસમાં નવું સોપાન હશે.
નિર્ણયના મહત્ત્વની સાથે વિવાદ પણ થઈ શકે
અત્યાર સુધીના ઈતિહાસમાં નેશનલ ફિલ્મ એવોર્ડ્સનું આયોજન ફક્ત દિલ્હીમાં જ આયોજન કરવામાં આવ્યું છે. છેલ્લા કેટલાય વર્ષોથી નવી દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે આ કાર્યક્રમનો સાક્ષી બને છે, જ્યાં દેશના રાષ્ટ્રપતિ ખૂદ આવીને ફિલ્મી કલાકારોને સન્માનિત કરે છે. જોકે, અત્યારના સંજોગોમાં દિલ્હીના બદલે ગુજરાતમાં આયોજન થાય તો આ નિર્ણયને સૌથી વધુ મહત્ત્વ આંકવામાં આવી રહ્યું છે, જ્યારે ગુજરાત વિરોધી નેતાઓ માટે વિવાદનું કારણ પણ બની શકે છે.
જુલાઈ મહિનામાં જ પુરસ્કારોની કરી હતી જાહેરાત
તમારી જાણ ખાતર જણાવી દઈએ કે 72મા નેશનલ ફિલ્મ એવોર્ડ્સની જાહેરાત આ વર્ષે જુલાઈ મહિનામાં કરવામાં આવી હતી. આ પુરસ્કારમાં વર્ષ 2024માં રિલીઝ થયેલી ફિલ્મો તથા એના સંબંધિત કલાકારોના અભિનયની પ્રશંસા કરવામાં આવી હતી. આ વખતે આર્ટિકલ 370 ફિલ્મને બેસ્ટ ફિલ્મનો એવોર્ડ મળ્યો હતો, જ્યારે યામી ગૌતમને ફિલ્મ માટે બેસ્ટ એક્ટ્રેસનો એવોર્ડ મળ્યો હતો. બીજી બાજુ એક્ટરની રસમાં બાજી મારતા મમૂટી અને કાર્તિક આર્યનને સંયુક્ત રીતે બેસ્ટ એક્ટર તરીકે પસંદ કરવામાં આવ્યા હતા. રાષ્ટ્રીય પુરસ્કારમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનું પણ ખાસ કનેક્શન છે. ફિલ્મ નિર્માતા આનંદ એલ. રાયની ડોક્યુમેન્ટરી સ્ટેચ્યુ ઓફ યુનિટી-એકતાનું પ્રતીકને પણ નોન-ફિચર ફિલ્મની કેટેગરીમાં બેસ્ટ ડિરેક્શનનો રાષ્ટ્રીય પુરસ્કાર મળ્યો હતો.
એકતા નગરનું કેમ છે મહત્ત્વ
ગુજરાતના એક્તા નગરમાં સંભવિત આયોજનનું વિશેષ મહત્ત્વ આંકવામાં આવી રહ્યું છે, કારણ કે આજે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું દુનિયાભરમાં આગવી ઓળખ ઊભી થઈ છે. આ પ્રતિષ્ઠિત સન્માન સમારોહ એક એવા ઐતિહાસિક અને ભવ્ય સ્થળ પર આયોજન અને ભારતીય સિનેમા અને સંસ્કૃતિના સંગમને નવો આયામ આપવાનું કામ કરશે.