Mon Oct 05 2026

Logo

તમારા માટે શું યોગ્ય છે ફૅમિલી ફ્લોટર કે ઇન્ડિવિજ્યુઅલ હેલ્થ ઇન્સ્યોરન્સ?

2026-09-29 12:28:00
Author: Neela Sanghvi
તમારા માટે શું યોગ્ય છે ફૅમિલી ફ્લોટર કે ઇન્ડિવિજ્યુઅલ હેલ્થ ઇન્સ્યોરન્સ?

નિશા સંઘવી

ઘર માટે હેલ્થ ઇન્સ્યોરન્સ પૉલિસી ખરીદવા જાવ ત્યારે સૌથી પહેલો સવાલ થાય છે - દરેક સભ્ય માટે અલગ પૉલિસી લેવી (ઇન્ડિવિજ્યુઅલ) કે આખા પરિવાર માટે એક જ પૉલિસી (ફેમિલી ફ્લોટર) લેવી? બંનેના પોતાના ફાયદા અને મર્યાદાઓ છે અને સાચો નિર્ણય તમારા પરિવારની ઉંમર, તબિયત અને જરૂરિયાત પર આધાર રાખે છે.

ઇન્ડિવિજ્યુઅલ હેલ્થ ઇન્સ્યોરન્સ એટલે શું?

ઇન્ડિવિજ્યુઅલ પૉલિસીમાં પરિવારના દરેક સભ્ય માટે અલગ-અલગ સમ ઇન્સ્યોર્ડ (કવર રકમ) નક્કી થાય છે. ધારો કે તમે પતિ, પત્ની અને બે બાળક માટે દરેકનું પાંચ લાખ રૂપિયાનું અલગ કવર લો તો કુલ 20 લાખ રૂપિયાનું કવર થયું, પણ દરેક વ્યક્તિનું પાંચ લાખ સ્વતંત્ર છે. એક સભ્યની બીમારીની અસર બીજા સભ્યના કવર પર નથી પડતી.

ફૅમિલી ફ્લોટર પૉલિસી એટલે શું?

ફૅમિલી ફ્લોટરમાં આખા પરિવાર માટે એક જ સમ ઇન્સ્યોર્ડ હોય છે જે બધા સભ્યો વચ્ચે શેર થાય છે. ધારો કે તમે 20 લાખ રૂપિયાનો ફૅમિલી ફ્લોટર લો તો આ 20 લાખ પતિ, પત્ની અને બંને બાળક - ચારેય જણ વચ્ચે વહેંચાયેલા છે. જો વર્ષ દરમિયાન કોઈ એક સભ્યને મોટી બીમારી થાય અને 15 લાખનો ખર્ચ થાય તો બાકીના ત્રણ સભ્યો માટે એ જ વર્ષે ફક્ત પાંચ લાખ જ કવર બચે છે. આ વાત ઉદાહરણથી સમજીએ

ધારો કે રમેશભાઈની ઉંમર 40 વર્ષ, પત્ની 38 વર્ષ અને બે બાળક 10 અને 12 વર્ષનાં છે. જો તે 20 લાખ રૂપિયાનો ફૅમિલી ફ્લોટર લે તો પ્રીમિયમ અંદાજે 18,000-20,000 રૂપિયા વાર્ષિક આવી શકે, પણ જો દરેક સભ્ય માટે અલગ પાંચ લાખનું ઇન્ડિવિજ્યુઅલ કવર લે (કુલ 20 લાખ) તો પ્રીમિયમ 28,000-30,000 રૂપિયા સુધી જઈ શકે, કારણ કે ચાર અલગ પૉલિસી પર દરેકનું અલગ રિસ્ક એસેસમેન્ટ થાય છે.

હવે ધારો કે રમેશભાઈના 65 વર્ષનાં માતા-પિતા પણ પરિવારમાં સામેલ કરવાં હોય. ફૅમિલી ફ્લોટરમાં પ્રીમિયમ સૌથી મોટી ઉંમરના સભ્ય (એટલે કે માતા-પિતા) પ્રમાણે નક્કી થાય છે  એટલે આખા પરિવારનું પ્રીમિયમ ખૂબ વધી જાય છે.

આવા કિસ્સામાં માતા-પિતા માટે અલગ ઇન્ડિવિજ્યુઅલ પૉલિસી અને બાકીના યુવાન સભ્યો માટે ફૅમિલી ફ્લોટર - આ કૉમ્બિનેશન વધુ ફાયદાકારક રહે છે.

કયું પસંદ કરવું?

ફૅમિલી ફ્લોટર ક્યારે યોગ્ય: યુવાન દંપતી અને નાના બાળક હોય, પરિવારમાં કોઈને ગંભીર બીમારીનો ઇતિહાસ ન હોય અને પ્રીમિયમ ઓછું રાખવું હોય ત્યારે ફ્લોટર સારો વિકલ્પ છે. મૅનેજ કરવામાં પણ સહેલી છે - એક જ પૉલિસી, એક જ રિન્યુઅલ ડેટ.

ઇન્ડિવિજ્યુઅલ ક્યારે યોગ્ય?

ઘરમાં સિનિયર સિટિઝન હોય, કોઈ સભ્યને પહેલેથી બીમારી હોય (પ્રી-એક્ઝિસ્ટિંગ ડિસીઝ) અથવા તમે ઇચ્છતા હો કે એક સભ્યની બીમારીથી બીજા સભ્યનું કવર ઘટે નહીં, ત્યારે ઇન્ડિવિજ્યુઅલ પૉલિસી વધુ સલામત છે.

બીજી અગત્યની આ કેટલીક વાત પણ જાણી લો, જેમકે..

ફૅમિલી ફ્લોટર પૉલિસીમાં જ્યારે બાળક પૉલિસીના નિયમ પ્રમાણે નક્કી ઉંમર (સામાન્ય રીતે 18 કે 21 વર્ષ) વટાવે ત્યારે તેને પરિવારના ફ્લોટરમાંથી બહાર નીકળીને પોતાની અલગ પૉલિસી લેવી પડે છે અને એ સમયે નવેસરથી મેડિકલ અંડરરાઇટિંગ થઈ શકે છે. જો એ સમય સુધીમાં બાળકને કોઈ સ્વાસ્થ્ય સમસ્યા વિકસી હોય તો નવી પોલિસી લેવામાં મુશ્કેલી પડી શકે છે અથવા વધારે પ્રીમિયમ ભરવું પડી શકે છે. આ મુદ્દો ઘણા વાલીઓ ધ્યાનમાં નથી લેતા.

બીજી અગત્યની વાત - કેટલીક ફૅમિલી ફ્લોટર પૉલિસીમાં ‘રિસ્ટોરેશન બેનિફિટ’ મળે છે. આમાં જો વર્ષ દરમિયાન સમ ઇન્સ્યોર્ડ સંપૂર્ણ કે અમુક ભાગ વપરાઈ જાય તો ઇન્સ્યોરન્સ કંપની અમુક શરતોને આધીન કવર આપોઆપ ફરીથી  રિસ્ટોર કરી આપે છે. આવો બેનિફિટ પૉલિસીમાં હોય તો ફ્લોટરની સૌથી મોટી મર્યાદા - એટલે કે એક સભ્યની બીમારીથી બાકીના સભ્યોનું કવર ખતમ થઈ જવું - ઘણી હદે ઓછી થઈ જાય છે. પૉલિસી પસંદ કરતી વખતે આ ફીચર છે કે નહીં અને એની શરતો શું છે એ ચોક્કસ ચેક કરવું જોઈએ.

વચ્ચેનો રસ્તો શું ? 
ઘણા નિષ્ણાતો સૂચવે છે કે ફૅમિલી ફ્લોટર લીધા પછી તેની ઉપર સુપર ટૉપ-અપ પ્લાન ઉમેરવો, જેથી ઓછા પ્રીમિયમમાં વધારે કવર મળે અને એક સભ્યની મોટી બીમારીથી આખા પરિવારનું કવર ખતમ ન થાય. આ રીતે ફ્લોટરના સસ્તા પ્રીમિયમનો ફાયદો પણ મળે અને સુરક્ષા પણ વધે.  

નિષ્કર્ષ
ફૅમિલી ફ્લોટર કે ઇન્ડિવિજ્યુઅલ - બેમાંથી કોઈ એક સાચો જવાબ નથી. તમારા પરિવારની ઉંમર, સભ્યોની તબિયત અને બજેટ પ્રમાણે નિર્ણય લેવો જોઈએ. દર વર્ષે પૉલિસી રિન્યુ કરતી વખતે એકવાર વિચારો કે પરિવારની જરૂરિયાત બદલાઈ છે કે નહીં અને જરૂર પડે તો કવરની રચના બદલવામાં અચકાશો નહીં.