Fri Sep 04 2026

Logo

રાજ્યમાં હવે આખું વર્ષ થશે ખાદ્ય પદાર્થોનું ચેકિંગ, ભેળસેળ કરનારામાં ફફડાટ, જાણો નવા નિયમો?

2026-09-03 22:42:59
Author: Kshitij Nayak
રાજ્યમાં હવે આખું વર્ષ થશે ખાદ્ય પદાર્થોનું ચેકિંગ, ભેળસેળ કરનારામાં ફફડાટ, જાણો નવા નિયમો?

Gemini AI Image


મુંબઈ: મહારાષ્ટ્રમાં ખાદ્ય સુરક્ષાને વધુ મજબૂત બનાવવા માટે રાજ્યના ફૂડ એન્ડ ડ્રગ એડમિનિસ્ટ્રેશન (FDA) દ્વારા પ્રથમ વખત આખા વર્ષ માટેનું કાયમી અને વ્યાપક ફૂડ સેફ્ટી કેલેન્ડર જાહેર કરવામાં આવ્યું છે. આ કેલેન્ડરમાં રાજ્યના તમામ મોટા તહેવારોને આવરી લેવામાં આવ્યા છે. અત્યાર સુધી દરેક તહેવાર પહેલાં અલગ-અલગ આદેશો અને તપાસ અભિયાન હાથ ધરાતા હતા, પરંતુ હવે સમગ્ર વર્ષ દરમિયાન જોખમ આધારિત અને પૂર્વ આયોજન સાથે ખાદ્ય સુરક્ષા કાર્યવાહી કરવામાં આવશે. જોકે આ નિર્ણયને લઈ ભેળસેળ કરનારા લોકોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

FDAના આદેશ અનુસાર ગણેશોત્સવ, નવરાત્રી, દિવાળી, ઈદ-ઉલ-ફિતર, ઈદ-ઉલ-અઝહા, ક્રિસમસ અને ન્યૂ યર સહિતના મુખ્ય તહેવારોને આ વ્યવસ્થામાં સામેલ કરવામાં આવ્યા છે. આ ઉપરાંત મકરસંક્રાંતિ, મહાશિવરાત્રી, હોળી, રંગપંચમી, ગુડી પડવો, અક્ષય તૃતીયા, વટ પૂર્ણિમા, રક્ષાબંધન, નાગપંચમી, જન્માષ્ટમી, દહીહાંડી, દશેરા, શરદ પૂર્ણિમા, તુલસી વિવાહ અને ગુરુ નાનક જયંતી જેવા તહેવારોનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

તહેવારોને ત્રણ સ્તરમાં વહેંચવામાં આવ્યા

અ) લેવલ-1માં રાજ્યવ્યાપી તહેવારો જેમ કે ગણેશોત્સવ, નવરાત્રી, દિવાળી, ઈદ-ઉલ-ફિતર, ઈદ-ઉલ-અઝહા, ક્રિસમસ અને ન્યૂ યરનો સમાવેશ થાય છે. આ તહેવારો દરમિયાન ચાર તબક્કાની વિશેષ તપાસ અને અમલવારીની વ્યવસ્થા રહેશે.

બ) લેવલ-2માં પ્રાદેશિક સ્તરના તહેવારો જેમ કે મકરસંક્રાંતિ, મહાશિવરાત્રી, હોળી, રંગપંચમી, ગુડી પડવો, અક્ષય તૃતીયા, વટ પૂર્ણિમા, રક્ષાબંધન, નાગપંચમી, જન્માષ્ટમી, દહીહાંડી, દશેરા, શરદ પૂર્ણિમા, તુલસી વિવાહ અને ગુરુ નાનક જયંતીનો સમાવેશ થાય છે. આ તહેવારોમાં પણ તપાસ અને કાર્યવાહી કરવામાં આવશે.

ક) લેવલ-3 હેઠળ સ્થાનિક તહેવારો, મેળાઓ, શોભાયાત્રાઓ અને ગામડાં સ્તરના ધાર્મિક તથા સામાજિક કાર્યક્રમો આવરી લેવામાં આવશે.

15થી 21 દિવસ પહેલાંથી કરાશે તૈયારી 

FDAની નવી વ્યવસ્થા હેઠળ તહેવારના 15થી 21 દિવસ પહેલાંથી જ કાર્યવાહી શરૂ કરવામાં આવશે. આ તબક્કામાં ખાદ્ય ભેળસેળની શક્યતા ધરાવતા વિસ્તારોની ઓળખ, ખાદ્ય વ્યવસાયિક એકમોની માહિતી એકત્રિત કરવી તથા નમૂના લેવા અને લેબોરેટરીમાં પરીક્ષણ માટે આગોતરી વ્યવસ્થા કરવામાં આવશે. તહેવારના 14 દિવસ પહેલાં બીજા તબક્કાની કાર્યવાહી શરૂ થશે. તેમાં ખાદ્ય ઉત્પાદન કેન્દ્રો, ગોડાઉન અને પરિવહન વ્યવસ્થાની તપાસ કરવામાં આવશે. સાથે જ કાચા માલની ગુણવત્તા અને તેના સ્ત્રોતની ચકાસણી તથા ખાદ્ય નમૂનાઓ એકત્રિત કરવામાં આવશે.

તહેવારના દિવસોમાં બજાર પર નજર 

તહેવારના દિવસે બજારની ખાસ દેખરેખ રાખવામાં આવશે. મીઠાઈની દુકાનો, હોટલ-રેસ્ટોરાં અને અન્ય ખાદ્ય વ્યવસાયિક સ્થળોએ તપાસ કરીને ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન થાય છે કે નહીં તેની ચકાસણી કરવામાં આવશે. ચોથા તબક્કામાં તહેવાર બાદ 30 દિવસ સુધી કાર્યવાહી ચાલુ રહેશે. આ સમયગાળા દરમિયાન નમૂનાઓનું લેબોરેટરી પરીક્ષણ, અહેવાલ તૈયાર કરવો, જરૂરી હોય ત્યાં કાયદેસરની કાર્યવાહી કરવી તથા અસુરક્ષિત ખાદ્યપદાર્થો જપ્ત કરીને તેનો યોગ્ય રીતે નિકાલ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે.

ઉપવાસના ખાદ્યપદાર્થો પર નજર

FDAએ તહેવાર પ્રમાણે જોખમવાળા ખાદ્યપદાર્થો પર વિશેષ ધ્યાન આપવાની સૂચના આપી છે. મહાશિવરાત્રી અને નવરાત્રી દરમિયાન ઉપવાસમાં ઉપયોગમાં લેવાતા સામો (મોરૈયો) અને રાજગરાના લોટ સહિત ખાદ્ય પદાર્થોની ખાસ તપાસ કરવામાં આવશે. 

ઈદ, રમઝાન, ગણેશોત્સવ, દિવાળી અને હોળી દરમિયાન દૂધ અને ડેરી ઉત્પાદનોની ગુણવત્તા પર વિશેષ નજર રાખવામાં આવશે. ઈદ સહિતના પ્રસંગોમાં માંસની દુકાનોમાં સ્વચ્છતા અને કોલ્ડ-ચેઇન વ્યવસ્થાનું પાલન થાય છે કે નહીં તેની તપાસ કરવામાં આવશે. આ ઉપરાંત મીઠાઈ, ખોયા, ખાદ્ય તેલ, ફળો, સૂકા મેવા, બેકરી ઉત્પાદનો અને કેક માટે પણ તહેવાર આધારિત વિશેષ તપાસ અભિયાન હાથ ધરાશે. 

ખાદ્ય તેલ અંગે પણ ખાસ સૂચનો

FDAએ ખાદ્ય તેલ અંગે પણ ખાસ સૂચનાઓ આપી છે. જો તળવા માટે ઉપયોગમાં લેવાતા તેલમાં કુલ પોલાર કમ્પાઉન્ડ્સ (TPC)નું પ્રમાણ 25 ટકાથી વધુ થાય તો તે તેલ માનવના  વપરાશ માટે અયોગ્ય ગણાશે. આવા તેલનો ફરીથી ઉપયોગ ન કરવાની પણ સૂચના આપવામાં આવી છે.

મહાપ્રસાદ અને ભંડારા માટે નિયમો

મોટા સામૂહિક ભોજનના કાર્યક્રમો જેમ કે મહાપ્રસાદ, ઈફ્તાર, અન્નદાન, લંગર અને ભંડારા દરમિયાન પણ ખાદ્ય સુરક્ષાના નિયમોનું પાલન ફરજિયાત રહેશે. આવા કાર્યક્રમોના આયોજકોને અધિકૃત ખાદ્ય કેટરર્સની સેવા લેવાની સૂચના આપવામાં આવી છે. કાર્યક્રમ અંગે સંબંધિત ફૂડ સેફ્ટી ઓફિસરને અગાઉથી જાણ કરવાની રહેશે અને કેટરર દ્વારા પીરસવામાં આવતા ખોરાકે નિર્ધારિત ખાદ્ય સુરક્ષા માપદંડોનું પાલન કરવું પડશે.

ફૂડ બિઝનેસ માટે પણ સૂચનાઓ

FDAએ ખાદ્ય વ્યવસાય સાથે સંકળાયેલા એકમો માટે પણ કેટલીક મહત્વપૂર્ણ સૂચનાઓ જાહેર કરી છે. ખાદ્ય દુકાનો અને વ્યવસાયિક એકમોએ પોતાનું લાઇસન્સ અથવા રજિસ્ટ્રેશનની વિગતો અને QR કોડ સ્પષ્ટ રીતે દર્શાવવાના રહેશે. કાચો માલ માત્ર અધિકૃત અથવા નોંધાયેલા સપ્લાયરો પાસેથી જ ખરીદવાનો રહેશે.

પ્રતિબંધિત રંગો અને ઔદ્યોગિક રસાયણોનો ઉપયોગ ન કરવા પણ સૂચના આપવામાં આવી છે. ખાદ્ય પદાર્થો સાથે સીધા સંપર્કમાં રહેતા કર્મચારીઓ માટે વાર્ષિક મેડિકલ ફિટનેસ સર્ટિફિકેટ હોવું જરૂરી રહેશે. 25 કે તેથી વધુ ફૂડ હેન્ડલર્સ ધરાવતા ખાદ્ય વ્યવસાયિક એકમોમાં ઓછામાં ઓછો એક FoSTaC પ્રમાણિત ફૂડ સેફ્ટી સુપરવાઈઝર રાખવો ફરજિયાત રહેશે.

નાગરિકો પણ કરી શકશે ફરિયાદ

એફડીએ નાગરિકો માટે ફરિયાદ કરવાની વ્યવસ્થા પણ ઉપલબ્ધ કરી છે. ગ્રાહકો ખાદ્ય સુરક્ષા સંબંધિત ફરિયાદો એફડીએના પોર્ટલ અને હેલ્પલાઈન મારફતે કરી શકશે. એફડીએએ લોકોને તહેવારો દરમિયાન ખાદ્યપદાર્થો ખરીદતી વખતે દુકાન કે વ્યવસાયનું લાઈસન્સ અથવા રજિસ્ટ્રેશન અને QR કોડ તપાસવાની અપીલ કરી છે. 

એફડીએના જણાવ્યા અનુસાર આ નવી વ્યવસ્થાનો મુખ્ય હેતુ તહેવાર પ્રમાણે અલગ-અલગ અમલવારી કરવાને બદલે એક જ કાયમી, આગોતરી અને જોખમ આધારિત સિસ્ટમ ઊભી કરવાનો છે. આથી એક તરફ ગ્રાહકોને સુરક્ષિત ખોરાક મળી રહે તે સુનિશ્ચિત થશે, જ્યારે બીજી તરફ ખાદ્ય વ્યવસાયોને પણ અનાવશ્યક વિક્ષેપનો સામનો ન કરવો પડે તે માટે કાર્યવાહી વધુ આયોજનબદ્ધ અને પારદર્શક બનશે.