મુંબઈ: બોલીવુડના દિગ્ગજ અભિનેતા અમિતાભ બચ્ચનનો લોકપ્રિય ક્વિઝ શો ‘કૌન બનેગા કરોડપતિ’ ફરી ચર્ચામાં છે. આ વખતે શોમાં બોલીવુડના ખેલાડી અભિનેતા અક્ષય કુમાર અને અભિનેતા સૈફ અલી ખાન હોટસીટ પર એકસાથે જોવા મળશે. બંને પોતાની આગામી ફિલ્મ ‘હૈવાન’ના પ્રમોશન માટે શોમાં પહોંચ્યા હતા. આ દરમિયાન અમિતાભ બચ્ચન, અક્ષય અને સૈફ વચ્ચે ખૂબ જ રસપ્રદ વાતચીત જોવા મળી હતી.
શોના એક પ્રોમોમાં અમિતાભ બચ્ચન સૈફ અલી ખાન સાથે પોતાના પારિવારિક સંબંધ વિશે વાત કરતા જોવા મળે છે. આ વાત સાંભળીને સૈફ પણ આશ્ચર્યચકિત થઈ જાય છે. પ્રોમોમાં જોવા મળે છે કે અમિતાભ બચ્ચન સૈફ અલી ખાનને કહે છે કે તેમના અને સૈફના પરિવાર વચ્ચેના સંબંધ વિશે બહુ ઓછા લોકો જાણે છે. આ સાંભળીને સૈફ આશ્ચર્યથી પૂછે છે, “કોના? મારા?”
ત્યાર બાદ અમિતાભ બચ્ચન બંને પરિવારો વચ્ચેનો સંબંધ સમજાવે છે. તેમણે જણાવ્યું કે રાજ કપૂરની દીકરી રિતુ નંદા હતી અને તેમના પુત્ર નીખિલ નંદાએ અમિતાભ બચ્ચન અને જયા બચ્ચનની દીકરી શ્વેતા બચ્ચન સાથે લગ્ન કર્યા છે.રાજ કપૂર અભિનેત્રી કરીના કપૂર ખાનના દાદા હતા. તેથી નીખિલ નંદા અને કરીના કપૂર કઝિન ભાઈ-બહેન થાય છે.
બીજી તરફ, સૈફ અલી ખાને કરીના કપૂર સાથે લગ્ન કર્યા હોવાથી સૈફનો પણ બચ્ચન પરિવાર સાથે આ રીતે પારિવારિક સંબંધથી જોડાય છે. આ પારિવારિક કનેક્શન સમજાવ્યા બાદ અમિતાભ બચ્ચન સૈફને મજાકમાં પૂછે છે, “તો આપણો શું સંબંધ થયો? આપણું શું રિલેશન થયું? કરીના મને શું કહેશે?” અમિતાભનો આ સવાલ સાંભળીને સૈફ થોડા કન્ફ્યુઝ થઈ જાય છે અને મજાકમાં કહે છે કે, “સારું થયું કે આ સવાલ KBCનો ભાગ નથી.”
સૈફનો આ જવાબ સાંભળીને અમિતાભ બચ્ચન અને અક્ષય કુમાર હસવા લાગે છે. આ દરમિયાન અક્ષય મજાકમાં સૈફને મારતા પણ જોવા મળે છે. શોનો આ મજેદાર વીડિયો સોશિયલ મીડિયા પર પણ ચર્ચામાં છે. સૈફ અલી ખાન અને અમિતાભ બચ્ચન અગાઉ પણ સાથે કામ કરી ચૂક્યા છે. બંને કલાકારોએ ‘એકલવ્ય: ધ રોયલ ગાર્ડ’ અને ‘આરક્ષણ’ જેવી ફિલ્મોમાં સાથે અભિનય કર્યો છે. બંનેની ઓનસ્ક્રીન જોડી દર્શકોને પસંદ આવી હતી.
હવે સૈફ અલી ખાન અને અક્ષય કુમારની આગામી ફિલ્મ ‘હૈવાન’ને લઈને પણ ચાહકોમાં ઉત્સુકતા જોવા મળી રહી છે. ફિલ્મમાં બંને મુખ્ય ભૂમિકામાં છે અને તેનું દિગ્દર્શન પ્રિયદર્શન કરી રહ્યા છે.ફિલ્મમાં સૈફ અલી ખાન એક દૃષ્ટિહીન વ્યક્તિની ભૂમિકા ભજવી રહ્યા છે, જ્યારે અક્ષય કુમાર નેગેટિવ પાત્રમાં જોવા મળશે. ‘હૈવાન’ 11 સપ્ટેમ્બરે સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે.
‘હૈવાન’ના માધ્યમથી અક્ષય કુમાર અને સૈફ અલી ખાન ઘણા વર્ષો બાદ ફરી એકસાથે મોટા પડદા પર જોવા મળશે. બંનેએ અગાઉ ‘કિંમત’, ‘તૂ ચોર મેં સિપાહી’, ‘આરઝૂ’, ‘યે દિલ્લગી’, ‘મૈં ખિલાડી તૂ અનાડી’ અને ‘ટશન’ જેવી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. અક્ષય અને સૈફની આ જોડીને લાંબા સમયથી દર્શકોએ મોટા પ્રમાણમાં પસંદ કરી છે. હવે બંને કલાકારો ‘હૈવાન’ ફીલ્મમાં અલગ અને રસપ્રદ ભૂમિકાઓ સાથે ફરીથી સાથે જોવા મળવાના હોવાથી ફિલ્મને લઈને બોલીવુડના
ચાહકોમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે.