AI, સેમિકન્ડક્ટર અને ડેટા સેન્ટર હબ: નવી મુંબઈમાં 300 એકરમાં આકાર લેશે દેશની પહેલી AI ઈનોવેશન સિટી
મુંબઈ: નવી મુંબઈ ઈન્ટરનેશનલ એરપોર્ટની નજીક 300 એકર વિસ્તારમાં દેશની પ્રથમ AI ઈનોવેશન સિટી વિકસાવવાની મહારાષ્ટ્ર સરકારની તૈયારીઓએ જોર પકડ્યું છે. અંદાજે 11 અબજ ડૉલરના રોકાણ સાથે વિકસનારી આ મહત્વાકાંક્ષી પરિયોજનામાં AI ડેટા સેન્ટર, હાઈ-પરફોર્મન્સ કમ્પ્યુટિંગ, સેમિકન્ડક્ટર અને ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર (GCC) જેવી સુવિધાઓ વિકસાવવામાં આવશે. આ પ્રોજેક્ટ માટે રાજ્ય સરકાર સમયાનુસાર રોડમેપ તૈયાર કરી રહી છે.
મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાનના રોકાણ અને વ્યૂહરચના સંબંધિત મુખ્ય સલાહકાર કૌસ્તુભ ધવસેએ મુંબઈના જિયો કન્વેન્શન સેન્ટરમાં નરેડકોના 6મા રિયલ એસ્ટેટ એન્ડ ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઈન્વેસ્ટર્સ સમિટ દરમિયાન આપી હતી. તેમણે જણાવ્યું હતું કે નવી મુંબઈને AI અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચરના મોટા કેન્દ્ર તરીકે વિકસાવવાની આ યોજના મહારાષ્ટ્રના આગામી આર્થિક વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવી શકે છે.
મહારાષ્ટ્રે છેલ્લા કેટલાક વર્ષોમાં જે સ્તરનું ઈન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કર્યું છે, તેનાથી મુંબઈ અને સમગ્ર રાજ્યને વિકાસના આગામી તબક્કામાં લઈ જવાની મોટી તક ઊભી થઈ છે. મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં મુંબઈમાં ચાલી રહેલા ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસને તેમણે ભવિષ્યની આર્થિક વૃદ્ધિનો આધાર ગણાવ્યો હતો.
ડેટા સેન્ટર આ પરિવર્તનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. ધવસેના જણાવ્યા અનુસાર દેશની કુલ ડેટા સેન્ટર ક્ષમતામાં મહારાષ્ટ્રનો હિસ્સો આશરે 66 ટકા છે. આ કારણે રાજ્યની ઓળખ દેશના મહત્વના ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર હબ તરીકે વધુ મજબૂત બની છે.
સરકાર માત્ર AI ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવા પૂરતી મર્યાદિત રહેવા માંગતી નથી. AI આધારિત અર્થવ્યવસ્થા માટે જરૂરી પ્રતિભા અને સંસ્થાકીય માળખું તૈયાર કરવા પર પણ ભાર મૂકવામાં આવી રહ્યો છે. આ માટે નવા યુનિવર્સિટી, આરોગ્ય સુવિધાઓ અને જ્ઞાન સંસ્થાઓ વિકસાવવાની યોજના છે.
રાજ્યમાં છ સેન્ટર ઓફ એક્સેલન્સ અને AI ઇનોવેશન રિજન વિકસાવવાની દિશામાં પણ કામગીરી ચાલી રહી છે. નવી મુંબઈની પ્રસ્તાવિત AI સિટી આ સમગ્ર ઈકોસિસ્ટમનો મહત્વપૂર્ણ હિસ્સો બની શકે છે.સમિટમાં અદાણી એન્ટરપ્રાઇઝિસના ડિરેક્ટર પ્રણવ અદાણીએ ભારતના ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને ઝડપથી થઈ રહેલા શહેરીકરણને વિકાસના આગામી તબક્કાના મહત્વપૂર્ણ આધાર ગણાવ્યા. તેમના મતે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને રિયલ એસ્ટેટ વચ્ચેનું વધુ સારું સંકલન નવા આર્થિક કેન્દ્રો અને ઊભરતા સિટી કોરિડોરના વિકાસમાં મહત્વની ભૂમિકા ભજવશે.
નરેડકો ઇન્ડિયાના ચેરમેન ડૉ. નિરંજન હિરાનંદાનીએ જણાવ્યું કે ઈન્ફ્રાસ્ટ્રક્ચર વિસ્તરણ અને વધુ સારી કનેક્ટિવિટી સાથે મુંબઈ મેટ્રોપોલિટન રિજનમાં નવા વિકાસ કેન્દ્રો ઊભા થઈ રહ્યા છે. તેમણે ‘મુંબઈ 3.0’ને સમગ્ર MMRના પુનર્ગઠન માટે મોટી તક ગણાવી હતી. તેના કારણે રહેણાંક, કોમર્શિયલ, લોજિસ્ટિક્સ અને ડેટા સેન્ટર જેવા ક્ષેત્રોમાં રોકાણની સંભાવનાઓ વધશે.
10 ટ્રિલિયન ડૉલરથી વધુની અર્થવ્યવસ્થાના લક્ષ્યાંકમાં મહત્વપૂર્ણ ભૂમિકા
રેમન્ડ રિયલ્ટીના ચેરમેન ગૌતમ સિંઘાનિયાએ જણાવ્યું હતું કે ભારતના રિયલ એસ્ટેટ ક્ષેત્રની 2047 સુધીમાં 10 ટ્રિલિયન ડૉલરથી વધુની અર્થવ્યવસ્થાના લક્ષ્યાંકમાં મહત્વપૂર્ણ ભૂમિકા રહી શકે છે. તેમણે સંસ્થાકીય મૂડી વધારવા, પ્રોજેક્ટના પ્રારંભિક વિકાસ ખર્ચ માટે સરળ ધિરાણ ઉપલબ્ધ કરાવવા, ભાડાના મકાનો માટે વિશેષ નીતિ બનાવવા, GSTને વધુ તર્કસંગત બનાવવા અને શહેરી પુનર્વિકાસની ગતિ વધારવાની જરૂરિયાત પર ભાર મૂક્યો.
નરેડકો મહારાષ્ટ્રના પ્રમુખ કમલેશ ઠાકુરે જણાવ્યું હતું કે મુંબઈનો પુનર્વિકાસ માત્ર અલગ-અલગ પ્રોજેક્ટ સુધી મર્યાદિત ન રહેવો જોઈએ. રહેણાંક અને કોમર્શિયલ વિકાસની સાથે પૂરતું ભૌતિક અને સામાજિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરીને સંપૂર્ણ અને રહેવા યોગ્ય સમુદાયો વિકસાવવા જરૂરી છે. રોનક ગ્રુપના મેનેજિંગ ડિરેક્ટર અને નરેડકોના પૂર્વ નેશનલ વાઇસ પ્રેસિડેન્ટ રાજન બાંદેલકરે જણાવ્યું કે મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસની નીતિઓને કારણે મુંબઈ MMR ઉપરાંત રાજ્યના અન્ય શહેરોમાં પણ ઇન્ફ્રાસ્ટ્રક્ચર વિકાસ અને રોકાણની સંભાવનાઓ વધી છે.
REIIS 2026 સમિટમાં વૈકલ્પિક મૂડી, સરહદપાર રોકાણ, શહેરી પુનર્વિકાસ, રિયલ એસ્ટેટ લિક્વિડિટી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર ફાઇનાન્સ, AI અને પ્રોપટેક જેવા મુદ્દાઓ પર ચર્ચા થઈ. સમિટમાં એ વાત પર ભાર મૂકવામાં આવ્યો કે ભારતના આગામી વિકાસચક્રને માત્ર બાંધકામ પ્રવૃત્તિથી ગતિ આપી શકાશે નહીં. લાંબા ગાળાની મૂડી, સ્થિર નીતિઓ, ઝડપી અમલીકરણ, ટેક્નોલોજી, કુશળ માનવબળ અને ટકાઉ શહેરી આયોજન વચ્ચે મજબૂત સંકલન જરૂરી રહેશે.