એક સપ્તાહમાં રિટેલ સ્તરે ખાંડના ભાવમાં 3.85 ટકાનો ઘટાડો
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
નવી મુંબઈ/નવી દિલ્હીઃ સ્થાનિક સ્તરે ખાંડની ઉપલબ્ધિમાં વધારો કરવા અને ભાવ અંકુશમાં લેવા માટે સરકાર દ્વારા લેવામાં આવેલા પગલાંઓને ટેકે ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની ખાંડ મિલો પર ભાવમાં અગાઉ કડાકા બોલાઈ ગયા બાદ હવે ભાવઘટાડો ધીમો પડ્યો હોવાના નિર્દેશો સાથે સ્થાનિક જથ્થાબંધ ખાંડ બજારમાં પણ આજે ભાવઘટાડો મંદ પડતાં હાજરમાં ભાવ ક્વિન્ટલે રૂ. 18થી 50 ઘટી આવ્યા હતા, જ્યારે નાકા ડિલિવરી ધોરણે માત્ર સ્મોલ ગે્રડની ખાંડના ભાવ નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 150 ઘટી આવ્યા હતા.
દરમિયાન સરકારે દેશમાં ખાંડની ઉપલબ્ધિ વધારવા માટે 10 લાખ ટન કાચી ખાંડની આયાતને મંજૂરી આપવા ઉપરાંત ડીલરો, ટ્રેડરો, જથ્થાબંધ વપરાશકારો અથવા ઔદ્યોગિક વપરાશકારો અને મિલો પર સ્ટોક મર્યાદા લાદવા જેવાં પગલાંઓ લેતા દેશભરમાં ખાંડના સરેરાશ રિટેલ ભાવ જે આગલા સપ્તાહે જે કિલોદીઠ રૂ. 65.08 હતા તે 3.85 ટકા ઘટીને કિલોદીઠ રૂ. 62.57ની સપાટીએ આવ્યા છે.
જોકે, એક મહિના પૂર્વેનાં સરેરાશ કિલોદીઠ રૂ. 49.33ના ભાવની સરખામણીમાં હજુ ભાવ 27 ટકા ઊંચા હોવાનું સરકારે એક અધિકૃત યાદીમાં જણાવતા ઉમેર્યું હતું કે જણાવ્યાનુસાર જથ્થાબંધ ધોરણે ખાંડના સરેરાશ ભાવ જે આગલા સપ્તાહે કિલોદીઠ રૂ. 60.39 હતા તે ગત બીજી સપ્ટેમ્બરે ઘટીને કિલોદીઠ રૂ. 57.62ના મથાળે રહ્યા હતા.
આજે સ્થાનિકમાં અંદાજે 28થી 29 ટ્રકની આવક સામે સ્ટોકિસ્ટોની છૂટીછવાઈ લેવાલી ઉપરાંત રિટેલ સ્તરની માગને ટેકે ઉપાડ લગભગ 26થી 27 ટ્રકનો રહ્યો હતો. તેમ જ હાજરમાં સ્મોલ ગે્રડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 18ના ઘટાડા સાથે રૂ. 4682થી 4802માં થયા હતા, જ્યારે મિડિયમ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 30થી 50ના ઘટાડા સાથે રૂ. 4780થી 5050માં થયા હતા.
વધુમાં આજે નાકા ડિલિવરી ધોરણે ઔદ્યોગિક વપરાશકારો તથા સ્થાનિક ડીલરોની માગ જળવાઈ રહી હતી. તેમ છતાં મથકો પાછળ સ્મોલ ગે્રડની ખાંડના વેપાર નીચલા મથાળેથી ક્વિન્ટલે રૂ. 150ના ઘટાડા સાથે રૂ. 4450થી 4650માં થયા હતા, જ્યારે મિડિયમ ગે્રડની ખાંડના વેપાર ક્વિન્ટલે રૂ. 4650થી 4750માં ગુણવત્તાનુસાર ટકેલા ધોરણે થયા હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.