Tue Oct 06 2026

Logo

કડીના થોળ ગામની સીમમાં 4 વર્ષની બાળકીને અજગર ગળી ગયો ? જાણો વિગત

2026-10-05 10:38:00
Author: Mayur Patel
કડીના થોળ ગામની સીમમાં 4 વર્ષની બાળકીને અજગર ગળી ગયો ? જાણો વિગત

મહેસાણાઃ કડી તાલુકાના થોળ ગામની સીમમાં ફાર્મ હાઉસ પરથી ગત 26 સપ્ટેમ્બરે સવારે ગુમ થયેલી 4 વર્ષની બાળકીનું 2 ઓક્ટોબરે સાંજે નજીકના ખેતરના શેઢા પરથી કંકાલ મળી આવ્યું હતું. પોલીસે કરાવેલા ફોરેન્સિક પીએમના આધારે બાળકીને અજગર જેવા કોઈ પ્રાણીએ ગળી ગયા બાદ કંકાલ ઓકી કાઢ્યું હોવાનું અનુમાન લગાવાઈ રહ્યું છે.

કડી તાલુકાના થોળની સીમમાં ઓએનજીસી રોડ પર પાયલ સિંઘાડા 26 સપ્ટેમ્બરની સવારે એક ફાર્મહાઉસમાંથી ગુમ થઈ ગઈ હતી. રાજસ્થાનની વતની અને મજૂરીકામ કરતી તેની વિધવા માતા પોતાની ત્રણ પુત્રીઓ સાથે રહેતી હતી. શોધખોળ કરવા છતાં બાળકીનો કોઈ પત્તો ન લાગતાં પરિવારે પોલીસને જાણ કરી હતી, જેના પગલે પોલીસે ગુનો નોંધ્યો હતો. પોલીસે ટીમોએ વિવિધ રસ્તાઓના સીસીટીવી ફૂટેજ તપાસ્યા હતા અને ખેતરોમાં પગપાળા તેમજ ડ્રોન મારફતે સર્ચ ઓપરેશન હાથ ધર્યું હતું.

પાયલ વિશે માહિતી મેળવવા માટે તેના ફોટાવાળા પોસ્ટરો ઓટોરિક્ષા અને વિવિધ સ્થળોએ પણ લગાવવામાં આવ્યા હતા. એક સીસીટીવી ફૂટેજમાં બાળકી ઘરની સામેથી રસ્તા તરફ દોડતી જોવા મળી હતી. 2 ઓક્ટોબરના રોજ ફાર્મહાઉસથી બે-ત્રણ ખેતર દૂર કેટલાક હાડકાં અને પાયલે ગુમ થતી વખતે પહેરેલા કપડાં મળી આવ્યા હતા.

પોલીસે તબીબોની પેનલ દ્વારા ફોરેન્સિક પોસ્ટમોર્ટમ કરાવ્યું હતું. પ્રાથમિક રિપોર્ટમાં હાડકાં સંપૂર્ણપણે સાફ જણાયા હતા અને તેના પર કોઈ માંસપેશીઓ (ટિશ્યુ) નહોતી, જે પ્રાણીના પેટની અંદર રહેલા એસિડિક તત્વોના સંપર્કમાં આવ્યા હોવાનો સંકેત આપે છે.

પોલીસે જણાવ્યું કે, અજગર જેવા કોઈ પ્રાણીએ બાળકીને ગળી લીધી હોવાની શક્યતાને નકારી શકાય તેમ નથી. આ વિસ્તાર થોળ અભયારણ્ય  હેઠળ આવે છે, જ્યાં અજગર જોવા મળે છે. બાળકી સાથે વાસ્તવમાં શું બન્યું હતું તે ચોક્કસપણે જાણી શકાય તે માટે મળી આવેલા હાડકાંને વધુ તપાસ અર્થે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે.