રેખા દેશરાજ
સવારના છ વાગ્યાનો સમય છે. એલાર્મ વાગતાંની સાથે જ તમે ઊઠો છો. નવશેકું પાણી પીઓ છો. સ્પોર્ટ્સ શૂઝ પહેરો છો અને પાર્ક તરફ નીકળી પડો છો. થોડા કિલોમીટરનું રનિંગ, થોડી સ્ટ્રેચિંગ અને પછી ઘરે પાછા ફરીને પ્રોટીનથી ભરપૂર નાસ્તો- તમારી નજરમાં ફિટનેસની આનાથી ઉત્તમ શરૂઆત બીજી શું હોઈ શકે? પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ જ ફિટનેસ રૂટિન વચ્ચે એક ખૂબ જ નાનો જીવ તમારી આખી મહેનત પર પાણી ફેરવી શકે છે? હા, મચ્છર!
ફિટનેસની દુનિયામાં આપણે સામાન્ય રીતે સ્થૂળતા, બીપી, જંક ફૂડ, ઊંઘનો અભાવ અને શારીરિક નિષ્ક્રિયતાને સ્વાસ્થ્યના દુશ્મન માનીએ છીએ, પરંતુ મચ્છરોને લઈને આપણી ચિંતા ત્યારે જ જાગે છે જ્યારે ડેન્ગ્યૂના કેસ સામે આવવા લાગે છે. સત્ય એ છે કે મચ્છરજન્ય ઇન્ફેક્શન પણ આપણી ફિટનેસ, સક્રિયતા અને રોજિંદા જીવનને ખરાબ રીતે પ્રભાવિત કરી શકે છે.
ફિટ શરીર પણ ચેપથી નથી બચતું
કસરત કરવાથી શરીર મજબૂત થાય છે. રોગપ્રતિકારક શક્તિ અને શારીરિક ક્ષમતા જાળવી રાખવામાં મદદ મળે છે. પરંતુ એનો અર્થ એ નથી કે નિયમિત એક્સરસાઇઝ કરનાર વ્યક્તિ ચેપથી સુરક્ષિત થઈ જાય છે. મચ્છરજન્ય બીમારીઓ આનું ઉત્તમ ઉદાહરણ છે. ડેન્ગ્યૂ, મલેરિયા, ચિકનગુનિયા અને અન્ય કેટલાક રોગો શરીરને ઘણા સ્તરે પ્રભાવિત કરી શકે છે.
તાવ, નબળાઈ, શરીરમાં દુખાવો, માથાનો દુખાવો અને થાક જેવી સમસ્યાઓ વ્યક્તિને થોડા દિવસો માટે તેની સામાન્ય પ્રવૃત્તિઓથી દૂર કરી શકે છે. કેટલાક ચેપ પછી, કસરતની દિનચર્યામાં પાછા ફરવામાં પણ સમય લાગી શકે છે. કહેવાનો અર્થ એ છે કે તમે મહિનાઓ સુધી સ્ટેમિના બનાવવા માટે મહેનત કરો અને એક ચેપ અચાનક તમારી રનિંગ, જિમ, યોગ કે રમતગમત બધું જ અટકાવી દે છે.
ફિટનેસનો અર્થ માત્ર મસલ્સ નથી
ફિટનેસને જો આપણે માત્ર વજન, કમરના માપ, મસલ્સ કે સ્ટેમિના સાથે જ જોડીશું તો ચિત્ર અધૂરું રહેશે. વાસ્તવિક ફિટનેસમાં શરીરને બીમારીઓથી બચાવવાની ટેવો પણ સામેલ છે. આ જ કારણ છે કે મચ્છરોથી બચવાને પણ રોજિંદા હેલ્થ રૂટીનનો એક ભાગ સમજવો જોઈએ. જેવી રીતે આપણે કસરત માટે સમય કાઢીએ છીએ, તેવી જ રીતે ઘરની આસપાસ પાણી એકઠું ન થવા દેવા માટે પણ થોડી મિનિટ કાઢી શકીએ છીએ. જેવી રીતે આપણે બહાર નીકળતી વખતે તડકાથી બચવાના ઉપાયો કરીએ છીએ, તેવી જ રીતે મચ્છરોથી બચવા માટે યોગ્ય કપડાંનો ઉપયોગ કરી શકીએ છીએ. આ નાની સરખી સાવચેતી તમને કોઈ મોટી મુશ્કેલીમાંથી બચાવી શકે છે.
આઉટડોર ફિટનેસવાળા રહે સાવધાન
ફિટનેસનો ટ્રેન્ડ હવે ઘર કે જિમ સુધી સીમિત નથી રહ્યો. લોકો પાર્કમાં રનિંગ કરે છે, સાઇકલ ચલાવે છે, ખુલ્લાં મેદાનોમાં યોગ કરે છે અને સાંજે ચાલવા નીકળે છે. આ સારી ટેવ છે, પરંતુ વરસાદ અને ભેજવાળા ગરમ વાતાવરણમાં આઉટડોર પ્રવૃત્તિઓ દરમિયાન મચ્છરોથી બચવા પર પણ ધ્યાન આપવું જોઈએ. ખાસ કરીને એવી જગ્યાઓ પર જ્યાં આસપાસ પાણી એકઠું થયેલું હોય, ઘાટી ઝાડીઓ હોય કે લાંબા સમયથી સફાઈ ન થઈ હોય. આનો અર્થ એ બિલકુલ નથી કે મચ્છરોના ડરથી આઉટડોર એક્સરસાઈઝ છોડી દેવી. જરૂરિયાત બસ એટલી છે કે ફિટનેસ અને સાવચેતી સાથે ચાલે.
ઘર પણ બને ફિટનેસ ઝોન
મચ્છરોથી બચવાની સૌથી મહત્ત્વપૂર્ણ શરૂઆત ઘરથી થાય છે. કુંડાંની નીચે મૂકેલી ટ્રે, કૂલર, ખુલ્લા ક્ધટેનર, જૂના ટાયર, છત પર પડેલાં વાસણો કે એવી કોઈ પણ જગ્યા જ્યાં પાણી ઘણા દિવસો સુધી એકઠું રહી શકે છે, તે મચ્છરો માટે પ્રજનન સ્થળ બની શકે છે. તેથી સપ્તાહમાં એક દિવસ ઘરની આસપાસ પમચ્છર ચેક’ કરવું એ એક ઉપયોગી ટેવ બની શકે છે. જ્યાં પાણી એકઠું થયેલું છે તેને ખાલી કરો, વાસણોને સાફ કરો અને પાણીની ટાંકી ઢાંકીને રાખો. આ કામ કોઈ મોટા અભિયાન જેવું નથી, માત્ર થોડી મિનિટોની સાવચેતી ખૂબ મોટો તફાવત લાવી શકે છે.
હેલ્થ ઈન્વેસ્ટમેન્ટ છે મચ્છરોથી બચાવ
આપણે ફિટનેસ માટે જિમની ફી આપીએ છીએ, સારા શૂઝ ખરીદીએ છીએ, પૌષ્ટિક ખોરાક પર ખર્ચ કરીએ છીએ અને ફિટનેસ ટ્રેકરનો પણ ઉપયોગ કરીએ છીએ. પરંતુ રોગ નિવારણ પર ઘણીવાર ખૂબ ઓછું ધ્યાન આપીએ છે. વાસ્તવમાં, સ્વાસ્થ્યમાં સૌથી સમજદારીભર્યું રોકાણ એ જ છે જે બીમારી આવ્યા પહેલા કરવામાં આવે. મચ્છરોથી બચાવ આ જ વિચારસરણીનો એક ભાગ છે. એક મચ્છરને મારી નાખવો એ કોઈ મોટી સિદ્ધિ નથી લાગતી, પરંતુ મચ્છરોના પ્રજનનને રોકવું એ જાહેર આરોગ્યની દ્રષ્ટિએ વધુ મહત્ત્વપૂર્ણ છે. તેથી માત્ર પોતાના શરીરની ફિટનેસ જ નહીં, પણ પોતાની આસપાસના વાતાવરણની સ્વચ્છતા પણ આપણી જ જવાબદારી છે.
વિશ્વ મચ્છર દિવસનો સંદેશ
20 ઓગસ્ટે ઉજવવામાં આવતો પવિશ્વ મચ્છર દિવસ’ સર રોનાલ્ડ રોસની એ ઐતિહાસિક શોધની યાદ અપાવે છે જેણે મલેરિયા અને મચ્છરો વચ્ચેના સંબંધને સમજવામાં વિજ્ઞાનને નિર્ણાયક દિશા આપી. પરંતુ આજે આ દિવસનું મહત્ત્વ માત્ર ઇતિહાસ યાદ કરવા પૂરતું સીમિત નથી. તે આપણને યાદ અપાવે છે કે સ્વાસ્થ્યની લડાઈ અનેક મોરચે લડવામાં આવે છે.
યોગ્ય ખોરાક, પૂરતી ઊંઘ, નિયમિત કસરત અને તણાવ પર નિયંત્રણ જરૂરી છે, પરંતુ ઇન્ફેક્શનથી બચાવ પણ એટલો જ મહત્ત્વપૂર્ણ છે. તેથી બીજી વાર જ્યારે તમે તમારી ફિટનેસ લિસ્ટ બનાવો, ત્યારે તેમાં માત્ર 30 મિનિટ રનિંગ’, 10 હજાર કદમ’ કે ઓછી ખાંડ’ એટલું જ ન લખો. તેમાં વધુ એક પૉઇન્ટ ઉમેરજો- મચ્છર નિવારણ, કારણ કે ફિટનેસનો સાચો અર્થ માત્ર મજબૂત શરીર બનાવવું નથી, પરંતુ એ શરીરને બિનજરૂરી બીમારીઓથી સુરક્ષિત રાખવું પણ છે.