Thu Sep 17 2026

Logo

વૈશ્વિક પડકારો છતાં પહેલા ત્રિમાસિકગાળામાં ટાયરની નિકાસમાં 16 ટકાનો વધારો

2026-08-28 20:10:57
Author: Ramesh Gohil
વૈશ્વિક પડકારો છતાં પહેલા ત્રિમાસિકગાળામાં ટાયરની નિકાસમાં 16 ટકાનો વધારો

નવી દિલ્હીઃ વૈશ્વિક સ્તરે ભૂરાજકીય અનિશ્ચિતતા, વિક્ષેપિત પુરવઠા ચેઈન, ઈનપૂટ ખર્ચ અને પરિવહન ખર્ચમાં વધારો થવા જેવાં પડકારો હોવા છતાં વર્તમાન નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિકગાળામાં ટાયરની નિકાસ વર્ષાનુવર્ષ ધોરણે 16 ટકા વધીને રૂ. 7700 કરોડની સપાટીએ રહી હોવાનું ઑટોમેટિવ ટાયર મેન્યુફેક્ચરર્સ એસોસિયેશન (આટ્મા)એ એક આંકડાકીય માહિતીમાં જણાવ્યું છે. 

નોંધનીય બાબત એ છે કે વાણિજ્ય મંત્રાલયની આંકડાકીય માહિતી અનુસાર ગત નાણાકીય વર્ષ 2025-26માં ઉદ્યોગની ટાયર નિકાસનું મૂલ્ય રૂ. 27,312 કરોડની સપાટીએ રહ્યું હતું. જોકે, વર્તમાન નાણાકીય વર્ષના પહેલા ત્રિમાસિકગાળાની નિકાસ કામગીરી મજબૂત રહી હોવાનું એસોસિયેશને યાદીમાં ઉમેર્યું હતું. 

એકંદરે વેપાર કરારો મારફતે બજાર એક્સેસમાં સુધારો અને ટેકા ધરાવતી સરકારની નિકાસ નીતિને કારણે ઉદ્યોગે નિકાસ વૃદ્ધિ જાળવી રાખી છે અને વૈશ્વિક સ્તરે ટાયરના ઉત્પાદનમાં અને નિકાસ હબ તરીકે ભારતનું સ્થાન વધુ મજબૂત થયું હોવાનું યાદીમાં જણાવતા ઉમેર્યું હતું કે સમીક્ષા હેઠળના સમયગાળામાં પેસેન્જર કાર રેડિયલ (પીસીઆર) ટાયરની નિકાસમાં સૌથી વધુ 21 ટકાનો આકર્ષક વૃદ્ધિદર જોવા મળ્યો છે. 

એસોસિયેશનનાં ચેરમેન અરૂણ મેમને જણાવ્યું હતું કે પહેલા ત્રિમાસિકગાળામાં મજબૂત નિકાસ વૃદ્ધિ સાથે નવાં નાણાકીય વર્ષનો આરંભ થયો છે. નિકાસ વૃદ્ધિ વૈશ્વિક બજારમાં ભારતમાં ઉત્પાદિત થયેલા ટાયરની વધતી સ્વીકૃતિનો તેમ જ ઉદ્યોગ દ્વારા સતત થઈ રહેલા ટેક્નોલૉજી, ક્ષમતા વિસ્તરણ, ઉત્પાદનનો વિકાસ તથા ગુણવત્તાનો નિર્દેશ આપે છે. 

એસોસિયેશનની આંકડાકીય માહિતી અનુસાર સમીક્ષા હેઠળના સમયગાળામાં થયેલી નિકાસમાં યુરોપ ખાતેની નિકાસ 25 ટકાની વૃદ્ધિ સાથે રૂ. 3003 કરોડની સપાટીએ રહી હતી અને કુલ નિકાસમાં યુરોપનો હિસ્સો 40 ટકા જેટલો બહોળો રહ્યો હતો. આ સિવાય કુલ નિકાસ પૈકી 16 ટકાની નિકાસ સાથે અમેરિકા સૌથી મોટો દેશ રહ્યો હોવાનું યાદીમાં ઉમેર્યું હતું.