બાથરૂમમાંથી પથ્થર લાવી બેરેકમાં સૂતેલા યુવાન પર જીવલેણ હુમલો: ઈજાગ્રસ્ત જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ
ભુજ: ભુજ રેલવે સ્ટેશન પર નજીવી તકરારમાં પાઇપના ઘા મારી બિહારના યુવકને મોતને ઘાટ ઉતારનારા માથાભારે આરોપીએ પાલારા ખાસ જેલમાં પણ પોતાની હિંસક વૃત્તિ દર્શાવી સહકેદી પર પથ્થર વડે ખૂની હુમલો કરતાં જેલ પ્રશાસનમાં ભારે દોડધામ મચી ગઈ છે.
ઘટના સંદર્ભે પ્રાપ્ત વિગતો અનુસાર, રેલવે સ્ટેશન હત્યા કેસમાં જેલહવાલે કરાયેલા આરોપી દીપાંશુ ચેતન વિશ્વકર્માએ ગત રાત્રિના આશરે ૧૦ વાગ્યાના સુમારે પાલારા જેલની બેરેકમાં અચાનક આતંક મચાવ્યો હતો. આરોપી દીપાંશુ બેરેકના બાથરૂમમાંથી પથ્થર શોધી લાવ્યો હતો અને ત્યાં હાજર સહકેદી અબ્બાસ ઇસ્માઇલ સમા (ઉ.વ. ૩૦)ના માથા પર પથ્થર ઝીંકી દીધો હતો. અચાનક થયેલા આ ઘાતક હુમલામાં અબ્બાસ લોહીલુહાણ થઈ ઢળી પડતાં જેલ સ્ટાફ તાબડતોબ દોડી આવ્યો હતો. ગંભીર રીતે ઘવાયેલા કેદીને તાત્કાલિક સારવાર અર્થે ભુજની જી.કે. જનરલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો. આ બનાવ અંગે પાલારા જેલ પ્રશાસનની જાણ બાદ ભુજ બી-ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ગત તા. ૧ ઓક્ટોબરના રોજ ભુજ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર ૨ પર પાર્સલ ઓફિસ નજીક બિહારના સીતામઢી જિલ્લાના મુકેશ સાહની નામના યુવકે સુરત જવાની ટ્રેન બાબતે દીપાંશુ પાસે સામાન્ય પૂછપરછ કરી હતી. દીપાંશુએ કોઈ પ્રત્યુત્તર ન આપતાં બંને વચ્ચે સામાન્ય બોલાચાલી થઈ હતી. તે દરમિયાન ઉશ્કેરાયેલા દીપાંશુએ બાજુમાંથી લોખંડની પાઇપ ઉપાડી મુકેશના માથામાં ફટકારી સ્થળ પર જ હત્યા નીપજાવી હતી. આ ચકચારી હત્યાકાંડના ગણતરીના દિવસોમાં જ આ ઝનૂની શખ્સે જેલની અંદર પણ હુમલો કરી સુરક્ષા વ્યવસ્થા સામે ગંભીર સવાલો ઊભા કર્યા છે.
ઉત્સવ વૈદ્ય