Fri Sep 04 2026

Logo

ઊડતી વાતઃ અમેરિકાની યાત્રા: રાજુને કયું વિઘ્ન નડ્યું?

2026-09-01 09:48:00
Author: Bharat Vaishnav
ઊડતી વાતઃ અમેરિકાની યાત્રા: રાજુને કયું વિઘ્ન નડ્યું?

ભરત વૈષ્ણવ

‘ગિરધરલાલ, રાત્રે દસ વાગ્યે ઍરપોર્ટ પહોંચી જજો. લબડધક્કે ઍરલાઇનની ફલાઇટ રાત્રે એક વાગ્યે છે. ઇન્ટરનૅશનલ ફલાઇટના સમય પહેલાં ત્રણ કલાક વહેલું પહોંચવું જરૂરી હોય છે,’ રાજુએ મને સૂચના આપી.

‘ઓકે રાજુ, હું ત્યાં સમયસર પહોંચી જઈશ,’ મેં રાજુને કહ્યું. અરે, કહેવાનું રહી ગયું કે  યુ.એસ.ની એક સંસ્થા તરફથી આમંત્રણ મળ્યું એટલે અમારા બૉસે ‘બખડજંતર’ચૅનલ તરફ્થી અમને અમેરિકા મોકલ્યા છે.

‘હાય કૅપ્ટન, આઇ એમ રાજુ રદી પ્રેસ ફોટોગ્રાફર ફ્રૉમ બખડજંતર ચૅનલ’ આમ કહીને વંદો રસોડામાં ઘૂસે તેમ રાજુ પાઇલટની કોકપીટમાં ઘૂસ્યો. કોકપીટમાં જાતજાતની સ્વિચ, ગિયર, લિવર અને મીટર હોય. પાઇલટની સામે મોટો કાચ હોય. આપણા છકડા જેવું ન હોય કે દોરડું ખેંચ્યુને છકડો ચાલું. રાજુએ લૅન્ડ ગિયરનુ લિવર અને ફ્લૅપની સ્વિચો દબાવી દીધી.

‘હૂ ઇઝ. કિક આઉટ હીમ’ પાઇલટે પિતો ગુમાવીને ગુસ્સામાં કહ્યું. પ્લેન હાલકડોલક થવા લાગ્યું. પેલાએ  માંડ માંડ પ્લેનને કંટ્રોલ કર્યું. બે ઍરહોસ્ટેસ રાજુને પકડીને કોકપીટની બહાર લઈ ગઈ.

‘સર, આઇ વિલ ઓપન ધી ડોર એન્ડ સેન્ડ યુ આઉટસાઇડ ફ્રૉમ ધી ક્રાફટ’ એવી અંગ્રેજીમાં ધમકી આપી.રાજુ ડરી ગયો. પ્લેનમાં રાજુ લગભગ શાંત રહ્યો. સિવાય કે લંચ-ડિનર વખતે આપેલા છરીકાંટા તફડાવી બેકપેકમાં મૂકવાનું નાનકડું છમકલું કર્યું.

અમે સાનફ્રાન્સિસ્કો ઍરપોર્ટ પર ઊતર્યા. અહીંનુ ઇમિગ્રેશન ડિપાર્ટમેન્ટ વિદેશી ઉતારુને બહુ પલાખા પૂછતું નથી એવું કહેવાય છે. ગમે તે કારણ હોય રાજુને જોઈને સવાલો પૂછીપૂછીને અમારી હાલત પતલી કરી નાખી.

‘કેટલો સમય રોકાવાના છો? અગાઉ અમેરિકા આવેલા કે કેમ? અગાઉ કેટલું રોકાયેલા, અત્યારે કેટલું રોકાવાના છો? કેટલા ડૉલર લાવ્યા છો? કરી લિવ્ઝ લાવ્યા છો? સાથે  ફૂડ-પિકલ (અથાણું!) નથી લાવ્યાને?’ વગેરે વગેરે?’ 

જેને અમે ડૉ. જેકિલ સમજતા હતા તે તો મિસ્ટર હાઇડ નીકળ્યા.રાજુ પ્લેનમાંથી તફડાવેલ છરીકાંટા ના વટાણા વેરવા મો ખોલે એે પહેલાં મેં તેનો હાથ દાબી દીધો. ઍરપોર્ટથી યજમાનના ઘરે પહોંચતાં સુધીમાં રાજુ રસ્તાના નેટવર્કને ફાટી આંખે જાઈ રહ્યો. ઇન્ડિયામાં બધા ડાબી બાજુ વાહનો ચલાવે. અહીં બધા જમણી તરફ વાહનો ચલાવે. અહીં જિલ્લાને કાઉન્ટી કહે છે. અહીં ડાઉનટાઉન છે, પણ અપટાઉન નથી. રસ્તાની સાઇડમાં સ્પીડ લિમિટના ઑરેન્જ કલરની લાઇટનાં બોર્ડ છે. રાજુ તો ભોંચક્કો રહી ગયો.

આખરે અમે ઇરવિંગટન એવન્યુમાં અમારા આસિયાનામાં (અર્થાત ઉતારા પર!) આવી પહોંચ્યા.
‘હુ થાકી ગયો છું. મારે નાહવું છે’ રાજુ આટલું બોલી બાથરૂમમાં ઘૂસી ગયો. રાજુ બાથરૂમમાં ગયો અને ત્રણસો સડસઠ સેક્ધડ થઈ હશે ને ધડાકો થયો. માનો કે મેડિકલ કૉલેજની હૉસ્ટેલ પર ઍર ઇન્ડિયાનું પ્લેન પડ્યું ન હોય! જોકે બાથરૂમનો દરવાજો રાજુએ અંદરથી બંધ કરેલ ન હતો.

‘રાજુ શું થયું?’ અમને ફાળ પડી. અંદર જઈને જોયું તો અમારે હસવું કે રડવું એની અમને ખબર ન પડી. રાજુ બાથટબમાં ઊંધે માથે જુગુપ્સાપ્રેરક રીતે પડ્યો હતો. તેનું મોં બાથટબની પાળી સાથે અથડાવાથી નાકમાંથી લોહી ટપકતું હતું. બાથટબમાં માછલીને બદલે મગરમચ્છ ફસાયો હોય તેવું લાગે.

‘આ ધોળિયાઓનું નખ્ખોદ જાય. ‘રાજુ દર્દથી કણસતાં કણસતાં અમેરિકનોને શ્રાપ આપી રહ્યો હતો. અમે રાજુનાં મોં, ડોક, ગર્દન પર ડેટોલવાળા પાણીથી લોહી સાફ કર્યું. રાજુને બેન્ડેડ લગાવી. રાજુ બેન્ડિટ ક્વીન ફૂલનદેવી જેવો લાગતો હતો.

‘રાજુ, તું પડ્યો એમાં અમેરિકન ક્યાંથી વચ્ચે આવ્યા?’મેં રાજુને હાથનો સહારો આપી બાથરૂમમાંથી ડ્રૉઇંગ રૂમમાં લાવી ખુરશી પર બેસાડ્યો. રાજુનો પગ લંગડાતો હતો. રાજુને મોચા ટી બનાવીને કપ આપ્યો. રાજુને ચા પીવાથી સારું લાગ્યું.

‘ગિરધરલાલ, આ લોકો ડોલ અને ટમલરથી કેમ નહાતા નહીં હોય? બાથટબમાં નાહવાનું ફાવે નહીં. બાથટબમાં પલાંઠી વાળીએ કે બાથટબની સામસામેની પાળીમાં પગ અથડાય. બાથટબ ચીકણું હશે તે મારો પગ લપસ્યો અને વગર લડાઈએ ઘાયલ થઈ ગયો,’ રાજુએ વ્યથાકથા કહી.
‘રાજુ, અહીં આવતા ભારતીયોને આ જ તકલીફ છે. આપણે ડોલ અને ટમલર વડે ન્હાતા હાઈએ છીએ’ મેં રાજુને સમજાવ્યો.

‘ઓય મા મરી ગયો,’ રાજુએ ચીસ પાડી. બાથરૂમમાં પડેલ રાજુ હજુ સુધી સમોનમો થયો ન હતો અને રિવોલ્વિંગ ચેરમાં બેસવા ગયો. ખુરશી પૈડાવાળી હતી એટલે પાછળ સરકી ગઈ. રાજુને તેની ખબર નહીં. રાજુએ ખુરશીમાં બેસવાની પોઝિશન લઈ શરીર ઢાળ્યું અને રાજુ ધડામ દઈને પડ્યો.

ઉપરાછાપરી બનેલા બનાવોથી રાજુના મનમાં ઠસી ગયું કે અમેરિકા અપશુકનિયાળ છે. રાજુ અંદરથી હચમચી ગયો.

ત્યાર પછીના ત્રણેક દિવસ પણ બહુ ખરાબ ગયા. મૉલ મ્હાલવા શૉપિંગ કરવા ગયા ત્યાં એસ્કેલેટર સીડીમાં એનો પગ ફસ્યો કે મૉલની ઇમર્જન્સી ટીમે આવીને એનો પગ માંડ માંડ બહાર કાઢ્યો. પછી બેફામ રીતે રોડ ક્રૉસ કરવા ગયો એમાં એક કાર સાથે અથડાયો. ઈજા થઈ એ તો ઠીક, પણ ટ્રીફિક પોલીસની એ કાર્યવાહીમાં પેનલ્ટી આપીને છૂટી ગયા નહીંતર 7 દિવસની જેલ કસ્ટડી પાકી હતી. આમ હાલતાં ચાલતાં રાજુ એની સાથે આફત લઈને અથડાતો રહ્યો, બૂરી તરહ ઘવાતો રહ્યો.

‘ગિરધરલાલ, તમારે અમેરિકા રહેવું હોય તો રહો. જ્યાં ફરવું હોય તો ફરો, પણ હું અખંડિત રાજુ તરીકે ભારત જવા માગું છું. મારે અહીં રહેવું નથી. તમે મારી ભારતની ટિકિટ કન્ફર્મ કરાવી દો.’ ઉપરાછાપરી અમેરિકન અથડામણથી ત્રાસેલા રાજુએ મને અલ્ટિમેટમ આપ્યું.

મારા માટે તો આદરેલા અધૂરા રહ્યા. મારે ન્યૂ યોર્કમાં ટાઇમ સ્ક્વેર, હડસન કેનાલ, નાયગ્રા ધોધ, લોસ એન્જિલન્સમાં હાલીવૂડ, લાસવેગાસમાં કેસીનો વગેરે જોવાનો ઢઢો હતો. પ્રથમ ગ્રાસે મક્ષિકા થઈ. અમારી યાત્રાની શરૂઆત જ ખરાબ થઈ તો અંત પણ ખરાબ જ રહે ને? હું શું કરી શકું? દોસ્ત સહયોગી રાજુના લીધે મારે પણ કમને પ્રવાસ ટૂંકાવીને ભારત પરત ફરવું પડ્યું. આમ બડે બે આબરુ હોંકે હમ અમેરિકાસે નીકલે...
હવે રાજુ રદી સાથે યાત્રા તો ઠીક, કોઈની પણ  સ્મશાનયાત્રાએ પણ સાથે ન જવું એવી (ભીષ્મ) પ્રતિજ્ઞા લીધી છે.