(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહ્યું હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે કોપર સહિતની અન્ય ધાતુઓનાં ભાવ સાંકડી વધઘટે અથડાઈ ગયાના અહેવાલોને ધ્યાનમાં લેતા આજે સ્થાનિક જથ્થાબંધ ધાતુ બજારમાં પણ ઔદ્યોગિક વપરાશકારો અને સ્થાનિક ડીલરોની માગ તથા સ્ટોકિસ્ટોની લે-વેચ અનુસાર મિશ્ર વલણ જોવા મળ્યું હતું.
બજાર વર્તુળોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી અને વપરાશકાર ઉદ્યોગ તથા સ્થાનિક ડીલરોની માગને ટેકે કોપર વાયરબારના ભાવ કિલોદીઠ રૂ. આઠ વધીને રૂ. 1450, નિકલના ભાવ કિલોદીઠ રૂ. પાંચ વધીને રૂ. 1633 અને ઝિન્ક સ્લેબ તથા લીડ ઈન્ગોટ્સના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ વધીને અનુક્રમે રૂ. 438 અને રૂ. 203ના મથાળે રહ્યા હતા.
જોકે, આજે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ વેચવાલી તથા વપરાશકાર ઉદ્યોગની લેવાલી નિરસ રહેતાં કોપરકેબલ સ્ક્રેપ અને ટીનના ભાવ કિલોદીઠ રૂ. ત્રણ ઘટીને અનુક્રમે રૂ. 1366 અને રૂ. 5331 અને કોપર સ્ક્રેપ હેવીના ભાવ કિલોદીઠ રૂ. બેના ઘટાડા સાથે રૂ. 1356ના મથાળે રહ્યા હતા.
જોકે, આજે અન્ય ધાતુઓ જેમ કે કોપર આર્મિચર, કોપર યુટેન્સિલ્સ સ્ક્રેપ, બ્રાસ અને એલ્યુમિનિયમાં ખપપૂરતા છૂટાછવાયા કામકાજે ભાવમાં ટકેલું વલણ રહ્યું હતું.