Sat Sep 12 2026

Logo

PM નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે વડોદરા મુલાકાતે: ₹30,000 કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ્સનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત

2026-09-03 19:28:15
Author: Mumbai Samachar Team
PM નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બરે વડોદરા મુલાકાતે: ₹30,000 કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ્સનું કરશે લોકાર્પણ અને ખાતમુહૂર્ત

ChatGPT Image


વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોરના લોકાર્પણની સાથે જ ડબલ ડેકર માલગાડી બદલશે ઈતિહાસ

(અમારા પ્રતિનિધિ તરફથી)
વડોદરા:
વડા પ્રધાન નરેન્દ્ર મોદી 8 સપ્ટેમ્બર, 2026ના વડોદરાની મુલાકાતે આવશે. આ દરમિયાન તેઓ ₹30,000 કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરશે. વડા પ્રધાનની મુલાકાત દરમિયાન વડોદરામાં જાહેરસભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં મોટી સંખ્યામાં લોકો હાજર રહેવાની શક્યતા છે.

વડા પ્રધાનની મુલાકાત દરમિયાન વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર (WDFC)નું લોકાર્પણ પણ કરાશે. 21 ઓગસ્ટ 2026ના ભારતીય રેલવેએ વેસ્ટર્ન ડેડિકેટેડ ફ્રેટ કોરિડોર પર પોતાની પહેલી ડબલ સ્ટૈક લોન્ગ હોલ કન્ટેનર ટ્રેનના સફળ ઓપરેશનની સાથે એક નવો ઇતિહાસ રચ્યો હતો.

1.3 કિલોમીટર લાંબી માલગાડી દોડાવી મુંબઈના જવાહરલાલ નહેરુ પોર્ટથી વડોદરાના વર્નામા સુધી 360 કન્ટેનરનું પરિવહન કરાયું હતું, જેનું કુલ અંતર 422 કિમીનું હતું. આ સફળ પરીક્ષણ બાદ રેલવે પ્રધાન અશ્વિની વૈષ્ણવે પણ આ વીડિયો સોશિયલ મીડિયાના માધ્યમે શેર કર્યો હતો. અને આ કાર્યની પ્રસંશા કરી હતી. 

જવાહરલાલ નહેરુ પોર્ટ ઓથોરિટી (JNPA)થી દાદરી સુધીનો આ ફ્રેઇટ કોરિડોર દેશના મહત્વના બંદરો, ઔદ્યોગિક વિસ્તારો અને વેપાર કેન્દ્રોને જોડે છે. આ કોરિડોર શરૂ થતાં માલગાડીઓ દ્વારા માલસામાનને એક સ્થળેથી બીજા સ્થળે પહોંચાડવામાં વધુ સરળતા રહેશે. આ કોરિડોરના કારણે એક જ ટ્રેનમાં મોટી માત્રામાં માલનું પરિવહન શક્ય બન્યું છે. 

આ કામગીરીથી WDFC પર લાંબી અને વધુ ક્ષમતાવાળી માલગાડીઓ ચલાવવાની ક્ષમતા પણ ઉજાગર થઈ છે. ડબલ-સ્ટેક ટ્રેન (ડબલ ડેકર માલગાડી) દ્વારા એક જ સમયે વધુ કન્ટેનર લઈ જઈ શકાય છે. આથી બંદરો અને ઔદ્યોગિક વિસ્તારો વચ્ચે માલસામાનની હેરફેર માટે રેલવેનો ઉપયોગ વધુ અસરકારક બનશે.

વડા પ્રધાન નરેન્દ્ર મોદી વડોદરામાં યોજાનારી જાહેર સભાને પણ સંબોધશે. કાર્યક્રમમાં આશરે 8,000થી 10,000 લોકો હાજર રહે તેવી શક્યતા છે. વડા પ્રધાનની મુલાકાતને લઈને સ્થાનિક તંત્ર અને સંબંધિત વિભાગો દ્વારા કાર્યક્રમની તૈયારીઓ કરવામાં આવી રહી છે. 

8 સપ્ટેમ્બરના કાર્યક્રમમાં ₹ 30,000 કરોડથી વધુના રેલવે પ્રોજેક્ટ્સનું લોકાર્પણ અને શિલાન્યાસ કરવામાં આવશે. આ પ્રોજેક્ટ્સમાં રેલવે માળખું અને માલસામાનની હેરફેર સાથે જોડાયેલા કામોનો સમાવેશ થાય છે. પ્રોજેક્ટ્સ પૂર્ણ થયા બાદ રેલવેની પરિવહન ક્ષમતામાં વધારો થવાની અપેક્ષા છે.

વડા પ્રધાનની વડોદરા મુલાકાત દરમિયાન WDFCની કામગીરી અને રેલવેના વિવિધ વિકાસકાર્યોને લઈને મહત્વપૂર્ણ કાર્યક્રમ યોજાશે. JNPAથી દાદરી સુધીનો ફ્રેઇટ કોરિડોર દેશના માલ પરિવહન માટે મહત્વની કડી છે અને તેના કારણે ગુજરાત સહિત દેશના વિવિધ ઔદ્યોગિક વિસ્તારોને ઝડપી રેલ પરિવહનનો લાભ મળવાની અપેક્ષા છે.