ભાર્ગવ ઠાકર
બારમી સદીનો એ રૂઢિચુસ્ત સમય; દક્ષિણ ભારતના કર્ણાટક પ્રાંતના કલ્યાણનગરમાં વિશ્વની પ્રથમ આધ્યાત્મિક સંસદ ચાલી રહી હતી જેને નામ અપાયું હતું ‘અનુભવ મંડપમ્’. જ્યાં મહાન સંત અલ્લમ પ્રભુ, બસવન્ના અને ચન્નબસવન્ના જેવી વિભૂતિઓ હાજર હતી. એ સભામાં એક સુંદર-યુવાન સ્ત્રી દ્વાર પર આવીને ઊભી રહે છે. શરીર પર એક પણ કપડું નહીં, માત્ર પોતાના લાંબા-કાળા કેશ દ્વારા ઢંકાયેલી, છતાં આંખોમાં કોઈ ડર નહીં, સમાજની ટીકાઓ કે લોકલાજની દરકાર વગર સ્વયં તેજ સાથે સભામાં પ્રવેશવા જાય છે ત્યારે લોકોમાં ગણગણાટ શરૂ થાય છે. કેટલાક મોં ફેરવી લે છે તો કોઈ આશ્ચર્યથી તાકી રહે છે.
અલ્લમ પ્રભુએ ભવાં ચઢાવીને પૂછયું: ‘હે યુવાન સ્ત્રી, અહીં શા માટે આવી છે? તારા સ્વામીનું નામ જણાવી શકે તો બેસ, નહીં તો પાછી જા.’ આખી સભા શ્વાસ રોકીને જોઈ રહી, તે સ્ત્રીએ નીડર થઈને જવાબ આપ્યો : ‘જગત આખું મારું કુટુંબ છે, અને ચેન્નમલ્લિકાર્જુન એક મારો સ્વામી છે. મારા ગુરુએ મારો હાથ શિવલિંગને સોંપ્યો, ત્યારથી હું કાયમ માટે માત્ર તેમની છું; હવે આ દુનિયાના પુરુષોમાં મારે કોનું નામ લેવું?’
સભા સ્તબ્ધ થઈને આ સ્ત્રીના જવાબ અને તેની મક્કમતા જોઈ રહે છે. અલ્લમ પ્રભુ બીજો સવાલ ફેંકે છે; ‘જો તે ખરેખર સંસાર અને દેહભાવનો ત્યાગ કર્યો છે, તો પછી તારા આ લાંબા કેશથી શરીરને ઢાંકવાની ઔપચારિકતા શું કામ? શું હજૂ પણ તારમાં નગ્નતાની શરમને બચાવી રાખવાનો અહંકાર જીવે છે?’ આ કઠોર પ્રશ્નના ઉત્તરમાં આ સ્ત્રીની સર્વોચ્ચ આધ્યાત્મિક પરિપક્વતાનો પુરાવો મળે છે. તેમણે કહ્યું કે; ‘જ્યાં સુધી ફળ અંદરથી સંપૂર્ણપણે પાકી ન જાય ત્યાં સુધી બહારની છાલ તેને રક્ષણ આપે છે. મારા હૃદયનો પ્રેમરસ હજુ પકવાની પ્રક્રિયામાં છે, તેથી જ આ વાળનું આવરણ છે જે માત્ર દુનિયાની નજર માટે છે, મારા મન માટે નહીં.’
આ જવાબોથી સમગ્ર સભા સ્તબ્ધ છે. અલ્લમ પ્રભુ, બસવન્ના અને ચન્નબસવન્ના તેજ ક્ષણે તેને અક્કા (મોટી બહેન)કહીને સંબોધે છે. એક રખડતી, એકલી અને નિર્વસ્ત્ર યુવાન સ્ત્રી થોડી જ ક્ષણોમાં એ સમયનાં મહાન અને વિદ્વાન સંતોની અક્કા બની ગઈ.
આ ઘટનાથી લગભગ વીસેક વર્ષ પાછળ જઈએ તો ઈ.સ. 1130 આસપાસનો એ કાળખંડ સામાજિક અને રાજકીય રીતે અત્યંત સંક્રાંતિનો હતો. કલ્યાણીના ચાલુક્ય વંશનું શાસન ભલે સમૃદ્ધ હતું, પણ સમાજ જાતિપ્રથા,આકરા કર્મકાંડો અને કટ્ટર પિતૃસત્તાક માનસિકતાની લોખંડી બેડીઓમાં જકડાયેલો હતો. બરાબર એ જ સમયે, સંત બસવન્નાના નેતૃત્વમાં ‘વીરશૈવ’ (લિંગાયત) આંદોલન આકાર લઈ રહ્યું હતું, જે મંદિરોના પથ્થરોને બદલે મનુષ્યના હૃદયમાં ઈશ્વરની સ્થાપના કરવાનો સૂર ફૂંકી રહ્યું હતું.
આવા ઐતિહાસિક વળાંક પર, કર્ણાટકના શિવમોગા જિલ્લાના ઉડુતડી નામના નાના ગામમાં એક શિવભક્ત દંપતીને ત્યાં મહાદેવીનો જન્મ થયો. નાનપણથી જ તેના હૃદયમાં શિવ પ્રત્યે એક અદ્ભુત અને તીવ્ર આકર્ષણ હતું. તેણે બાલ્યાવસ્થામાં જ શિવના સ્થાનિક સ્વરૂપ ‘ચેન્નમલ્લિકાર્જુન’ (જેનો અર્થ થાય છે: ચમેલીના પુષ્પ જેવા શ્વેત અને સુંદર ભગવાન) ને જ પોતાના અંતરંગ પતિ માની લીધા હતા.
મહાદેવીનું યૌવન અને સૌંદર્ય એટલું અદ્ભુત હતું કે સ્થાનિક રાજા કૌશિક તેના પર મોહિત થઈ ગયો. રાજાએ બળજબરીથી, મહાદેવીનાં માતા-પિતાને ધમકાવીને તેની સાથે વિવાહ કર્યા, પરંતુ જેનો આત્મા ખુદ પરમાત્માને વરી ચૂક્યો હોય, તેને આ નાશવંત સંસારના વૈભવ અને રાજાના પાશવિક અહંકાર ક્યાં સુધી બાંધી શકે? રાજાના અધિકારભાવ અને સાંસારિક વાસનાઓથી વિરક્ત થઈને, મહાદેવીએ એક ઐતિહાસિક નિર્ણય લીધો.
આ નાશવંત અને ક્ષય પામતા પુરુષોને પરણીને હું શું કરું?
જેમને મરણનો ભય છે, જેઓ વૃદ્ધ થાય છે,
મારો સાચો પતિ તો એ છે જે અસીમ છે, અવિનાશી છે.
મારા ચમેલીના શ્વેત પ્રભુ, ચેન્નમલ્લિકાર્જુન સિવાયના અન્ય તમામ પુરુષો, મારા માટે માત્ર ભાઈઓ સમાન છે.
તેમણે રાજા, રાજમહેલ, અને પોતાના શરીર પરના વસ્ત્રોનો પણ કાયમ માટે ત્યાગ કરી દીધો. આ વિરક્તિની ક્ષણને પોતાની કવિતા (વચન)માં તેઓ અદ્ભુત રીતે આલેખે છે:
શરીર પરથી કપડા તો કોઈ પણ ઉતારી શકે, પણ જે મન ચેન્નમલ્લિકાર્જુનના પ્રેમમાં ડૂબેલું હોય, એ ક્યારેય નગ્ન નથી હોતું. લોકોને ભલે હું નિર્વસ્ત્ર દેખાઉં, પણ મને તો લાગે છે કે હું મારા સ્વામીના દિવ્ય પ્રકાશમાં લપેટાયેલી છું.
પોતાના અંતિમ વર્ષોમાં, જ્યારે તેમની આધ્યાત્મિક યાત્રા તેના શિખરે પહોંચી, ત્યારે અક્કા મહાદેવી શ્રીશૈલમના ગાઢ જંગલો, જેને ‘કદલી વન’ કહેવાય છે, તે તરફ ચાલી નીકળ્યા. કહેવાય છે કે માત્ર વીસ-બાવીસ વર્ષની અત્યંત નાની વયે (ઈ.સ. 1160ની આસપાસ), આ પરમ યોગિની કદલી વનની શાંત ગુફાઓમાં પોતાના પ્રિયતમ ચેન્નમલ્લિકાર્જુન સાથે કાયમ માટે એકાકાર થઈ ગયાં.
તેમનું મૃત્યુ એ કોઈ અંત નહોતો, પણ એક જ્યોતિનું મહાજ્યોતિમાં વિલીનીકરણ હતું. શ્વાસ અને દેહની સીમાઓ વટાવીને, પોતાના અસ્તિત્વને પરમાત્માના અસીમ સાગરમાં સંપૂર્ણપણે ઓગાળી દેતી વખતે અક્કા મહાદેવીના અંતરમાંથી જે ચરમ શાંતિ પ્રગટી હશે, તે તેમની જ આ અમર કવિતા (વચન)માં આજે પણ ગુંજી રહી છે:
મેં પર્વતની ટોચ પર મારું ઘર બનાવ્યું છે,
હવે મને જંગલી પ્રાણીઓનો કોઈ ભય નથી.
મેં સાગરમાં મારું ઘર બનાવ્યું છે,
હવે મને મોજાઓનો કોઈ ડર નથી.
હે મારા ચમેલીના શ્વેત પ્રભુ, ચેન્નમલ્લિકાર્જુન...
જેમ જળમાં પડેલું જળ પોતાનું અલગ અસ્તિત્વ ગુમાવી દે છે,
તેમ તમારામાં ભળીને હવે હું ‘હું’ રહી જ નથી,
હવે માત્ર તમે જ છો!
આજે આઠ સદીઓ પછી પણ, જ્યારે કર્ણાટકના પહાડોમાં રાતનો પવન ફૂંકાય છે, ત્યારે જાણે એ પવનમાં અક્કા મહાદેવીનો વિરહ અને મિલનનો મધુર અવાજ સંભળાય છે. એ અવાજ આજના થાકેલા મનુષ્યને ઢંઢોળીને કહે છે કે સાચો પ્રેમ અને ભક્તિ એ છે, જેમાં અહંકાર અને અસ્તિત્વને સંપૂર્ણપણે ઓગાળી દેવાની હિંમત હોય. અક્કા માત્ર એક સંત કે કવયિત્રી નહોતાં, તે સ્ત્રી-સ્વાતંત્ર્ય અને આધ્યાત્મિક ક્રાંતિની એક એવી પ્રજ્વલિત મશાલ હતાં, જેના તેજ સામે કાળ પણ હંમેશાં નતમસ્તક રહેશે.