Tue Sep 08 2026

Logo

ડૉલર મજબૂત થતાં વૈશ્વિક સોનું ત્રણ સપ્તાહની નીચી સપાટીએ સ્થાનિક સોનામાં રૂ. 1999નો અને ચાંદીમાં રૂ. 2023નો ઘટાડો

2026-09-02 19:54:16
Author: Ramesh Gohil
ડૉલર મજબૂત થતાં વૈશ્વિક સોનું ત્રણ સપ્તાહની નીચી સપાટીએ સ્થાનિક સોનામાં રૂ. 1999નો અને ચાંદીમાં રૂ. 2023નો ઘટાડો

(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)

મુંબઈઃ
અમેરિકાનાં રોજગારીનાં ડેટાની આજે મોડી સાંજે થનારી જાહેરાત પૂર્વે વૈશ્વિક બજારમાં ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ અને અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ વધતા નવેસરથી એકબીજા પર હુમલાઓ થતાં ક્રૂડતેલના ભાવ પણ વધી આવતા ફુગાવામાં વધારાની ચિંતા પણ સપાટી પર આવી હોવાથી આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ત્રણ સપ્તાહની નીચી સપાટી સુધી પહોંચ્યા હતા અને ચાંદીના ભાવમાં પણ એક ટકા જેટલો ઘટાડો આવ્યો હતો. આમ વૈશ્વિક નિરુત્સાહી અહેવાલે સ્થાનિક ઝવેરી બજારમાં પણ સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 1991થી 1999નો અને ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 2023નો ઘટાડો આવ્યો હતો. 

બજારનાં સાધનોના જણાવ્યાનુસાર આજે સ્થાનિકમાં 999 ટચ ચાંદીમાં સ્ટોકિસ્ટોની નવી લેવાલીનો અભાવ ઉપરાંત ઔદ્યોગિક વપરાશકારોની માગ પણ ખપપૂરતી મર્યાદિત રહેતાં વિશ્વ બજાર પાછળ ભાવમાં પીછેહઠ જળવાઈ રહેતાં વેરારહિત ધોરણે ભાવ કિલોદીઠ રૂ. 2023ના ઘટાડા સાથે રૂ. 2,28,396ના મથાળે રહ્યા હતા. જોકે, ભાવઘટાડાના માહોલમાં જ્વેલરી ઉત્પાદકો અને રિટેલ સ્તરની માગ પણ શુષ્ક હતી. તે જ પ્રમાણે આજે સોનામાં પણ વિશ્વ બજાર પાછળ નરમાઈનું વલણ જળવાઈ રહેતાં વેરારહિત ધોરણે 10 ગ્રામદીઠ 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ રૂ. 1991 ઘટીને રૂ. 1,50,579 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 1999 ઘટીને રૂ. 1,51,184ના મથાળે રહ્યા હતા, પરંતુ વધુ ઘટાડાના આશાવાદે રોકાણકારો, જ્વેલરી ઉત્પાદકો તથા રિટેલ સ્તરની માગ નિરસ રહી હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું. 

આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ એક તબક્કે ઘટીને ગત સાતમી ઑગસ્ટ પછીની નીચી સપાટીએ પહોંચ્યા બાદ ગઈકાલના બંધ સામે 0.6 ટકા ઘટીને આૈંસદીઠ 4302.20 ડૉલર અને ડિસેમ્બર ડિલિવરી વાયદાના ભાવ 1.1 ટકાના ઘટાડા સાથે 4349.80 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ વધુ એક ટકાના ઘટાડા સાથે આૈંસદીઠ 63.59 ડૉલર આસપાસ રહ્યા હતા. 

વૈશ્વિક ભૂરાજકીય અનિશ્ચિતતાઓ વચ્ચે ક્રૂડતેલના ભાવ વધી આવતા ફુગાવામાં વધારાની શક્યતા ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા પ્રબળ બનાવાની સાથે ડૉલર ઈન્ડેક્સમાં પણ મજબૂત વલણ રહેવાથી સોનાના ભાવ દબાણ હેઠળ આવી રહ્યા હોવાનું જેફરીઝની માલિકીની ટ્રેડુ ડૉટ કૉમના વિશ્લેષક નિકોસ ઝુબોરસે જણાવતા ઉમેર્યું હતું કે હાલ વૈશ્વિક સોનામાં ફેડરલ દ્વારા વ્યાજદરમાં વધારાની ચિંતા અને કરન્સી ડિબેઝમેન્ટને કારણે ભારે ચંચળતાનું વલણ જોવા મળે છે. 

એકંદરે ક્રૂડતેલના વધતા ભાવને કારણે રોકાણકારો અમેરિકી ડૉલર તરફ વળતાં ડૉલર ઈન્ડેક્સમાં વધારો થવાથી વધતી આયાત પડતરોને કારણે સોનામાં દરિયાપારના રોકાણકારોની માગ તળિયે બેસી છે. વધુમાં ગઈકાલે ફેડરલ રિઝર્વના ગવર્નર માઈકલ બારે અધ્યક્ષ કેવિન વાર્શની તંગ નાણાનીતિની ટિપ્પણીને અનુમોદન આપતા જણાવ્યું હતું કે ફુગાવો ઝડપભેર શાંત નહીં થાય આથી કેન્દ્રવર્તી બૅન્કે વ્યાજદરમાં વધારો કરવો પડશે. નોંધનીય બાબત એ છે કે ફેડરલ રિઝર્વ દ્વારા આગામી બેઠકમાં વ્યાજદરમાં વધારો કરવામાં આવે તેવી 68 ટકા શક્યતા સીએમઈ ફેડ વૉચ ટૂલ પર રોકાણકારો મૂકી રહ્યા હતા. સામાન્યપણે ફુગાવામાં વધારો થવાથી સોનામાં રોકાણકારોની હેજરૂપી લેવાલી રહેતી હોય છે, પરંતુ વ્યાજદરમાં વધારો થવાથી સોનામાં માગ દબાણ હેઠળ જોવા મળે છે.