થાણે: પત્નીના લગ્નબાહ્ય સંબંધ મામલે નિવેડો લાવવા ગયેલા પતિની છરીથી હુમલો કરી કરપીણ હત્યા કરવામાં આવી હોવાની ઘટના નાગપુરમાં બની હતી. ઘટના બાદથી ફરાર થઈ ગયેલી પત્ની દોઢ મહિને થાણેમાં પકડાઈ હતી.
પોલીસના જણાવ્યા મુજબ આરોપી દીપાલી ઉર્ફે બાલી વિજય સાળુંખે (29)ને હૃષીકેશ ખોડે સાથે કથિત આડા સંબંધ હતા, જેને પગલે પતિ ગૌરવ રગડે (27) સાથેના તેના સંબંધોમાં ખટાશ આવી ગઈ હતી. નાગપુરના અજની ખાતે રહેતો ગૌરવ રિક્ષા ડ્રાઈવર હતો.
આશ્ર્ચર્યની વાત એટલે ઑગસ્ટમાં બનેલી ઘટનાના આઠ મહિના પહેલાં જ ગૌરવ અને દીપાલીએ આંતરજ્ઞાતીય પ્રેમલગ્ન કર્યાં હતાં. જોકે દીપાલીનું ખોડે સાથે અફૅર હોવાની જાણ ગૌરવ સાથે થયા પછી તેમની વચ્ચે વારંવાર ઝઘડા થવા લાગ્યા હતા. કંટાળીને દીપાલી પતિનું ઘર છોડી ગઈ હતી અને અલગ રહેવા લાગી હતી, એમ પોલીસે જણાવ્યું હતું.
દીપાલી અને ખોડે સાથેના વિવાદનો અંત લાવવા નાગપુરના નરેન્દ્ર નગર જઈ રહ્યો હોવાનું પિતાને કહીને ગૌરવ 20 ઑગસ્ટે ઘરેથી નીકળ્યો હતો. કહેવાય છે કે સાંજે પાંચ વાગ્યે ગૌરવ પહોંચ્યો ત્યારે ખાડે તેના બે મિત્ર સાથે દારૂ પીતો હતો. દીપાલી સાથેના સંબંધ મુદ્દે પૂછતાં જ ગૌરવ અને ખોડેના ગ્રૂપ વચ્ચે ઝઘડો થયો હતો. કહેવાય છે કે નરેન્દ્ર નગરમાં ડ્રેઈન બ્રિજ નજીક દીપાલીની ઉશ્કેરણીથી ખોડે અને તેના મિત્રોએ ગૌરવ પર છરીથી હુમલો કર્યો હતો.
હુમલામાં ગંભીર રીતે ઘવાયેલા ગૌરવને નજીકની હૉસ્પિટલમાં લઈ જવાયો હતો, જ્યાં તબીબે તેને મૃત જાહેર કર્યો હતો. હત્યામાં સંડોવણી સામે આવતાં દીપાલી ફરાર એકાએક ગુમ થઈ હતી. તે થાણેના ડૉ. બાબાસાહેબ આંબેડકર રોડ ખાતે રહેતી હોવાની માહિતી પોલીસને મળી હતી. લગભગ દોઢ મહિના પછી થાણે ક્રાઈમ બ્રાન્ચની એન્ટિ-એક્સ્ટોર્શન સેલે તેને તાબામાં લીધી હતી. પ્રાથમિક તપાસમાં મહિલાએ ગુનાની કબૂલાત કરી હોવાનો દાવો સિનિયર ઈન્સ્પેક્ટર સૈલેશ સાળવીએ કર્યો હતો. વધુ તપાસ માટે મહિલાને નાગપુરની બેલ્ટારોડી પોલીસના તાબામાં સોંપાઈ હતી. (પીટીઆઈ)