(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈઃ ગત શનિવારે ખાસ કરીને મહારાષ્ટ્રમાં કોલ્હાપુર લાઈનમાં ખાંડમાં ભાવઘટાડો અટકીને ક્વિન્ટલે રૂ. 30થી 40નો સુધારો આવ્યાના અહેવાલને ધ્યાનમાં લેતા મંદી અટકી હોવાનું બજાર વર્તુળો જોઈ રહ્યા છે. તેમ છતાં હજુ વેપારી વર્તુળો નવી ખરીદીમાં સાવચેતીનો અભિગમ રાખી રહ્યાના અહેવાલ હતા. જોકે, સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં આજે હાજરમાં ગત શુક્રવારની સરખામણીમાં ભાવઘટાડો આગળ ધપતા સ્મોલ ગે્રડની ખાંડમાં ક્વિન્ટલે રૂ. 70થી 100નો અને મિડિયમ ગે્રડની ખાંડમાં ક્વિન્ટલે રૂ. 120થી 200નો ઘટાડો આગળ વધ્યો હતો. તેમ જ નાકા ડિલિવરી ધોરણે પણ ક્વિન્ટલે રૂ. 20થી 100નો ઘટાડો જોવા મળ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગત શનિવારે સ્થાનિક બજાર શ્રીકૃષ્ણ જન્મોત્સવ નિમિત્તિ બંધ રહી હતી.
બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં અંદાજે 27થી 28 ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી અને રિટેલ સ્તરની માગને ટેકે આવક સામે ઉપાડ જળવાઈ રહ્યો હતો. જોકે, હાજરમાં આજે સ્મોલ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 70થી 100ના ઘટાડા સાથે રૂ. 4532થી 4652માં અને મિડિયમ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 120થી 200ના ઘટાડા સાથે રૂ. 4632થી 4852માં ગુણવત્તાનુસાર ધોરણે થયા હતા.
વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગ જળવાઈ રહી હોવા છતાં ભાવમાં નરમાઈનું વલણ રહેતાં સ્મોલ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 50થી 75 ઘટીને રૂ. 4400થી 4425માં અને મિડિયમ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 20થી 100 ઘટીને રૂ. 4480થી 4550માં થયા હતા.