Mon Oct 05 2026

Logo

આહારથી આરોગ્ય સુધીઃ એક જટિલ સમસ્યા છે અલ્ઝાઈમર...

2026-09-29 08:12:00
Author: Dr. Harsha Chadwa
આહારથી આરોગ્ય સુધીઃ એક જટિલ સમસ્યા છે અલ્ઝાઈમર...

ડૉ. હર્ષા છાડવા


જીવનશૈલી ખૂબ જ મોટા પાયે અસ્તવ્યસ્ત થઈ ગઈ છે. ખૂબ જ વ્યસ્તતાને કારણે શારીરિક અને માનસિક આરોગ્ય વ્યવસ્થિત સચવાતું નથી. અલ્ઝાઈમર કે મનોભ્રંશ એ મગજનો એક ગંભીર રોગ છે. આ તકલીફ વૃદ્ધાવસ્થા કે સાંઈઠની ઉંમર પછી વધુ જોવા મળે છે. યાદશક્તિ ઓછી થઈ જાય છે કે નાની નાની ઘટનાઓ, કોઈને ઓળખવું, શબ્દો બોલવામાં વગેરે ભૂલ થવા લાગે છે. 


અચાનક મૂડ બદલાવો, સામાન્ય રોજિંદા કાર્યોમાં મુશ્કેલી અનુભવાય છે. આ બીમારીનો કોઈ ચોક્કસ કે સંપૂર્ણ ઈલાજ હજુ સુધી શોધાયો નથી. આ તકલીફ હવે મોટા સ્તરે દેખાવા લાગી છે ઘણાંય વૃદ્ધો ઘરનો રસ્તો ભૂલી જાય છે. પોતાના પરિવાર જનોને પણ ભૂલી જાય છે. જીવનશૈલીમાં પરિવર્તનને કારણે આ સમસ્યા લગભગ દરેક ઉંમરના લોકોમાં જણાવા લાગી છે.


વિશ્વ અલ્ઝાઈમર દિવસ ઓગણીસો ચોરાણુથી દર એકવીસ સપ્ટેમ્બરના દિવસે મનાવવામાં આવે છે અલ્ઝાઈમર ડિસીસ ઈન્ટરનેશનલ સંગઠનની દસમી વર્ષ ગાંઠના અવસર પર શરૂ કરવામાં આવ્યો હતો. અલ્ઝાઈમર રોગ કે ડિમ્નેશિયા(મનોભ્રંશ)ની જાણકારીની જાગૃતતા માટે મનાવામાં આવે છે. આ સંગઠનનું એવું માનવું છે કે આ એક સામાજિક કલંક (Stigma) છે એને નાબૂદ કરવું એ આપણી સામાજિક ફરજ છે.


અલ્ઝાઈમર મગજને પ્રભાવિત કરે છે તેથી માનવીને વિચારવામાં અને લાગણીની અભિવ્યક્તિ કરવામાં મુશ્કેલી થાય છે. મોટી ઉંમરમાં આનો પડકાર ઘણોય મોટો છે કારણ મોટી વયના દર્દીને સમજવા માટે ઘણી મુશ્કેલી થાય છે. આ દિવસ મનાવવાનો હેતુ એ છે કે અલ્ઝાઈમર થયા પછી આનો ઈલાજ બહુ જ મુશ્કેલ છે તેથી જીવનશૈલીમાં બદલાવ, ખાન-પાનની ખોટી આદતોમાં બદલાવ, સામાજિક વ્યવહાર (સમાજના કાયક્રમોમાં જોડાવું) તહેવારોના ઉજવણીમાં જોડાવું, સમાજના વ્યક્તિઓ સાથે હળવું મળવું, પારિવારિક સંમેલન કરવા જેથી માનસિક સ્વાસ્થ્ય જળવાઈ રહે. દર્દી અને પરિવારજનોને પ્રોત્સાહન મળી રહે તેની માટે આ દિવસની ઉજવણી કરવામાં આવે છે.


ઝડપી જીવનશૈલીના કારણે સામાજિક વ્યવસ્થા પર પણ અસર પડી છે. વધુ દોડભાગ, આર્થિક ઉપાર્જન માટેની દોડભાગના કારણે સામાજિક વ્યવહારના કાર્યક્રમોમાં યોગદાન આપી શકાતું નથી. એકલવાયુ જીવન છે તેની અસર માનસિક સ્વાસ્થ્ય પર પડી છે. લગભગ બધા જ ડૉક્ટરોનું માનવું એ જ છે આનો કોઈ ચોક્કસ ઈલાજ નથી. લાઈફસ્ટાઈલ બદલવી એ જ ઈલાજ છે. રોગ થયા પછી લાઈફસ્ટાઈલ બદલવી એ વ્યાજબી નથી.  સમજદારી એ છે કે લાઈફસ્ટાઈલ પહેલેથી જ સુધારણા પર રાખવી. લોકો એ ભ્રમમાં રહે છે મને કાંઈ નહીં થાય અને લાઈફસ્ટાઈલ સુધારતા નથી.


અલ્ઝાઈમર થવાનાં અન્ય કારણો જે લગભગ મુખ્ય છે તે થાઈરોઈડ, ડાયાબિટીસ, વિટામિન બી-12ની ઊણપ, મીઠાઈઓનું સેવન (બધા જ પ્રકારના સુગરી પ્રોડક્ટસ, હાઈડ્રોજનેટ ઘી (નકલી ઘી)થી બનતી પ્રોડક્ટસ જેમ કે આઈસક્રીમ, બિસ્કીટ, બ્રેડ, અમુક પ્રકારની મીઠાઈઓ, ડિઝર્ટ, નકલી ઘીમાં તળેલા ફરસાણ, દવાઓ, સુગરી કોલ્ડડ્રીંકના કારણે અલ્ઝાઈમરની બીમારી થાય છે. અન્ય કારણ વધુ પડતો માનસિક બોજ પણ જવાબદાર છે. વધુ પડતી કબજિયાત જેવાં કારણો છે શારીરિક અને માનસિક બન્ને કારણો આની માટે જવાબદાર છે. સિક્કાની બે બાજુ હોય તેવી જ રીતે આ બીમારીનાં શારીરિક અને માનસિક કારણો જવાબદાર છે.


આ અલ્ઝાઈમર કે મનોભ્રંશથી બચવા માટે નાની વયથી સુધારણા જરૂરી છે. આ રોગ ધીરે ધીરે આગળ ધપે છે બાળપણથી જ સુગર વાળા ખાદ્યયપદાર્થની વસ્તુઓનો ઉપયોગ ન કરવો. સ્વાસ્થ્યવર્ધક, પોષણયુક્ત ખોરાકનો ઉપયોગ કરવો, સદ્ભાવના કેળવવી, સામાજિક જીવનનું મહત્ત્વ સમજવું, તહેવારોની ઉજવણીથી પારસ્પરીક સંબંધો વધે છે. સામાજિક ઉન્નતિ થાય છે. આર્થિક ઉપાર્જનના સાધનો વધે છે તેમ જ માનસિક ખુશી કે મનોરંજન મળી રહે છે. વર્ષમાં એકાદવાર કુદરતી સ્વાસ્થ્યથી ભરપૂર જગ્યાએ ફરવા જવું, પારિવારિક સંબંધો મજબૂત બનાવવા તહેવારોની ઉજવણીમાં વપરાતા વસાણા યુક્ત કે પારંપરિક ભોજનનો ઉપયોગ જરૂર કરવો. હા પણ તે કુદરતી સામગ્રીથી બનેલા હોય એ જરૂરી છે.


અલ્ઝાઈમર હોય તેવા દર્દીને ઠંડા પાણીનો નેપકીન કપાળ અને પેટ ઉપર રાખવો, જેથી મન શાંત રહે અને પેટની સફાઈ થાય. માલકગોંની બ્રાહ્મી, અશ્ર્વગંધા જેવી ઘણીય ઔષધીનો ઉપયોગ કરી શકાય. ચિકિત્સકની સલાહ મુજબ ભોજનમાં લીલાપાંદડાવાળી ભાજીનો ઉપયોગ કરવો, ડબ્બાપેક ફળો ન લેવાં, તાજાં ફળોનો ઉપયોગ કરવો, ઘરમાં રાંધેલી વાનગીનો ઉપયોગ કરવો જેથી બાહ્ય કેમિકલવાળી અને અપ્રાકૃત ખાદ્યપદાર્થથી બચી શકાય. ચાલવાનું વધુ રાખવું. ઋતુ અનુસાર ખાવામાં બદલાવ કરવો. આ અલ્ઝાઈમર વિશે આ બાબતો યાદ રાખવી એજ આ બીમારીથી દૂર રાખી શકે છે.