Sat Oct 03 2026

Logo

ડૉલર સામે રૂપિયો 13 પૈસા નરમ

2026-09-07 19:35:49
Author: Ramesh Gohil
ડૉલર સામે રૂપિયો 13 પૈસા નરમ

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી) 

મુંબઈઃ
વૈશ્વિક સ્તરે વધેલા ભૂરાજકીય તણાવને કારણે ક્રૂડતેલના ભાવમાં વધારો, સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને ગત શુક્રવારે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની ઈક્વિટીમાં રૂ. 3111.94 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હોવાના નિર્દેશોને ધ્યાનમાં લેતા આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયો 13 પૈસાના ઘટાડા સાથે 94.56ની સપાટીએ બંધ રહ્યો હતો. જોકે, રિઝર્વ બૅન્ક ઑફ ઈન્ડિયાની એસીએનઆર સ્કીમ હેઠળ ડૉલરનો આંતરપ્રવાહ પ્રબળ રહ્યો હોવાને કારણે સંભવિતપણે રિઝર્વ બૅન્કનો બજારમાં હસ્તક્ષેપ રહેતાં રૂપિયામાં ઘટાડો મર્યાદિત રહ્યો હોવાનું ફોરેક્સ ટ્રેડરોએ જણાવ્યું હતું. 

આજે સ્થાનિકમાં ડૉલર સામે રૂપિયો ગત શુક્રવારના 94.43ના બંધ સામે સાધારણ સુધારા સાથે 94.40ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં રૂ. 94.56 અને ઉપરમાં 94.38 સુધી મજબૂત થયા બાદ અંતે આગલા બંધ સામે 13 પૈસાના ઘટાડા સાથે 94.56ની સપાટીએ બંધ રહ્યો હતો. નોંધનીય બાબત એ છે કે ગત શુક્રવારે ડૉલર સામે રૂપિયામાં આઠ પૈસાનો સુધારો નોંધાયો હતો. 

એકંદરે આજે ડૉલર સામે રૂપિયામાં મધ્યસત્ર દરમિયાન સાંકડી વધઘટે સુધારાતરફી વલણ રહ્યું હતું, પરંતુ સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં નરમાઈ અને ક્રૂડતેલના ભાવ વધી આવતા રૂપિયામાં સુધારો ધોવાઈ ગયો હોવાનું મિરે એસેટ શૅરખાનના વિશ્લેષક અનુજ ચૌધરીએ જણાવતાં ઉમેર્યું હતું કે વિદેશી ફંડોના આંતરપ્રવાહને ધ્યાનમાં લેતા આગામી ટૂંકા સમયગાળા દરમિયાન ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ રહે તેવી શક્યતા નકારી ન શકાય. આજે ઈરાને જણાવ્યું હતું કે સ્ટ્રેટ ઑફ હોર્મુઝ અંગેની ઓમાન સાથેની ડીલ અંતિમ તબક્કામાં હોવાનું જણાવ્યું હોવાથી જો ક્રૂડતેલના ભાવમાં ઘટાડો આવે તો રૂપિયાના સુધારાને ટેકો મળી શકે છે, એમ તેમણે ઉમેર્યું હતું. 

દરમિયાન આજે વિશ્વ બજારમાં ડૉલર ઈન્ડેક્સ આગલા બંધ સામે 0.27 ટકા ઘટીને 98.90 આસપાસ અને બે્રન્ટ ક્રૂડતેલના વાયદામાં ભાવ 0.58 ટકા વધીને બેરલદીઠ 96.84 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા. તેમ જ આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ 382.62 પૉઈન્ટ અને એનએસઈ બૅન્ચમાર્ક નિફ્ટી 118.55 પૉઈન્ટ ઘટીને બંધ રહ્યો હોવાથી રૂપિયો વધુ દબાણ હેઠળ રહ્યો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.