નવી દિલ્હીઃ ભારતીય ટેબલ ટેનિસ ખેલાડી અંકુર ભટ્ટાચાર્યએ ચેક રિપબ્લિકમાં આયોજિત ડબલ્યૂટીટી ફીડર્સ ઓલોમોક ટુર્નામેન્ટમાં પોતાનો પહેલો ડબલ્યૂટીટી મેન્સ સિંગલ્સ ટાઇટલ જીત્યું હતું.
તે સિવાય આકાશ પાલ સાથે ડબલ્સ કેટેગરીમાં ગોલ્ડ મેડલ જીતીને ડબલ સફળતા મેળવી હતી. વિશ્વમાં 78મા ક્રમાંકિત અંકુરે સિંગલ્સ ફાઇનલમાં સ્લોવેનિયાના ત્રીજા ક્રમાંકિત ડેની કોઝુલને 3-1 (9-11, 11-4, 11-5, 11-6) થી હરાવ્યો હતો.
અગાઉ તેણે આકાશ સાથે જોડી બનાવીને હંગેરીના સાબા આન્દ્રાસ સેન્ટોસી અને પોલેન્ડના એલન કુલ્ઝીકી ઝાલેવસ્કીને 3-1 (11-8, 4-11, 13-11, 11-9) થી હરાવ્યા હતા. સિંગલ્સની ફાઇનલમાં અંકુરની શરૂઆત સારી રહી ન હતી કારણ કે કોઝુલે પહેલી ગેમ 11-9થી જીતી હતી. જોકે, ભારતીય ખેલાડીએ ટૂંક સમયમાં જ પોતાની લય પરત મેળવી અને આગામી ત્રણ ગેમ જીતીને ટાઇટલ જીત્યું હતું.
મેન્સ ડબલ્સમાં અંકુર અને આકાશે પહેલી ગેમ 11-8થી જીતી હતી પરંતુ સેન્ટોસી અને ઝાલેવસ્કીએ બીજી ગેમ 11-4થી જીતીને સ્કોર બરાબરી કરી હતી. ત્રીજી ગેમમાં જોરદાર ટક્કર બાદ ભારતીય જોડીએ 13-11થી જીત મેળવીને ફરી લીડ મેળવી અને પછી ચોથી ગેમમાં પોતાનું સંયમ જાળવી રાખીને 11-9થી જીત મેળવી હતી.
આ રીતે અંકુરે ડબલ્યૂટીટી ફીડર સિરીઝમાં શાનદાર સીઝનનો અંત કર્યો. અહીં ટાઇટલ જીતતા પહેલા તે 2026માં બે ટુર્નામેન્ટના ક્વાર્ટર ફાઇનલ અને બે ટુર્નામેન્ટના સેમિફાઇનલમાં પહોંચ્યો હતો