અમદાવાદઃ અમદાવાદની નરોડા સ્થિત શેલ્બી હોસ્પિટલના આઈસીયુ (ICU) માં સારવાર હેઠળ રહેલા પોતાના 83 વર્ષીય પત્ની લક્ષ્મીદેવીને મળવા માટે આસારામે કરેલી હંગામી જામીન અરજીને ગુજરાત હાઈકોર્ટે ફગાવી દીધી છે. આસારામે પોતાના ખર્ચે અને કડક પોલીસ જાપ્તા હેઠળ હંગામી જામીન મેળવવા દાદ માગી હતી. બચાવ પક્ષે અદાલતમાં રજૂઆત કરી હતી કે જામીન માગવા પાછળ પત્નીની મુલાકાત સિવાય અન્ય કોઈ હેતુ નથી.
વધારે વિગતે વાત કરવામાં આવે તો, ક્રાઇમ બ્રાન્ચના મહિલા સેલના એસીપી (ACP) દ્વારા અદાલત સમક્ષ લક્ષ્મીદેવીનો તાજેતરનો મેડિકલ રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો. આ રિપોર્ટની સમીક્ષા કર્યા બાદ હાઈકોર્ટે નોંધ્યું હતું કે, લક્ષ્મીદેવીની તબિયત હાલ સંપૂર્ણપણે સ્થિર છે. તબીબોની ટીમ અને તેમના નજીકના સંબંધીઓ સતત તેમની સાથે હાજર છે અને આગામી 2 થી 3 દિવસમાં તેમને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ પણ કરી દેવામાં આવશે. જેથી પત્નીની સ્થિતિ ચિંતાજનક ન હોવાનું સ્પષ્ટ થતાં અને આસારામના ભૂતકાળના વર્તનને ધ્યાનમાં રાખીને અદાલતે હંગામી જામીન આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો.
વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા વાતચીત કરવાની છૂટ
જોકે, અદાલતે આસારામને માનવીય ધોરણે રાહત આપતા ટિપ્પણી કરી હતી કે, જો તેઓ પોતાની પત્ની સાથે વાતચીત કરવા ઇચ્છતા હોય તો જેલ સુપ્રિટેન્ડેન્ટ મારફતે વીડિયો કોન્ફરન્સિંગ (VC) દ્વારા વાત કરી શકે તેવી જરૂરી વ્યવસ્થા કરી આપવામાં આવશે. ગાંધીનગરની સેશન્સ કોર્ટે વર્ષ 2023માં દુષ્કર્મના કેસમાં આસારામને આજીવન કેદની સજા ફટકારી હતી. આ ચુકાદા સામેની અપીલ હાલ ગુજરાત હાઈકોર્ટમાં પેન્ડિંગ છે અને તેઓ હાલ રાજસ્થાનની જોધપુર જેલમાં સજા કાપી રહ્યા છે.