Sat Aug 29 2026

Logo

ભાવનગર લઠ્ઠાકાંડ: NHRCની ગુજરાત સરકાર અને ડીજીપીને નોટિસ, 2 અઠવાડિયામાં માંગ્યો રિપોર્ટ

2026-08-25 21:35:16
Author: Devayat Khatana
ભાવનગર લઠ્ઠાકાંડ: NHRCની ગુજરાત સરકાર અને ડીજીપીને નોટિસ, 2 અઠવાડિયામાં માંગ્યો રિપોર્ટ

ભાવનગર: ભાવનગરમાં ભારે ખળભળાટ મચાવનારા ચકચારી નકલી દારૂ અને લઠ્ઠાકાંડ મામલાનો મુદ્દો છેક દિલ્હી સુધી પહોંચ્યો છે. નેશનલ હ્યુમન રાઇટ્સ કમિશન (NHRC)એ નકલી ઇન્ડિયન-મેડ ફોરેન લિકર પીવાથી સત્તાવાર રીતે ઓછામાં ઓછા 9 લોકોના મોત થયા હોવાના અને અન્ય 39 લોકોને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હોવાના મિડિયા અહેવાલો પર સ્વતઃ સંજ્ઞાન લીધું છે. 

કથિત રીતે આ ગેરકાયદે દારૂમાં મિથેનોલનું ઊંચું પ્રમાણ ભેળવવામાં આવ્યું હતું અને તેને એક ઊંચી બ્રાન્ડનું લેબલ ધરાવતી નકલી બોટલોમાં વેચવામાં આવી રહ્યું હતું. આ ગેરકાયદે દારૂના રેકેટનો ખુલાસો એક પોલીસ રિક્રૂટના મોત માટે નોંધાયેલા અકસ્માતથી મોતના કેસની તપાસ દરમિયાન થયો હતો.

NHRCએ નોંધ લીધી છે કે અહેવાલ જો સત્ય હોય તો તે માનવ અસમાનતા અને માનવતાના અધિકારોના ઉલ્લંઘનના ગંભીર પ્રશ્નો ઊભા કરે છે. આથી NHRC એ ગુજરાતના મુખ્ય સચિવ અને ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસને નોટિસ ફટકારી છે અને બે અઠવાડિયાની અંદર આ બનાવ અંગે વિગતવાર અહેવાલ આપવા કહેવામાં આવ્યું છે.

અહેવાલમાં મૃતકોની વર્તમાન સ્થિતિ, હોસ્પિટલમાં દાખલ પીડિતો અને મિથેનોલ તેમ જ અન્ય કાચા માલની આખી સપ્લાય ચેઇનને ટ્રેસ કરવા માટે લેવામાં આવેલા પગલાં સહિતની તપાસનો સમાવેશ કરવાની પણ સૂચના છે. તેમાં આ બનાવ બાદ સસ્પેન્ડ કરવામાં આવેલા પોલીસ કર્મચારીઓ અને અન્ય જવાબદાર અધિકારીઓ સામે શરૂ કરવામાં આવેલી ખાતાકીય કાર્યવાહી, મૃતકોના પરિવારો અને બચેલા લોકોને પૂરી પાડવામાં આવેલી રાહત, વળતર અને તબીબી સહાયની વિગતોનો પણ સમાવેશ કરવા પણ કહેવાયું છે.  
ઉપરાંત, NHRCએ દારૂબંધીના કાયદાના અમલીકરણને મજબૂત કરવા અને આવી ઘટનાઓને રોકવા માટે અમલમાં મૂકવામાં આવી રહેલા લાંબા ગાળાના ઉપાયો અંગે પણ અહેવાલ માંગ્યો છે.

ઉલ્લેખનીય છે કે ભાવનગરની નકલી દારૂ અને લઠ્ઠાકાંડ મામલે સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC)ની તપાસ ઉંડાણભરી અને આક્રમક રીતે આગળ વધી રહી છે. ઘટનાની ગંભીરતાને ધ્યાને રાખીને સતત ત્રીજા દિવસે SMCના IG ગગનદીપ ગંભીર અને DIG વિશાલકુમાર વાઘેલા ભાવનગર DSP કચેરી ખાતે દોડી આવ્યા હતા. 

લઠ્ઠાકાંડના મૂળ સુધી પહોંચવા તેમ જ સમગ્ર ઘટનામાં સ્થાનિક પોલીસ વિભાગની ભૂમિકા, બેદરકારી કે કોઈ કથિત મિલીભગત રહી છે કે કેમ તે અંગે આ ઉચ્ચ અધિકારીઓ દ્વારા કલાકો સુધી મેરેથોન પૂછપરછ અને ઉંડાણપૂર્વક તપાસ ચલાવવામાં આવી હતી. 

SMCની તપાસ દરમિયાન જો કોઈ પણ નાના-મોટા પોલીસ અધિકારી કે કર્મચારીની કથિત ભૂમિકા, ક્ષતિ અથવા ફરજમાં ગંભીર ચુક સામે આવશે તો તેમની સામે આકરામાં આકરી કાર્યવાહી કરવામાં આવશે તેવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે, જેને પગલે સમગ્ર ભાવનગર પોલીસ બેડામાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે.