Sat Sep 12 2026

Logo

BAPS સાધુઓની એફિલ ટાવરની મુલાકાત ટાણે મહિલા કર્મચારીઓને ગેરહાજર રખાતાં વિવાદ, દેખાવો થતાં ટાવર બંધ કરાયો

Paris   2026-09-08 10:50:00
Author: Mayur Patel
BAPS સાધુઓની એફિલ ટાવરની મુલાકાત ટાણે મહિલા કર્મચારીઓને ગેરહાજર રખાતાં વિવાદ, દેખાવો થતાં ટાવર બંધ કરાયો

પેરિસઃ BAPS સાધુઓની એફિલ ટાવરની મુલાકાત ટાણે મહિલા કર્મચારીઓને ગેરહાજર રખાતાં વિવાદ સર્જાયો હતો. દેખાવો થતાં ટાવર બંધ કરાયો હતો. કર્મચારીઓ અને મેનેજમેન્ટના જણાવ્યા મુજબ, આ દેખાવો બોચાસણવાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામીનારાયણ સંસ્થા (BAPS)ના સાધુઓની મુલાકાત દરમિયાન મહિલા કર્મચારીઓને કથિત રીતે ત્યાંથી હટાવવાના વિરોધમાં થઈ હતી. રિપોર્ટ પ્રમાણે, BAPSના સાધુઓ શનિવારે એફિલ ટાવરની મુલાકાતે આવ્યા હતા. આ દરમિયાન સીન સદીમાં એક સાંસ્કૃતિક નૌકા વિહાર પણ કરવામાં આવ્યો હતો.  આ વિવાદમાં BAPS તરફથી પણ સ્પષ્ટતા કરવામાં આવી હતી.

એફિલ ટાવરના કર્મચારીઓએ એક નિવેદન જાહેર કરીને કહ્યું, મહિલા કર્મચારીઓએ આ ઘટનાની આલોચના કરી છે. મહિલા કર્મચારીઓને હટાવીને તેમના સ્થાને પુરુષોને ફરજ સોંપવામાં આવી હતી. કોઈ જોઈ ન શકે તે રીતે તેમને ફરજ પર રાખવામાં આવ્યા હતા. જેને લઈ કર્મચારીઓમાં નારાજગી જોવા મળી હતી. 

કર્મચારીઓએ જણાવ્યું હતું કે, એફિલ ટાવરની મહિલા કર્મચારીઓ અને કોન્ટ્રાક્ટર્સ સાથે કામ કરતી મહિલા કર્મચારીઓને આ પ્રતિનિધિમંડળના સ્વાગત વખતે પોતાને છુપાવી રાખવાના નિર્દેશ આપવામાં આવ્યા હતા. તેમણે કહ્યું કે આવી સ્થિતિમાં મૂકાવાથી તેઓ આશ્ચર્યચકિત થઈ ગઈ હતી. કર્મચારીઓના જણાવ્યા અનુસાર, કેટલીક મહિલા કર્મચારીઓને પોતાની જગ્યા છોડીને અન્ય સ્થળે જવાનું કહેવામાં આવ્યું હતું. કેટલીક જગ્યાએ તેમની જગ્યાએ પુરુષ કર્મચારીઓને તૈનાત કરી દેવામાં આવ્યા હતા. આ ઉપરાંત, જ્યાં સુધી પ્રતિનિધિમંડળ ત્યાં હાજર રહ્યું ત્યાં સુધી તમામ મહિલા કર્મચારીઓને અમુક ચોક્કસ વિસ્તારોમાંથી પસાર થવા કે તે જગ્યાઓને પાર કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો.

કઈ માંગ રાખવાનો આરોપ?

રિપોર્ટ અનુસાર, પેરિસના પ્રખ્યાત એફિલ ટાવરનું સંચાલન કરતી કંપની SETE એ સ્વીકાર્યું કે હિન્દુ પ્રતિનિધિમંડળે એવી વ્યવસ્થા કરવાની માંગ કરી હતી, જેમાં મહિલાઓ સાથે આમને-સામને થવાનો  સંપર્ક ઓછામાં ઓછો રહે. કંપનીએ કહ્યું કે આવી શરતો સ્વીકારવી જોઈતી નહોતી. કંપનીના જણાવ્યા મુજબ, આ શરતો SETE ના મૂલ્યો તેમજ પુરુષો અને સ્ત્રીઓ વચ્ચે સમાનતાના સિદ્ધાંતોની વિરુદ્ધ હતી. કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે તે આ મામલાના પરિણામોની સંપૂર્ણ જવાબદારી લેશે.

 

પેરિસના સોશ્યલિસ્ટ ઇમેન્યુઅલ ગ્રેગોઆરે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર જણાવ્યું કે ટાવર મેનેજમેન્ટ દ્વારા પ્રતિનિધિમંડળની શરતો માનવી અસ્વીકાર્ય છે. તેમણે કહ્યું કે આ મામલે તપાસ શરૂ કરવામાં આવશે. ફ્રાન્સના  મંત્રી ઓરોર બર્જેએ X પર આ ઘટના સામે નારાજગી વ્યક્ત કરી હતી. તેમણે લખ્યું, ફ્રાન્સમાં અમે મહિલાઓને પોતાનું અસ્તિત્વ છુપાવી લેવા કે ગાયબ થઈ જવા નથી કહેતા. કોઈ પણ ધાર્મિક વિચાર કે ધર્મ ગણતંત્રના કાયદાઓથી સર્વોપરી નથી.

વિવાદ પર BAPS એ શું કહ્યું?

BAPS પેરિસ દ્વારા સ્પષ્ટતા કરતા જણાવવામાં આવ્યું કે તેમના પ્રતિનિધિમંડળના પ્રવાસ દરમિયાન કોઈપણ વ્યક્તિને સ્મારકમાં પ્રવેશતા રોકવામાં આવ્યા નહોતા. BAPS એ જણાવ્યું કે વિશાળ પ્રતિનિધિમંડળને ધ્યાનમાં રાખીને, આ મુલાકાત એફિલ ટાવરની ટીમ સાથે સંકલન સાધીને સવારના શરૂઆતના સમયમાં રાખવામાં આવી હતી, જેથી અન્ય પ્રવાસીઓને ઓછામાં ઓછી મુશ્કેલી પડે. તેમ છતાં આ પરિસ્થિતિના કારણે કોઈને પણ થયેલી તકલીફ બદલ ક્ષમા માંગીએ છીએ. 

અત્રે ઉલ્લેખનીય છે કે, એફિલ ટાવરની વેબસાઇટ અનુસાર દર વર્ષે આશરે 70 લાખ લોકો અહીં મુલાકાત લે છે. કર્મચારીઓના એક પ્રતિનિધિએ જણાવ્યું કે ટાવર સોમવારે આખો દિવસ બંધ રહ્યો હતો, પરંતુ મંગળવારે તે સામાન્ય દિવસોની જેમ ખુલશે. BAPS દ્વારા રવિવારે પેરિસ નજીક ફ્રાન્સમાં પોતાના પ્રથમ ભવ્ય મંદિરનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું.