Fri Sep 04 2026

Logo

આયાતી તેલમાં સુધારો, દેશી તેલમાં મથકો પાછળ નરમાઈ

2026-08-31 19:37:54
Author: Ramesh Gohil
આયાતી તેલમાં સુધારો, દેશી તેલમાં મથકો પાછળ નરમાઈ

ઑગસ્ટમાં મલયેશિયાની પામતેલની નિકાસમાં 14.9 ટકાનો ઘટાડો 

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
મલયેશિયાના બુર્સા મલયેશિયા ડેરિવેટીવ્સ એક્સચેન્જ ખાતે આજે ક્રૂડ પામતેલના વાયદામાં સાધારણ ચાર રિંગિટનો ઘટાડો આવ્યો હતો. જોકે, આજે સ્થાનિક જથ્થાબંધ ખાદ્યતેલ બજારમાં સપ્તાહના આરંભે હાજર, ડાયરેક્ટ ડિલિવરી અને સેલરિસેલ ધોરણે કામકાજો નિરસ રહ્યા હોવા છતાં ગત ગુરુવારની સરખામણીમાં વિશ્વ બજાર પાછળ આયાતી તેલના ભાવમાં સુધારો આવ્યો હતો, જ્યારે મથકો પાછળ દેશી તેલમાં નરમાઈનું વલણ રહ્યું હતું. જેમાં 10 કિલોદીઠ સન રિફાઈન્ડમાં રૂ. 20નો, સોયા રિફાઈન્ડમાં રૂ. 15નો અને આરબીડી પામોલિનમાં રૂ. 10નો સુધારો આવ્યો હતો, જ્યારે દેશી તેલમાં સિંગતેલમાં રૂ. 10નો અને કપાસિયા રિફાઈન્ડ તથા સરસવમાં રૂ. પાંચનો ઘટાડો આવ્યો હતો. 

દરમિયાન આજે કાર્ગો સર્વેયર ઈન્ટરટેક સર્વિસીસ દ્વારા જાહેર કરવામાં આવેલી પ્રાથમિક આંકડાકીય માહિતી અનુસાર ઑગસ્ટ મહિનામાં મલયેશિયાની પામતેલની નિકાસ 14.9 ટકા ઘટીને 13,64,494 ટનની સપાટીએ રહી હોવાનું જણાવ્યું હતું. 

આજે સ્થાનિકમાં ડાયરેક્ટ ડિલિવરી શરતે 10 કિલોદીઠ એડબ્લ્યુએલના આરબીડી પામોલિનના ઑગસ્ટ અને સપ્ટેમ્બર ડિલિવરી શરતે રૂ. 1510, રેડી ડિલિવરી શરતે સન રિફાઈન્ડના રૂ. 1780 તથા સોયા રિફાઈન્ડના સપ્ટેમ્બર ડિલિવરી શરતે રૂ. 1475, એવીઆઈના સોયા રિફાઈન્ડના રૂ. 1465, પતંજલિ ફૂડ્સના ઑક્ટોબર ડિલિવરી શરતે આરબીડી પામોલિનના રૂ. 1500, સોયા રિફાઈન્ડના રૂ. 1490 અને સન રિફાઈન્ડના રૂ. 1745, રિલાયન્સ રિટેલના ઑક્ટોબર ડિલિવરી શરતે સોયા રિફાઈન્ડના રૂ. 1480 અને સન રિફાઈન્ડના રૂ. 1775 તથા જી-વનના આરબીડી પામોલિનના રૂ. 1485 અને સોયા રિફાઈન્ડના રૂ. 1471ના મથાળે રહ્યા હતા, પરંતુ વેપારનો અભાવ હતો. 

આજે મધ્ય પ્રદેશનાં મથકો પર સોયાસીડની અંદાજે 25,000 ગૂણીની આવક સામે મંડીમાં વેપાર ક્વિન્ટલે રૂ. 5800થી 6100માં અને પ્લાન્ટ ડિલિવરી શરતે રૂ. 6000થી 6100માં થયા હતા. તેમ જ આજે રાજકોટ ખાતે સિંગતેલમાં તેલિયા ટીનના વેપાર 15 કિલોદીઠ રૂ. 25ના ઘટાડા સાથે રૂ. 2675માં અને લૂઝમાં 10 કિલોદીઠ રૂ. 10ના ઘટાડા સાથે રૂ. 1700માં થયા હતા. 

આજે હાજર બજારમાં 10 કિલોદીઠ ભાવમાં આરબીડી પામોલિનના રૂ. 1505, સોયા રિફાઈન્ડના રૂ. 1500, સન રિફાઈન્ડના રૂ. 1770, સિંગતેલના રૂ. 1740, કપાસિયા રિફાઈન્ડના રૂ. 1680 અને સરસવના રૂ. 1765ના મથાળે રહ્યા હતા.