Sat Oct 03 2026

Logo

ગુજરાતમાં બનશે મોટો ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ, GSECL-NPCIL વચ્ચે કરાર

2026-10-02 22:21:19
Author: Mumbai Samachar Team
ગુજરાતમાં બનશે મોટો ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ, GSECL-NPCIL વચ્ચે કરાર

ગાંધીનગરઃ ગુજરાત સરકારની સ્વચ્છ અને વિશ્વસનીય ઊર્જાના વિકાસને વેગ આપવાની પહેલના ભાગરુપે હવે છ દાયકાથી વધુ સમય બાદ નવા ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટ શરૂ થાય એ અંગે કામ થયું છે. ઊર્જામંત્રી ઋષિકેશ પટેલ, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્રસચિવ અને GSECLના ચેરમેન અશ્વિની કુમાર, NPCILના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર વી. રાજેશની ઉપસ્થિતિમાં ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન લિ.(GSECL) અને ન્યુક્લિયર પાવર કોર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડ (NPCIL) વચ્ચે ગુજરાતમાં નવા ન્યુક્લિયર પાવર પ્રોજેક્ટના વિકાસ માટે ઐતિહાસિક સમજૂતી કરાર કરવામાં આવ્યા છે. ગુજરાત સરકારની વીજ ઉત્પાદન કંપની GSECL પ્રથમવાર ન્યુક્લિયર પાવર ક્ષેત્રમાં પ્રવેશ કરશે 

નવો માઈલસ્ટોન
રાજ્યમાં ઊર્જાના ક્ષેત્રમાં નોંધપાત્ર પ્રગતિ કર્યા બાદ હવે ન્યુક્લિયર ઊર્જાના ક્ષેત્રે પણ પહેલ કરી છે. રાજ્યને સ્વચ્છ તથા સ્થિર બેઝલોડ વીજળી ઉપલબ્ધ કરાવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે અને આ કરાર ગુજરાતની ઊર્જા યાત્રામાં ઐતિહાસિક સીમાચિહ્ન સાબિત થશે. આ MoU હેઠળ GSECL એ જમીન તથા સહાયક માળખાકીય સુવિધાઓનું મૂલ્યાંકન હાથ ધરવાનું રહેશે. NPCIL દ્વારા સ્થળ સર્વેક્ષણ, તકનીકી અભ્યાસ અને જરૂરી નિષ્ણાત માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. આગામી તબક્કાની કામગીરી સ્થળની તકનીકી અને આર્થિક વ્યવહારિકતા તથા જરૂરી વૈધાનિક મંજૂરીઓના આધારે નક્કી કરવામાં આવશે. ગુજરાતમાં ધુવારણ ખાતે 4000 મેગાવોટ ક્ષમતાનો પ્રોજેક્ટ સ્થપાશે. આ કોઈ સામાન્ય પ્રોજેક્ટ નથી પણ ગુજરાત રાજ્યના ઓવરઓલ ફ્યૂલ-એનર્જી ક્ષેત્રે એક માઈલસ્ટોન સાબિત થઈ શકે છે. 

વીજ ઉત્પાદનમાં વધારો થશે
ગુજરાતની વીજ ઉત્પાદન ક્ષમતામાં આશરે નોંધપાત્ર મેગાવોટનો નોંધપાત્ર વધારો થશે અને આનાથી આશરે રૂ.1 લાખ કરોડનું સંભવિત રોકાણ થશે. આ પ્રોજેક્ટથી રોજગારી, ઔદ્યોગિક વિકાસ અને સ્થાનિક અર્થતંત્રને વેગ મળશે તેમજ કાર્બન ઉત્સર્જનમાં ઘટાડો કરીને ભારતના નેટ ઝીરો લક્ષ્યને બળ મળશે તથા ગુજરાતની ઊર્જા સુરક્ષા અને આત્મનિર્ભરતા વધુ મજબૂત બનશે. રાજ્યમાં વીજ ઉત્પાદન ક્ષેત્રે એક નવું સાહસ થતા હવે છેક છેવાડાના ગામ સુધી વીજળી પહોંચશે ખાસ કરીને ખેડૂતોને વીજ સપ્લાયથી રાહત થશે. જ્યારે અંતરિયાળ ગામમાં પણ વીજ પુરવઠો યથાવત રાખી શકાશે.

ગુજરાતે વર્ષ-2030 સુધીમાં 100 ગીગાવોટથી વધુ નવીનીકરણીય ઊર્જા ક્ષમતા સ્થાપવાનો લક્ષ્યાંક નક્કી કર્યો છે. સૌર અને પવન ઊર્જા કુદરતી પરિબળો પર આધારિત હોવાથી વીજ ગ્રીડની સ્થિરતા માટે સતત ઉપલબ્ધ વીજ ઉત્પાદનના સ્રોતોનું મહત્વ વધે છે. ન્યુક્લિયર ઊર્જા સતત અને વિશ્વસનીય વીજળી પૂરી પાડવાની ક્ષમતા ધરાવતી હોવાથી તે નવીનીકરણીય ઊર્જાને પૂરક બની શકે છે.