Tue Sep 15 2026

Logo

બીએમસીના ઍન્જિનિયરોની બદલી હવે ‘ઓનલાઈન’ પદ્ધતિએ થશે

2026-09-03 22:23:06
Author: Sapna Desai
બીએમસીના ઍન્જિનિયરોની બદલી હવે ‘ઓનલાઈન’ પદ્ધતિએ થશે

(અમારા પ્રતિનિધિ તરફથી)
મુંબઈ:
મુંબઈ મહાનગરપાલિકાના ઍન્જિનિયરોને જુદા જુદા ડિપાર્ટમેન્ટમાં કામ કરવાનો અનુભવ આપવા અને બધાને એક સમાન તકો પૂરી પાડવાના ઉદ્દેશ્યથી જુનિયર ઍન્જિનિયરો, સેક્ધડરી ઍન્જિનિયરો અને આસિસ્ટન્ટ ઍન્જિનિયરોની બદલીઓ હવે ‘ઓનલાઈન’ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

પાલિકા કમિશનર અશ્ર્વિની ભીડેની મંજૂરી મુજબ ટ્રાન્સફર માટે લાયક ઍન્જિનિયરો પાંચ  સપ્ટેમ્બરથી ૨૦ સપ્ટેમ્બર૨૦૨૬ સુધી ઓનલાઈન અરજી કરીને તેમની પસંદગીની પ્રાથમિકતાઓ નોંધાવી શકે છે. પાલિકાની ૨૭ જાન્યુઆરી, ૨૦૨૧ની પૉલિસી અનુસાર એવો નિર્ણય લેવામાં આવ્યો છે કે ઍન્જિનિયરિંગ કેડરમાં દર વર્ષે ફક્ત પહેલી ઑક્ટોબરથી ૧૫ ઑક્ટોબર સુધી જ બદલીઓ કરવામાં આવશે. આ પૉલિસી મુજબ મળેલી અરજીઓ અને ભલામણોને ધ્યાનમાં લીધા પછી મ્યુનિસિપલ એન્જિનિયર ઑફિસ દ્વારા સબ-ઍન્જિનિયર (સિવિલ) અને આસિસ્ટન્ટ ઍન્જિનિયરો (સિવિલ, મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ)ની બદલીઓનો પ્રસ્તાવ મૂકવામાં આવ્યો હતો.

તે મુજબ, ઑક્ટોબર ૨૦૨૫માં ૧૨૨ સબ-ઍન્જિનિયર (સિવિલ), ૩૪ આસિસ્ટન્ટ એન્જિનિયર (સિવિલ) અને સાત આસિસ્ટન્ટ એન્જિનિયર (મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ)ની બદલીઓ કરવામાં આવી હતી. જોકે, ૧૬ ઑક્ટોબર, ૨૦૨૫ના રોજ મ્યુનિસિપલ કમિશનરના આદેશ મુજબ આ ટ્રાન્સફર ઓર્ડર પર સ્ટે આપવામાં આવ્યો હતો. ત્યારબાદ મ્યુનિસિપલ કમિશનરની મંજૂરીથી ટ્રાન્સફર ઓર્ડર રદ કરવામાં આવ્યો હતો

વહીવટી જરૂરિયાત મુજબ અને તાત્કાલિક વિનંતીઓના આધારે ઍન્જિનિયરિંગ કેડરમાં સમયાંતરે બદલીઓ કરવા માટે મ્યુનિસિપલ કમિશનરની મંજૂરીથી એક અલગ સમિતિની રચના કરવામાં આવી છે. ડિરેક્ટર (ઍન્જિનિયરિંગ સર્વિસીસ અને પ્રોજેક્ટ)ની  અધ્યક્ષતામાં બનેલી આ સમિતિમાં ડેપ્યુટી કમિશનર (ઍન્જિનિયરિંગ), ડેપ્યુટી કમિશનર (સ્પેશિયલ ઍન્જિનિયરિંગ), ચીફ ઍન્જિનિયર (ડેવલપમેન્ટ પ્લાનિંગ), ચીફ ઍન્જિનિયર (મિકેનિકલ અને ઇલેક્ટ્રિકલ) સભ્યો તરીકે અને સિટી ઍન્જિનિયર સભ્ય સચિવ તરીકે સામેલ છે.

આ સમિતિ દ્વારા ૧૪૨ સેક્ધડરી ઍન્જિનિયર્સ (સિવિલ ઍન્જિનિયરિંગ) અને ૨૭ આસિસ્ટન્ટ ઍન્જિનિયર્સ (સિવિલ ઍન્જિનિયરિંગ)ની બદલી કરવામાં આવી છે. આ બદલીઓ માટે સંબંધિત ઍન્જિનિયરોની વિનંતીઓ, વિવિધ વિભાગોની વિનંતીઓ, વિભાગોમાં ખાલી જગ્યાઓની ઉપલબ્ધતા અને કેટલાક મહાનુભાવો તરફથી મળેલી ભલામણો ધ્યાનમાં લેવામાં આવી છે.