Tue Sep 01 2026

Logo

વડા પ્રધાન મોદીએ કહ્યું, `કડવું સત્ય એ છે કે ઑલિમ્પિક્સમાં આપણે...'

2026-08-27 21:37:38
Author: Ajay Motiwala
વડા પ્રધાન મોદીએ કહ્યું, `કડવું સત્ય એ છે કે ઑલિમ્પિક્સમાં આપણે...'

નવી દિલ્હીઃ શનિવારે આખો દેશ હૉકી-લેજન્ડ મેજર ધ્યાનચંદના જન્મદિને `રાષ્ટ્રીય ખેલકૂદ દિવસ' ઉજવશે અને એ કાર્યક્રમ માટે દેશમાં વિવિધ સ્થળે `ખેલો ઇન્ડિયા ચર્ચા' માટે એકત્રિત થયેલા સેંકડો ઍથ્લીટો, વિદ્યાર્થીઓ તેમ જ સ્વયંસેવકોને ગુરુવારે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વર્ચ્યુઅલી સંબોધતા કહ્યું હતું કે `ઑલિમ્પિક ગેમ્સમાં અનેક રમતોની હરીફાઈ થતી હોય છે, પરંતુ કડવું સત્ય એ છે કે એમાંથી અડધા ભાગની રમતોમાં પણ ભારતની હાજરી નથી હોતી. એનો અર્થ એ થયો કે આપણે મોટા ભાગના ચંદ્રકો (Medals) માટેની હરીફાઈમાં ભાગ નથી લેતા હોતા અને આવું દાયકાઓથી ચાલે છે.'

વડા પ્રધાને એવું પણ કહ્યું, `અગાઉ આપણે ભાગ ન લીધો હોય એવી સર્ફિંગ અને સ્પોર્ટ ક્લાઇમ્બિંગ જેવી ઘણી રમતોની હરીફાઈમાં આપણે ભાગ લેતા થઈએ તો જ આપણા ચંદ્રકોની સંખ્યામાં મોટો સુધારો જોવા મળી શકે. આપણી પાસે વિશાળ દરિયા કિનારા છે તેમ જ અનેક ડુંગરાળ પ્રદેશો છે જ્યાં આવી રમતો વિકસાવી શકીએ.' ખેલકૂદ પ્રધાન મનસુખ માંડવિયા વડા પ્રધાનના વર્ચ્યુઅલ સંબોધનને લગતી ઇવેન્ટ સાથે ગાંધીનગરના આઇઆઇટીથી જોડાયા હતા.

મોદી (Modi)ની દીર્ઘદૃષ્ટિ માત્ર ચંદ્રકો જીતવા માટેનું જ નથી. તેઓ અનેક રમતોને રાષ્ટ્ર-નિર્માણની પ્રક્રિયાનો આંતરિક અને મહત્ત્વનો હિસ્સો બનાવી લેવા માગે છે. તેમણે કહ્યું, `2012ની ઑલિમ્પિક્સમાં આપણે માત્ર 13 સ્પોર્ટ્સમાં જ ભાગ લીધો હતો, 20 ઇવેન્ટ પણ નહીં. એ તો ઠીક છે, પણ દેશમાં ઑલિમ્પિક્સની કેટલીક રમતોની હરીફાઈઓ વિશે જાણ સુદ્ધા નહોતી, જ્યારે બીજા દેશો એ રમતોમાં ભાગ લઈને મેડલ જીતી જતા હોય છે. આપણે વધુ ચંદ્રકો જીતવા માટે આ રમતોમાં સુધારો કરવો જોઈશે.'

2024ની ઑલિમ્પિક્સમાં ભારતે 32માંથી માત્ર 16 રમતોની હરીફાઈઓમાં ભાગ લીધો હતો. 2036ની ઑલિમ્પિક્સ અમદાવાદમાં યોજાશે એવી પાક્કી સંભાવના છે. મોદીએ 15મી ઑગસ્ટના ભાષણમાં ભારપૂર્વક કહ્યું હતું કે `આવનારા વર્ષોમાં દેશભરમાંથી પાંચથી પંદર વર્ષની વયના બાળકો અને ટીનેજરોમાં રહેલી ટૅલન્ટ શોધી કાઢવા માટેની ઝુંબેશ હાથ ધરવામાં આવશે.'