વૉશિંગ્ટન: ટ્રમ્પના વહીવટીતંત્રે અમેરિકામાં રાજકીય આશ્રય (અસાઇલમ સ્ટેટસ) માટે અરજી કરનારા અંદાજે 2,00,000 વિદેશીના બિઝનેસ અને ટૂરિઝમ (બી-વન અને બી-ટૂ) વિઝા રદ કરવાની હિલચાલ શરૂ કરી છે.ટ્રમ્પનું વહીવટીતંત્ર જો બે લાખ જેટલા વિદેશીના વિઝા રદ કરશે, તો તે અમેરિકાના ઇતિહાસમાં સામૂહિક રીતે રદ કરાયેલી સૌથી વધુ વિઝા હશે. તેને અદાલતમાં પડકારાય એવી પૂરી શક્યતા જોવાઇ રહી છે.
અમેરિકાનું વિદેશ મંત્રાલય 2016 અને 2026ના સમયગાળા દરમિયાન બી-વન અને બી-ટૂ વિઝા મેળવનારા અને હવે રાજકીય આશ્રય માગનારા વિઝાધારકોની વિઝા રદ કરવાની જાહેરાત આગામી અઠવાડિયાં દરમિયાન કરે એવી સંભાવના છે.ટ્રમ્પ વહીવટીતંત્ર દ્વારા ડિપાર્ટમેન્ટ ઑફ હૉમલૅન્ડ સિક્યોરિટીની સાથે સંકલન સાધીને સંબંધિત કાર્યવાહી કરાશે.
અમેરિકાના વિદેશ મંત્રાલયના પ્રવક્તા ટોમી પિગોટે જણાવ્યું હતું કે અમે વિદેશીઓના નોન-ઇમિગ્રન્ટ વિઝા રદ કરવા અને આવા વિઝાધારકોને ઓળખીને અન્ય જરૂરી પગલાં લઇશું. અમેરિકામાં ટૂંક સમયના મુલાકાતી તરીકે આવીને કાયમી રહેવા માટે રાજકીય આશ્રય માગનારા લોકોની સંખ્યા ઘણી વધી રહી છે. આમ છતાં, કેટલા વિદેશીઓની વિઝા રદ કરાશે? એનો ચોક્કસ આંકડો આપવાનો તેમણે ઇનકાર કર્યો હતો.તેમણે જણાવ્યું હતું કે વિદેશીઓના વિઝા રદ કરવાની પ્રક્રિયા હાલમાં ચાલુ હોવાથી ચોક્કસ આંકડો તાત્કાલિક આપી નહિ શકાય. વિઝા રદ કરવાની કામગીરી સતત (નિરંતર) ચાલુ જ રખાશે.
અમેરિકાના વિદેશ મંત્રાલયના એક અધિકારીએ પોતાનું નામ જાહેર નહિ કરવાની શરતે જણાવ્યું હતું કે વિદેશીઓના વિઝા રદ કરીને કદાચ તેઓનો તાત્કાલિક દેશનિકાલ નહિ કરાય. જે વિદેશીઓના રાજકીય આશ્રયના કેસ પેન્ડિંગ છે, તેઓનું ફરી વર્ગીકરણ કરાશે, પરંતુ આ વિદેશીઓ પોતાનું બિઝનેસ કે ટૂરિઝમ ટ્રાવેલર્સનું સ્ટેટસ ગુમાવશે.ડોનલ્ડ ટ્રમ્પ બીજી મુદત માટે અમેરિકાના પ્રમુખ બન્યા ત્યારથી જ તેમનું વહીવટીતંત્ર વિઝાના અરજદારો માટે વિવિધ નિયંત્રણ મૂકી રહ્યું છે, તેઓની સોશ્યલ મીડિયા હિસ્ટરી તપાસાય છે અને તેઓ પાસે વધુ વિગત મગાઇ રહી છે, વિઝા પ્રોસેસિંગ ફીમાં પણ ધરખમ વધારો કરાયો છે અને અમુક દેશના નાગરિકોને અમેરિકાના વિઝા આપવાનું પણ બંધ કરી દેવાયું છે.
અમેરિકાના નાયબ વિદેશ પ્રધાન ક્રિસ્ટોફર લૅન્ડૌએ સોમવારે સોશ્યલ મીડિયા ‘એક્સ’ પરની પોતાની પોસ્ટમાં લખ્યું હતું કે ટૂરિસ્ટ અને બિઝનેસ વિઝા પર અમેરિકા આવીને રાજકીય આશ્રય માગનારા વિદેશીઓથી અમે કંટાળી ગયા છીએ. આવા અનેક વિદેશીની અરજી બનાવટી હોય છે. વિદેશીઓ રાજકીય આશ્રય માગીને ઇમિગ્રેશન કાયદામાં છેતરપિંડી કરી ન શકે.તેમણે દૃષ્ટાંત રૂપે કોલમ્બિયાના એક નાગરિકનો કિસ્સો ટાંકતા જણાવ્યું હતું કે આ વિદેશી 2015માં ટૂરિસ્ટ વિઝા પર અમેરિકા આવ્યો હતો અને બાદમાં તેણે રાજકીય આશ્રય માટે અરજી કરી હતી.અમેરિકામાં બિઝનેસ ટ્રિપ્સ માટે બી-વન અને પર્યટન, અમેરિકામાંના પરિવારના સભ્યોને મળવા કે તબીબી સારવાર માટે બી-ટૂ વિઝા અપાય છે.
અમેરિકામાં બી-વન અને બી-ટૂ વિઝાધારકોમાંથી કેટલા વિદેશીઓએ રાજકીય આશ્રય માગ્યો છે તેમ જ સરકારના પગલાંની કેટલા લોકોને અસર થવાની છે, તેનો ચોક્કસ આંકડો હજી મળી નથી શક્યો.હાલમાં અમેરિકાના બી-વન અને બી-ટૂ વિઝાધારકોને રાજકીય આશ્રય નહિ માગવા અને યોગ્ય સમયે સ્વદેશ પાછા ફરવાનું કહેવાય છે.