Tue Sep 15 2026

Logo

પ્રજ્ઞાનંદે ઇતિહાસ રચ્યો, ભારતનો એવો પ્રથમ ચેસ ખેલાડી છે જેણે...

St. Louis   2026-08-28 16:30:00
Author: Ajay Motiwala
પ્રજ્ઞાનંદે ઇતિહાસ રચ્યો, ભારતનો એવો પ્રથમ ચેસ ખેલાડી છે જેણે...

સેન્ટ લુઇસ (અમેરિકા): ગૅ્રન્ડમાસ્ટર આર. પ્રજ્ઞાનંદ ગ્રેન્ડ ચેસ ટૂર (જીસીટી) ટાઇટલ જીતનાર ભારતનો પ્રથમ ખેલાડી બન્યો છે. તેણે અહીં ગ્રેન્ડ ફિનાલેમાં અમેરિકાના ફૅબિયાનો કૅરુઆનાને હરાવીને આ વિરલ સિદ્ધિ મેળવી હતી.

ટ્રોફી સાથે 1,91,000 રૂપિયા

ગુરુવારે સેન્ટ લુઇસ ચેસ ક્લબમાં રમાયેલા આ નિર્ણાયક મુકાબલામાં પ્રજ્ઞાનંદ એક તબક્કે કૅરુઆનાથી છ પૉઇન્ટ પાછળ હતો, પરંતુ પછીથી પ્રજ્ઞાનંદ રસાકસીમાં છેવટે 15-13થી જીતી ગયો હતો. પ્રજ્ઞાનંદને ટ્રોફી સાથે 2,00,000 યુએસ ડૉલર (અંદાજે 1,91,000 રૂપિયા)નું પ્રથમ ઇનામ મળ્યું હતું.

21 વર્ષનો પ્રજ્ઞાનંદ આ જીસીટી જીત્યો એ બદલ તે હવે આવતા વર્ષે ગ્રેન્ડ ચેસ (Chess) ટૂરમાં ભાગ લઈ શકશે. જોકે એમાં કૅરુઆના (Caruana)ને પણ ભાગ લેવા મળશે. ગુરુવારે કૅરુઆના પછીના ત્રીજા નંબરે અમેરિકાનો વેસ્લી સૉ હતો જેણે ત્રીજા સ્થાન માટેના મુકાબલામાં જર્મનીના વિન્સેન્ટ કીમરને 18-12થી પરાજિત કર્યો હતો.

નોર્વેનું ટાઇટલ જીતનાર પણ પ્રથમ

પ્રજ્ઞાનંદને મોટી ટૂર્નામેન્ટો માટે પાંચ વખત વિશ્વ વિજેતા બની ચૂકેલા વિશ્વનાથન આનંદનું માર્ગદર્શન મળ્યું હતું. તેણે ફૅબિયાનો સામેની મૅચ ડ્રૉ કરાવી હોત તો પણ ટાઇટલ તેના કબજામાં આવી ગયું હોત. તે આ વર્ષની શરૂઆતમાં નોર્વે ચેસ ટાઇટલ જીતનાર પ્રથમ ભારતીય ચેસ ખેલાડી બન્યો હતો.