અમદાવાદઃ લાજપોર સેન્ટ્રલ જેલમાં વિજિલન્સ ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામા આવેલી રેડમાં 11 મોબાઈલ ફોન અને 10 સિમ કાર્ડ અને ત્રણ છુપાયેલા ચાર્જર મળી આવ્યા હતા. આ ઘટનાને પગલે સુરક્ષામાં રહેલી ખામીઓ અને ઉચ્ચ સુરક્ષા ધરાવતી આ જેલમાંથી કેદીઓ દ્વારા ગુનાહિત નેટવર્ક ચલાવવાની શક્યતા અંગેની ચિંતાઓ ફરી વકરી છે. સ્થાનિક જેલ સત્તાવાળાઓ દ્વારા હાથ ધરવામાં આવેલા સર્ચ ઓપરેશન દરમિયાન આ વસ્તુઓ મળી આવી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે લાજપોર સેન્ટ્રલ જેલની સ્થાનિક સર્ચ ટીમે સૌપ્રથમ સાંજે ૫ થી ૬ વાગ્યાની વચ્ચે તપાસ હાથ ધરી હતી. આ કાર્યવાહી દરમિયાન, ટૉયલેટમાંથી ત્રણ મોબાઈલ ફોન મળી આવ્યા હતા. તેમાં કોઈ સિમ કાર્ડ મળી આવ્યા ન હતા. ત્યારબાદ સચિન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી.ત્યારબાદ, રાત્રે લગભગ ૮:૩૦ વાગ્યે અમદાવાદની વિજિલન્સ ટીમે વરિષ્ઠ અધિકારીઓના નિર્દેશ પર ઓચિંતી તપાસ હાથ ધરી હતી. આ ટીમે લગભગ બે કલાક સુધી અનેક બેરેકોની તલાશી લીધી હતી. આ કાર્યવાહી દરમિયાન, અધિકારીઓએ જેલની અંદર વિવિધ સ્થળોથી ૧૧ મોબાઈલ ફોન, ૧૦ સિમ કાર્ડ અને ત્રણ ચાર્જર જપ્ત કર્યા હતા.
પોલીસે બાથરૂમમાં પ્લાસ્ટિકની થેલીઓમાં વીંટાળેલા અને ડોલની નીચે છુપાવેલા ગેજેટ્સ મળી આવ્યા હતા. કેટલાક ફોન ચાર્જિંગ દરમિયાન વોશબેસિનની નજીક મળી આવ્યા હતા, જ્યારે અન્ય ફોન ટૉયલેટ્સના દરવાજાની પાછળ અને પ્લાસ્ટિકના ડબ્બાઓની નીચે છુપાવેલા હતા.ચોંકાવનારી વાત એ છે કે વ્યક્તિગત તલાશી દરમિયાન એક કાચા કામના કેદીના જમણા ખિસ્સામાંથી ચાલુ હાલતમાં રહેલો મોબાઈલ ફોન મળી આવ્યો હોવાનું કહેવાય છે.દરોડા બાદ સચિન પોલીસ સ્ટેશનમાં વધુ એક ફરિયાદ નોંધવામાં આવી હતી.
અધિકારીઓએ જણાવ્યું હતું કે જપ્ત કરાયેલા ગેજેટ્સને ડેટા મેળવવા અને તેનું વિશ્લેષણ કરવા માટે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવશે. ફોનનો ઉપયોગ ક્યા કામ માટે થયો છે તેની મહિતી મેળવવામા આવશે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું. આ જપ્તીને કારણે જેલની સુરક્ષા વ્યવસ્થા અંગે ફરીથી તપાસ શરૂ કરવામાં આવી છે. સત્તાવાળાઓ તપાસ કરી રહ્યા છે કે ફોન જેલમાં કેવી રીતે પહોંચ્યા અને તપાસ પ્રક્રિયામાં કોઈ બેદરકારી કે સાંઠગાંઠ અંગે પણ માહિતી મેળવવામાં આવશે.
સતીશ મરાઠા અને ભાજપના યુવા નેતા જય દલાલના કેસ સહિતની હાઈ-પ્રોફાઈલ હત્યાઓ સાથે સંકળાયેલા નેટવર્કનું સંચાલન જેલમાં બંધ ગેંગસ્ટરો દ્વારા કરવામાં આવતું હોવાની આશંકાઓ પણ ફરી ઊભી થઈ છે, તેમ સૂત્રોએ જણાવ્યું હતું. અગાઉ, બહારની પોલીસ ટીમો દ્વારા કરવામાં આવેલી દરોડાની કાર્યવાહીમાં જેલની અંદર મોબાઈલ ફોન પહોંચાડવાની વ્યવસ્થા માટે જેલના કર્મચારીઓ અને કેદીઓ વચ્ચેની સાંઠગાંઠનો પર્દાફાશ થયો હતો.