Tue Sep 29 2026

Logo

આરોગ્ય પ્લસઃ ટાઇફોઇડ...

2026-09-29 12:41:00
Author: Smriti Shah Maheta
આરોગ્ય પ્લસઃ ટાઇફોઇડ...

સ્મૃતિ શાહ મહેતા

ટાઇફોઇડના લક્ષણ:

- શરૂઆતમાં શરીર તૂટે, માથું દુ:ખે, કબજિયાત અને બેચેની જણાય. આ તાવમાં વાયું અને કફની પ્રધાનતા સાથે પિત્ત પણ હોય છે. 

- ઠંડીને લઇને ધ્રૂજારી, ઝાડા, ઊલટી, માથાનો અસહ્ય દુ:ખાવો વર્તાય.
- પેટ પર દબાવવાથી ત્યાં દુ:ખાવો થાય અને વિશેષ કરીને જમણી બાજુ પેઢુના ભાગમાં દર્દ અધિક થાય. ભૂખ બિલકુલ મરી જાય, અનિદ્રામાં વધારો અને તેથી સુસ્તી વર્તાય આ તાવ લાંબો સમય ચાલી શકે છે.

ટાઇફોઇડ થવાનાં કારણ:

આ તાવ સાલ્મોનેલા ટાઇફી (Salmonella Typhi) નામના બેકટેરિયાથી થાય છે.
- ઉપર જણાવેલ બેકટેરિયાયુક્ત દૂષિત પાણી, દૂધ કે અન્ય ખોરાક લેવાથી આ તાવ આવી શકે છે.

ટાઇફોઇડમાં આહાર સંબંધી વિવેક:

- આ બધાની શરૂઆતમાં 1થી 2 દિવસ માત્ર ગરમ પાણી ઉપર રહી ઉપવાસ કરવા શ્રેષ્ઠ છે.

- ત્યારબાદ ધીરે-ધીરે હલકો અને પ્રવાહી ખોરાક લેવો. જેથી આંતરડાને આરામ મળે, શક્ય હોય તેટલા પ્રવાહી વધુ લેવા.
- ફૂટ જયુસ, મગનું ઓસામણ, સુપ, નાળિયેરનું પાણી વગેરે લઇ શકાય.

આ રોગમાં ઝાડા કે મરડો થવાની વધુ સંભાવના હોવાથી વધારે રેસાવાળો તથા મસાલેદાર આહાર ન લેવો.
દહીં અને છાશ લઇ શકાય, પરંતુ દૂધનો ત્યાગ રાખવો.
તાવમાંથી રાહત થયા બાદ ધીરે ધીરે દહીં ભાત જેવો હળવો ખોરાક લેવાનું શરૂ કરવું.

સાવધાની...
- દર્દીએ ખાસ સંપૂર્ણ આરામ કરવો. ભૂલથીય કોઇ પણ શારીરિક કે માનસિક શ્રમ કરવો નહીં.
- દર્દી વધુ ને વધુ આનંદમાં રહે તેવું વાતાવરણ રાખવું.
- દર્દીએ સંડાસ ગયા પછી વ્યવસ્થિત રીતે હાથ-પગ ધોવા. નહિતર આ રોગમાં દર્દીનો ચેપ અન્ય લોકોમાં ફેલાવાની ખૂબ જ સંભાવના હોય છે.
- દર્દીની પથારી, ચાદર, કપડાં તથા તેની દરેક વસ્તુઓ યોગ્ય રીતે સાફ કરી, જંતુરહિત કરી, અલગ રાખવી.
- ઘરના સભ્યોએ ખાદ્યપદાર્થો સંપૂર્ણ જંતુરહિત રહે તેની ખાસ સાવધાની રાખવી.
- દર્દીની સંભાળ રાખનાર વ્યક્તિને તે દર્દીનો ચેપ ન લાગે તેની ખાસ સાવધાની રાખવી. જેમ કે, દર્દીનો સ્પર્શ કર્યા બાદ તુરંત જ હાથ વ્યવસ્થિત ધોઇ નાખવા.
- રસોઇ કરનાર વ્યક્તિને ટાઇફોઇડ થયો હોય તો સંપૂર્ણ સારવાર થયા બાદ ચિકિત્સકની સલાહ બાદ જ રસોડામાં જવું. જેથી અન્ય લોકોને આહાર દ્વારા તેનો ચેપ ન લાગે.

ટાઇફોઇડના ઉપચાર...

  • માથા પર વારંવાર મીઠાવાળા ઠંડા પાણીનાં પોતા મૂકવા, જરૂરિયાત મુજબ વારંવાર ફળોનો રસ પીવો.
  • 10 ગ્રામ તુલસીનો રસ અને 2 ગ્રામ મરીના ચૂર્ણને 2 ચમચી મધમાં મેળવીને લેવું.
  • 500 મિ. લી. પાણીમાં 8થી 9 લવિંગ ઉમેરીને પાણી અડધું રહે ત્યાં સુધી ઉકાળવું પછી ગાળીને દિવસ દરમિયાન તે પાણી પીવું.
  • દિવસમાં 2થી 3 મોસંબીનો રસ લેવો કે સફરજન ખાવું.
  • 1 કપ છાશમાં 3 ચમચી કોથમીરનો રસ ઉમેરી દિવસમાં 2થી 3 વાર પીવો.
  • હૂંફાળા પાણીમાં અડધી ચમચી જીરુનો પાઉડર અને 1 ચમચી મધ ઉમેરીને પીવું.
  • જો દર્દીને કબજિયાત રહેતો હોય તો તેને રોજે 2-3 અંજીર ખાવા રાત્રે 1 ચમચી ઇસબગુલ પાણીમાં લેવું.