નવી દિલ્હીઃ રામલીલા મેદાન ખાતે યોજાનારી 'ઈન્ડિ' ગઠબંધનની રેલી પહેલાં, કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી એક ખુલ્લી બસમાં મિન્ટો બ્રિજ તરફ રવાના થયા હોવાનું જાણવા મળ્યું છે. આ રેલીમાં મોટી સંખ્યામાં વિપક્ષી પાર્ટીઓના નેતાઓ સામેલ થઈ રહ્યાં છે. ગુજરાતમાંથી પણ કોંગ્રેસ નેતાઓ રામલીલા મેદાન ખાતે પહોંચ્યાં છે. અત્યારે આ નેતાઓ ખુલ્લી બસમાં રામલીલા મેદાન તરફ રવાના થયાં છે. રાહુલ ગાંધી બસની સૌથી આગળની હરોળમાં બેઠેલા જોવા મળ્યા હતા.
રાહુલ ગાંધી પાછળ TMC પ્રમુખ મમતા બેનર્જી અને સપા પ્રમુખ અખિલેશ યાદવ બેઠેલા જોવા મળ્યાં. આ બસમાં નેશનલ કોન્ફરન્સના નેતા ફારૂક અબ્દુલ્લા, આરજેડીના તેજસ્વી યાદવ, ડાબેરી નેતા દીપાંકર ભટ્ટાચાર્ય, ટીએમસી નેતા અભિષેક બેનર્જી, કોંગ્રેસ સાંસદ પ્રિયંકા ગાંધી, એનસીપી નેતા સુપ્રિયા સુળે, શિવસેના (UBT)ના સંજય રાઉત અને પીડીપી નેતા મહેબૂબા મુફ્તી પણ સવાર હતા.
આ સાથે કોંગ્રેસ અને ગઠબંધનના અન્ય નેતાઓ અલગ-અલગ બસોમાં જોવા મળ્યાં છે. આ તમામ નેતાઓ કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાનેથી મિન્ટો બ્રિજ તરફ નીકળ્યા હતા. અહીંથી 'ઈન્ડિ' ગઠબંધને એક કૂચ શરૂ કરી, જે રામલીલા મેદાન તરફ આગળ વધી રહી છે.
LIVE: Vote Bachao, Desh Bachao Maha March | Connaught Place Minto Road Junction to Ramlila Maidan, New Delhi https://t.co/s6kul2Wuo1
— Congress (@INCIndia) November 1, 2026
રેલી પહેલાં, રાહુલ ગાંધીએ દિવાળી, છઠ અને ભાઈબીજનો સમય હોવાથી દિલ્હીની બહારથી આવતા લાખો લોકો સ્થાનિક વેપારીઓને સમર્થન આપવા માટે અપીલ કરી હતી. વધુમાં કહ્યું હતું કે, “વિરોધ કરો, કૂચ કરો અને રેલી યોજો, પરંતુ સાથે સાથે થોડી ખરીદી પણ કરો, તેનાથી વેપારીઓને ફાયદો થશે”. જો કે, વેપારીઓના દાવા પ્રમાણે દિલ્હીમાં આજે 2.5 લાખ દુકાનો બંધ રહે છે. જેના કારણે વેપારીઓને મોટા પ્રમાણમાં નુકસાન થયું છે.