મુંબઈઃ થાણેના આગામી બુલેટ ટ્રેન સ્ટેશનની આસપાસ ‘વોક-ટુ-વર્ક’ સંસ્કૃતિ વિકસાવવા માટે સ્પષ્ટ ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ નિયમો, વ્યવસાયિક વિકાસની પ્રક્રિયાને સરળ બનાવવાની અને જરૂરી માળખાકીય સુવિધાઓ ઊભી કરવાની ક્રેડાઈ-એમસીએચઆઈ થાણેની યોજના છે.
મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોર પર થાણે સ્ટેશનના વિકાસના બ્લુપ્રિન્ટ અંગે નવી દિલ્હીના વિજ્ઞાન ભવનમાં યોજાયેલા ઉચ્ચસ્તરીય ઓપન વિઝ્યુઅલાઈઝેશન સેમિનારમાં પણ આ મુદ્દો ચર્ચાના કેન્દ્રમાં રહ્યો હતો.
‘સ્ટેશન એરિયા ડેવલપમેન્ટ ફોર પીપલ-સેન્ટ્રિક, સસ્ટેનેબલ એન્ડ કનેક્ટેડ સિટીઝ’ થીમ પર યોજાયેલી આ સેમિનારમાં પ્રોજેક્ટ-સ્માર્ટ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ કેન્દ્રીય આવાસ અને શહેરી બાબતો મંત્રાલય, રેલવે મંત્રાલય અને જાપાન ઈન્ટરનેશનલ કોઓપરેશન એજન્સીની સંયુક્ત પહેલ છે. તેનો હેતુ ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ દ્વારા બુલેટ ટ્રેન સ્ટેશનોને ફાઈનાન્શિયલ હબ તરીકે વિકસિત કરવાનો છે.
મુંબઈ-અમદાવાદ હાઈ સ્પીડ રેલ કોરિડોરના 12 સ્ટેશનમાંથી થાણે અને વિરાર ઉપરાંત ગુજરાતના સુરત અને સાબરમતીને વ્યાપક વિકાસ માટે મોડલ સ્ટેશન તરીકે પસંદ કરવામાં આવ્યા છે.
થાણે માટે રાજ્ય સરકારની સંસ્થાઓ અને એમએમઆરડીએ સાથે મળીને સ્ટેશનની આસપાસના વિસ્તારને ત્રણ બફર ઝોનમાં વહેંચીને તેનો નકશો તૈયાર કરવાની યોજના છે. આ વિસ્તારમાં લાસ્ટ માઈલ સુધીની કનેક્ટિવિટી વિકસાવવાની સાથે વ્યવસાયિક, છૂટક અને રહેણાંક વિકાસને એકીકૃત કરવાનો પ્રયાસ કરવામાં આવશે.
સેમિનારમાં ખાનગી હિસ્સેદાર તરીકે ક્રેડાઈ-એમસીએચઆઈ થાણેએ પણ ભાગ લીધો હતો. સંસ્થાના પ્રમુખ સચિન મીરાણીએ થાણેના હાઈ સ્પીડ રેલ કેન્દ્રની આસપાસ સ્પષ્ટ ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટ નિયમો, વ્યવસાયિક વિકાસની સરળ પ્રક્રિયા અને ‘વોક-ટુ-વર્ક’ સંસ્કૃતિને ટેકો આપતી માળખાકીય સુવિધાઓની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.
તેમના જણાવ્યા મુજબ, ટ્રાન્ઝિટ ઓરિએન્ટેડ ડેવલપમેન્ટના નિયમો અને મજબૂત માળખાકીય સુવિધાઓને સામેલ કરીને ટકાઉ ‘વોક-ટુ-વર્ક’ વ્યવસ્થા ઊભી કરી શકાય છે, જે વ્યવસાયિક શક્યતાઓ વધારવાની સાથે રહેવાસીઓના જીવનની ગુણવત્તામાં પણ સુધારો કરી શકે છે.
ડોંબિવલી-શિળફાટા વિસ્તાર નજીક સૂચિત બુલેટ ટ્રેન સ્ટેશન થાણેના શહેરી આયોજન માટે મહત્વપૂર્ણ પગલું બની શકે છે. ક્રેડાઈ-એમસીએચઆઈ થાણેના જણાવ્યા મુજબ, આ સ્ટેશનને કારણે આસપાસના વિસ્તારોમાં કનેક્ટિવિટી અને રિયલ એસ્ટેટની માંગ વધવાની અપેક્ષા છે. તેમાં કોલશેત, બાલકુમ અને માજીવાડા જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે.