મુંબઈ: મુંબઈની મોડલ અને ઈન્ફ્લુએન્સર રિયા અહિર થોડા સમય પહેલા NEET પેપર લીકના વિરોધ પ્રદર્શન દરમિયાન અચાનક ચર્ચામાં આવી હતી. મુંબઈમાં વિરોધ પ્રદર્શન દરમિયાન તેની પોલીસની એક વેનની સામે એક હાથ રાખેલી આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ હતી અને રિયા રાતોરાત ચર્ચામાં આવી ગઈ હતી ત્યાર બાદ તેને ‘કોંક્રોચ આંદોલનની પોસ્ટર ગર્લ’ તરીકે પણ ઓળખવામાં આવી હતી.
હવે રિયા અહિરના Bigg Boss 20માં જોવા મળવાની ચર્ચા છે. તેમની બિગ બોસમાં એન્ટ્રીની વાત સામે આવ્યા બાદ સોશિયલ મીડિયા પર કેટલાક લોકો તેમને ટ્રોલ કરી રહ્યા છે. કેટલાક લોકોનો આરોપ છે કે રિયાએ માત્ર ફેમ મેળવવા માટે વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો. જોકે, હવે રિયાએ આ આરોપો અંગે સ્પષ્ટતા કરી છે અને બિગ બોસમાં જવાના પોતાના નિર્ણય પાછળની વાત જણાવી છે.
મીડિયાને આપેલા એક ઈન્ટરવ્યૂમાં રિયાએ કહ્યું કે તેમને બાળપણથી જ બિગ બોસમાં રસ હતો. તેમના જણાવ્યા અનુસાર તેમની માતા અને બહેન બિગ બોસ જોતા હતા અને તે પણ તેમની સાથે બેસીને શો જોતી હતી. બાળપણથી જ તેમના મનમાં સવાલ હતો કે આટલા મોટા શોની અંદર શું થાય છે, આટલા બધા લોકો એક ઘરમાં કેવી રીતે રહે છે અને આખી સિસ્ટમ કેવી રીતે ચાલે છે. હવે તેઓ આ બધું પોતે અનુભવવા માંગે છે.
ફેમ માટે પ્રદર્શન કર્યું હોવાના આરોપો અંગે રિયાએ કહ્યું કે ઘણા લોકો આવું કહી રહ્યા છે, પરંતુ હકીકત એવી નથી. તેમણે લોકોને અપીલ કરી કે તેમની વાત કે કોઈ અન્ય વ્યક્તિની વાત માનવાને બદલે તેઓ પોતે તેમને બિગ બોસમાં જુએ અને ત્યાર બાદ નિર્ણય કરે. રિયાએ કહ્યું કે તેમનામાં એક એન્ટરટેઇનિંગ અંદાજ પણ છે, જેને તેઓ હવે લોકો સમક્ષ રજૂ કરવા માંગે છે.
27 વર્ષની રિયા અહિર વ્યવસાયે મોડલ અને ઇન્ફ્લુઅન્સર છે. NEET પેપર લીકના વિરોધ દરમિયાન પોલીસ વેનની સામે ઊભા રહેવાની ઘટનાએ તેમને ખાસ ઓળખ અપાવી હતી. આ દરમિયાન કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી પણ તેમને મળ્યા હતા. સોશિયલ મીડિયા પર રિયાની સારી ફેન ફોલોઇંગ છે અને હાલ ઇન્સ્ટાગ્રામ ઉપર રિયાના 3.28 લાખથી વધુ ફોલોઅર્સ છે.
તદુપરાંત, રિયા અહિર અનેક મ્યુઝિક વીડિયોમાં પણ જોવા મળી ચૂકી છે. તાજેતરમાં તેમનું ‘દિલબારા’ ગીત ચર્ચામાં આવ્યું હતું. આ ઉપરાંત, તે ‘રિયાસત’ નામની લક્ઝરી હેન્ડક્રાફ્ટેડ કપડાંની બ્રાન્ડ પણ ચલાવે છે. હવે Bigg Boss 20માં રિયા અહિરની એન્ટ્રી થાય છે કે નહીં અને જો થાય તો ઘરમાં તેનો કયો અંદાજ જોવા મળે છે, તેના પર દર્શકોની નજર રહેશે.