Mon Oct 05 2026

Logo

સંત વાણીઃ સો’ઈ વાત કોઈ જાણે ઝવેરલા, સૂક્ષ્મ વેદ સુણાવું...

2026-10-05 08:43:00
Author: Maheshkumar Makwana
સંત વાણીઃ સો’ઈ વાત કોઈ જાણે ઝવેરલા, સૂક્ષ્મ વેદ સુણાવું...

 

મહેશકુમાર મકવાણા  

સો’ ઈ વાત કોઈ જાણે ઝવેરલા,
સૂક્ષ્મ વેદ સુણાવું મેરે દાતા, સતગુરુ રામને રીઝાવું રે.
મન-પવનને મૂળે બાંધી, અગમ ખડકીએ આવું રે,
ખરી ખબર સે ખોજું ખાવિંદકો, તા પર લગની લગાવું રે.
મૂળ કમળને મધ્યમાં લાવી, ઉન્મુન ધ્યાન લગાવું રે,
ઈ અટકળથી જપું અજપા, શ્વાસ ઉચ્છવાસે સમાવું રે.
ચલી સુરતા ચડી ગગન પર, અનહદ નાદ બજાવું રે,
જળહળ જ્યોત જાગી ઝરૂખે, સૂતા બ્રહ્મ શહેર જગાવું રે.
આવન જાવનકા મિટ્યા અંતરા, એ પરવાના પાવું રે,
મેરામ કહે મોતીરામ ચરણે, નવી નકલ મેં ન આવું રે.
- મેરામસાહેબ

વાતો તો હજાર હોય, પણ હજારમાં સૌથી ન્યારી વાત કોઈક જ જાણે. કેટલીક વાત કાન સુધી પહોંચે, કેટલીક બુદ્ધિ સુધી પહોંચે અને કેટલીક એવી હોય કે અનુભવ વિના એનો પત્તો જ ન લાગે. એટલે અહીં શરૂઆતમાં જ કહે છે કે એ વાત કોઈ ઝવેરી જાણે. ઝવેરીનું કામ મોતીને માત્ર જોવાનું નથી, એને ઓળખવાનું છે. દેખાય તો સહુને, પણ ઓળખાય કોઈકને જ. અધ્યાત્મમાં પણ એવું જ છે. શબ્દો સહુ સુધી પહોંચે, અર્થ થોડાક સુધી પહોંચે અને મર્મ તો કદાચ એને જ મળે, જેણે પોતાની જાતને એ અર્થમાં ઓગાળી દીધી હોય.

આગળ કહે છે:  સૂક્ષ્મ વેદ સુણાવું મેરે દાતા. વેદ તો ગ્રંથમાં છે, પણ અહીં જે વેદની વાત છે તે સૂક્ષ્મ વેદ છે. ગ્રંથના અક્ષરો વાંચી શકાય. સૂક્ષ્મને વાંચવું શક્ય નથી. એને સાંભળવું પણ આ કાનથી શક્ય નથી. ભીતરમાં કંઈક તૈયાર થાય ત્યારે એ સંભળાય. એટલે દાતાને સંબોધે છે. અહીં માગવાનું કંઈ નથી. પોતે જે જાણ્યું છે તે ગાઈને સતગુરુ રામને રીઝવવા છે. ભક્તિમાં કેટલીક વાર પ્રાપ્તિ કરતાં પ્રસન્નતા મોટી હોય છે. ઈશ્વર આપણને શું આપે એ કરતાં આપણાથી ઈશ્વર રીઝે એ વધારે મોટી વાત છે.

પછી કહે છે: મન-પવનને મૂળે બાંધી. મન અને પવન. યોગમાર્ગની આ બે મોટી શક્તિઓ. મન ક્યાં સ્થિર રહે છે? એક ક્ષણે અહીં અને બીજી ક્ષણે ત્યાં. શ્વાસ પણ સતત ચાલતો રહે છે. અહીં બંનેને મૂળે બાંધવાની વાત છે. વૃક્ષને પાનથી પકડીએ તો આખું વૃક્ષ હાથમાં ન આવે. મૂળ પકડવું પડે. માણસ આખું જીવન ડાળપાંદડાંમાં ગૂંચવાઈને પસાર કરી નાખે છે. સંત મૂળ પાસે જાય છે. મનને મૂળે બાંધવું અને પવનને મૂળે બાંધવો એટલે ચંચળતાની ગતિને એના ઉદ્ગમ પાસે જઈને સ્થિર કરવી. 

પછી કહે છે: અગમ ખડકીએ આવું રે. અગમ એટલે જ્યાં સહેલાઈથી ગમન ન થાય. જે મનબુદ્ધિની પહોંચમાં નથી. એની એક ખડકી છે. દ્વાર પણ નથી કહ્યું. ખડકી કહી. ખડકીમાંથી પહેલાં ઝાંખી થાય. બધું એકસાથે મળી જાય એવું અધ્યાત્મમાં ક્યાં બને છે? પહેલાં સહેજ પ્રકાશ દેખાય. સહેજ અણસાર આવે. પછી થાય કે આ તરફ જવું જોઈએ. એ અગમની ખડકી સુધી પહોંચવાની વાત છે. પણ ત્યાં પહોંચીને કરવાનું શું? ખરી ખબર સે ખોજું ખાવિંદકો. આ ખરી ખબર બહુ મહત્ત્વની વાત છે. ધારણા પરથી નહીં. સાંભળેલી વાત પરથી નહીં. કોઈએ કહ્યું એટલે નહીં. 

પોતાની ખરી ખબરથી ખાવિંદને શોધવો છે. ખાવિંદ એટલે સ્વામી. જેને આપણે બહાર શોધીએ છીએ એ બહુ દૂર નથી, પણ આપણી ખબર ખોટી હોય તો નજીકનું પણ દૂર લાગે. સાચી દિશા વિના યાત્રા લાંબી થાય. ખરી ખબર મળી જાય પછી શોધ પણ બદલાય. અને પછી તારા પર લગની લગાવું રે. જ્ઞાન પૂરતું નથી. ખબર મળી એથી કામ પૂરું નથી થઈ જતું. ખબર પછી લગની જોઈએ. જેને જાણવા માગીએ છીએ એને પ્રેમ પણ કરવો પડે. 
અધ્યાત્મ કેવળ બુદ્ધિની ઘટના હોત તો પુસ્તકો પૂરતાં હતાં. અહીં લગની છે. લગનીમાં માણસ પોતે થોડો રહે છે અને જેની લગની લાગી હોય એ વધારે રહે છે.

આગળ  કહે છે: મૂળ કમળને મધ્યમાં લાવી, ઉન્મુન ધ્યાન લગાવું રે. ભક્તિકાવ્ય અને યોગવાણી માં કમળ વારંવાર આવે છે. કમળ કાદવમાં ઊગે છતાં કાદવનું નથી. માણસનો દેહ સંસારમાં છે, પણ એની ચેતના સંસારથી ઉપર ઊઠી શકે. મૂળ કમળનો સંકેત દેહની સૂક્ષ્મ સાધના તરફ છે. પરંતુ અહીં સંતને શરીરશાસ્ત્ર સમજાવવું નથી. એને તો અંદરની ગતિ કહેવી છે. જે વેરવિખેર છે એને મધ્યમાં લાવવું. મધ્ય બહુ મહત્ત્વનું છે. છેડાઓ પર તાણ હોય છે, મધ્યમાં સમતુલા હોય છે. ઉન્મુન ધ્યાન લગાવું. મન હોય પણ મનની સામાન્ય દોડધામ ન હોય એવી અવસ્થા. મન પોતાની રોજિંદી ચિંતા, ઇચ્છા, ગણતરીમાંથી ઉપર ઊઠે. ધ્યાનમાં માણસ કોઈ વસ્તુ પકડે છે ત્યાં સુધી ધ્યાન અધૂરું છે. 

અહીં તો ધ્યાનમાં ધ્યાન કરનાર પણ ધીમેધીમે ઓસરી જાય એવી દિશા છે. ઈ અટકળથી જપું અજપા. જપ આપણે કરીએ. અજપા એવો જપ કે જે આપણાથી થતો નથી, પોતાની મેળે થયા કરે છે. શરૂઆતમાં માણસ નામ લે છે. પછી કદાચ નામ માણસને પોતાનામાં લઈ જાય. પહેલાં આપણે સ્મરણ કરીએ. પછી સ્મરણ સ્વયં જ ચાલે. એને અજપા કહે છે. શ્વાસ-ઉચ્છવાસ સાથે એ જપ સમાઈ જાય. શ્વાસ લેવા માટે આપણે એને યાદ કરવો પડતો નથી. એ સહજ ચાલે છે. ઈશ્વરનું સ્મરણ પણ શ્વાસ જેવું સહજ થઈ જાય તો પછી જુદી સાધના ક્યાં રહી? જીવન જ સાધના થઈ ગયું.

સંતની યાત્રા હવે ઊર્ધ્વગતિ કરે છે. ચલી સુરતા ચડી ગગન પર. સુરતા એટલે ચેતના, ધ્યાન, જાગૃતિ. દેહ અહીં બેઠો છે, પણ સુરતા ગગન પર ચડે છે. આ ગગન એટેલે બહારનું આકાશ નહિ. બહારના આકાશને આંખ જોઈ શકે. આ તો ભીતરનું ગગન છે. આપણી ભીતર પણ કેટલું વિશાળ વિશ્વ છે પણ એની ખબર આપણને સામાન્ય રીતે પડતી નથી. આખું જીવન બહારના અવકાશમાં ગાળીએ અને અંદરનું આકાશ અણખૂલ્યું રહી જાય. સુરતા ગગન પર ચડે પછી અનહદ નાદ બજાવું રે. 

હદનો નાદ બે વસ્તુ ટકરાય ત્યારે થાય. અહીં અનહદ છે. જેને કોઈ આઘાતની જરૂર નથી એવો નાદ. બહારનું સંગીત તો શરૂ થાય અને પૂરું થાય. અંદરના આ સંગીતનો આરંભ ક્યાં છે અને અંત ક્યાં છે એની ખબર નહીં. એ નાદ વાગે છે. પછી સાધક ગાયક નથી રહેતો. એ શ્રોતા પણ નથી રહેતો. એ જાણે પોતે જ નાદમાં ભળી ગયો. પછી જળહળ જ્યોત જાગી ઝરૂખે. પહેલાં અગમની ખડકી હતી. હવે ઝરૂખે જ્યોત જાગે છે. શરૂઆતમાં સાધક અગમની ખડકી સુધી પહોંચતો હતો, હવે ભીતરના ઝરૂખામાં પ્રકાશ જાગ્યો. 

બહાર સૂરજ ઊગે ત્યારે જગત દેખાય. અંદર જ્યોત જાગે ત્યારે સ્વયંનું સ્વરૂપ દેખાય. પણ સંત એટલેથી અટકતા નથી. સૂતા બ્રહ્મ શહેર જગાવું રે. બ્રહ્મ સૂતો હતો એવું શાસ્ત્ર નહીં કહે. અહીં તો અનુભવ બોલે છે. જે બ્રહ્મચેતના આપણી અંદર અજાગૃત હતી એને જગાડવાની વાત છે. જેમ કોઈ શહેર રાત્રે સૂઈ જાય અને સવારે આખું શહેર જાગે તેમ દેહરૂપી નગરમાં ચેતનાનો પ્રભાત થાય. શહેર શબ્દ પણ સરસ છે. કેટલી વૃત્તિઓ, કેટલાં દ્વાર, કેટલી ગલીઓ, કેટલા અજાણ્યા ખૂણા. એ આખું શહેર જાગે ત્યારે જ પ્રકાશ પૂર્ણ થાય.

આવન જાવનકા મિટ્યા અંતરા. આવનજાવનનો સામાન્ય અર્થ જન્મમરણના ફેરા તરીકે લઈ શકાય. પણ અહીં બીજી રીતે પણ જોઈ શકાય. મનનું પણ સતત આવનજાવન છે. ઇચ્છા આવે, જાય. વિચાર આવે, જાય. સુખ આવે, જાય. દુ:ખ આવે, જાય. માણસ આખી જિંદગી આ આવનજાવનમાં ઊભો રહે છે. સંતને હવે એ ગતિમાંથી મુક્તિનો અનુભવ થયો છે. અંતર મટી ગયાં. આવવું અને જવું જ્યાં મટી જાય હવે ત્યાં જ રહેવું છે. એ પરવાના પાવું રે. પરવાનો એટલે અધિકાર પણ અને મંજૂરી પણ. 

આત્મજ્ઞાનમાં કોઈ બહારની કચેરી પરવાનો આપતી નથી. અનુભવ જ પરવાનો છે. જે પાર ગયો એનું પાર જવું જ એની સાબિતી. અંતિમ પંક્તિમાં કહે છે: મેરામ કહે મોતીરામ ચરણે, નવી નકલ મેં ન આવું રે. બહુ સુંદર સમાપ્તિ છે. મોતીરામના ચરણમાં રહીને મેરામ કહે છે કે હું નવી હવે નકલમાં નહિ આવું. આ નકલ શબ્દ સીધો છે પણ ઊંડો છે. માણસ આખી જિંદગી કેટકેટલી નકલો ધારણ કરે છે. બાળપણની એક, યુવાનીની એક, અહંકારની એક, માનમોભાની એક. દરેક જન્મની પણ નવી નકલ. 

મેરામસાહેબ કહે છે હવે ફરી એવી નવી આવૃત્તિ નહીં. જે મૂળ સુધી પહોંચી ગયો એને નકલની જરૂર શું? બહારથી આખું પદ યોગસાધનાની પરિભાષાથી ભરેલું છે મન, પવન, મૂળ કમળ, ઉન્મુન, અજપા, સુરતા, ગગન, અનહદ નાદ, જ્યોત. આખી વાણી એક ભીતરની યાત્રા છે. વાણીની પંક્તિઓનો ક્રમ ખાસ નોંધવા જેવો છે. મેરામસાહેબે અધ્યાત્મને એક સ્થિર વિચાર તરીકે નહીં પણ ગતિ તરીકે વ્યક્ત કર્યું છે. 

મૂળથી ગગન સુધીની ગતિ. બંધનથી ઉડાન સુધીની ગતિ. જપથી અજપા સુધીની ગતિ. શબ્દથી નાદ સુધીની ગતિ. ઊંઘથી જાગૃતિ સુધીની ગતિ. આવનજાવનથી નિવૃત્તિ સુધીની ગતિ. આ પદનું રહસ્ય પણ એ જ છે. જે વાત ઝવેરી જાણે છે તે શબ્દોમાં કહી શકાય એટલી જ નથી. શબ્દ તો દરવાજો છે. અંદર જવું પડે. નાદ સાંભળવો પડે. જ્યોત જગાડવી પડે. નહીં તો મોતી હાથમાં હોય અને આપણે એને કાંકરો ગણીને પસાર થઈ જઈએ.