Mon Sep 07 2026

Logo

ફોક્સઃ સફરજન જ કેમ, સંતરા કે ચીકુ કેમ નહીં?

2026-09-01 09:50:00
Author: Antara Patel
ફોક્સઃ સફરજન જ કેમ, સંતરા કે ચીકુ કેમ નહીં?

અંતરાપટેલ

સ્વર્ગમાં હજારો પ્રકારનાં ફળનાં ઝાડ હશે. જ્ઞાનના ફળ તરીકે સફરજનને કેમ પસંદ કરવામાં આવ્યું? આ ફળ મનુષ્યોને જ્ઞાન મેળવવા માટે કેમ લલચાવતું હતું? અને સાથે જ તેમાં એક નકારાત્મકતા પણ આવી ગઈ કે તે માનવોને શાંતિપૂર્ણ ગાર્ડન ઑફ ઈડનમાંથી કઢાવવા માટે આંશિક રીતે જવાબદાર છે કે શેતાને સફરજનના માધ્યમથી જ આદમ અને હવાને જન્નતમાંથી બહિષ્કૃત કરાવ્યાં હતાં.

હિન્દુ પૌરાણિક કથાઓમાં સફરજનની કોઈ મુખ્ય કે પવિત્ર ભૂમિકા નથી, કારણ કે સફરજન ભારતના ગરમ મેદાનોનું ફળ નથી. સફરજનની જગ્યાએ દેશી ફળો જેવાં કે બીલી, સીતાફળ અને થોર્ન એપલ (ધતૂરો)નો ઊંડો પ્રતીકાત્મક અને પૌરાણિક અર્થ છે. કોઈ એ પરીકથા ભૂલી શક્યું નથી જેમાં ક્રૂર સાવકી માતાએ સ્નો વ્હાઇટને ઝેરી સફરજન આપ્યું હતું. 

આ બધામાં સફરજન જ કેમ મુખ્ય છે? નારંગી, ચીકુ કે અન્ય કોઈ ફળ કેમ નહીં? હું આ પ્રશ્ર્નનો જવાબ વિચારી રહ્યો હતો ત્યારે મને આઇઝેક ન્યૂટન યાદ આવ્યો. તે પણ સફરજનના ઝાડની છાયા નીચે સૂઈ રહ્યો હતો ત્યારે તેના માથા પર એક સફરજન પડ્યું, જેના કારણે તે ગુરુત્વાકર્ષણના સિદ્ધાંતો ઘડી શક્યો. સદ્નસીબે, તે નારિયેળના ઝાડ નીચે સૂતો ન હતો; જો એવું થયું હોત, તો આજે આપણે ન્યૂટનનું નામ જાણતા પણ ન હોત.

જોકે, આજની ટેક-સેવી જેન ઝી પેઢી માટે અડધું ખાધેલું સફરજનનું પ્રતીક ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે, કારણ કે જ્યારે પણ નવો ફોન રિલીઝ થાય છે ત્યારે એપલ સ્ટોર્સની બહાર લાંબી લાઇનો લાગે છે. હું મારા હૉસ્પિટલના પલંગ પર બેઠી હતી ત્યારે આ બધા વિશે વિચારી રહી હતી, જ્યાં હું ચેકઅપ કરાવવાની હતી. મેં મારા પતિ સાથે મારા વિચારો શેર કર્યા અને કહ્યું, ‘સફરજનને અન્ય ફળો કરતાં અન્યાયી ફાયદો કેમ છે? દરેક વ્યક્તિ સફરજન પ્રત્યે આંશિક સહાનુભૂતિ કેમ ધરાવે છે?’

આ સવાલ સાંભળીને મારા પતિએ મારી તરફ પ્રશ્નાર્થ નજરે જોતાં કહ્યું, ‘દુનિયાભરમાં યુદ્ધો ચાલી રહ્યાં છે. તેલના ભાવ આસમાને સ્પર્શી રહ્યા છે. ડૉલરની સામે રૂપિયાનું મૂલ્ય સતત ઘટી રહ્યું છે. જેન ઝી પેઢી પોતાના હકો માટે રસ્તાઓ પર સંઘર્ષ કરી રહી છે. તને એ વાતની ચિંતા છે કે ફળો સાથે ભેદભાવ કેમ થઈ રહ્યો છે?’ 

હું કોઈ જવાબ આપી શકું તે પહેલાં જ રૂમમાં ડૉક્ટરે પ્રવેશ કર્યો અને મારા રિપોર્ટમાં આયર્ન, વિટામિન વગેરેની ઊણપ જોઈને મને વધુ ફળો અને શાકભાજી ખાવાની સલાહ આપી. રૂમની બહાર નીકળતી વખતે ડૉક્ટરે કહ્યું, ‘તમને એ તો ખબર જ હશે કે રોજ એક સફરજન ખાવાથી ડૉક્ટર દૂર રહે છે.’ ડૉક્ટરના જતાં જ મારા પતિએ કટાક્ષ કરતાં કહ્યું, ‘હવે તમારું શું માનવું છે, મૅડમ?’