મુંબઈ: બોલિવૂડના ગ્રીક ગોડ રીતિક રોશને પોતાની ગર્લફ્રેન્ડ અને અભિનેત્રી સબા આઝાદના 40મા જન્મદિવસે તેના માટે રોમેન્ટિક પોસ્ટ શેર કરી છે. સબાના જન્મદિવસના ખાસ અવસર પર રીતિકે સોશિયલ મીડિયા પર કેટલીક ખાસ તસવીરો અને વીડિયો શેર કરીને પોતાના પ્રેમનો અનોખી રીતે ઇઝહાર કર્યો છે. અભિનેતાની આ રોમેન્ટિક પોસ્ટ ચાહકોમાં ચર્ચાનો વિષય બની છે.
રીતિકે પોતાની પોસ્ટમાં સબા સાથેના સંબંધને એક અનોખી મુસાફરી સાથે સરખાવ્યો છે. તેણે લખ્યું કે, કોઈએ તેને સબા વિશે પૂછ્યું ત્યારે તેણે કહ્યું કે તે તેના વિશે વાત કરવા માગતો નથી, કારણ કે સબા તેના માટે ખૂબ જ કિંમતી છે. જોકે, જ્યારે સામેની વ્યક્તિએ વધુ પૂછ્યું ત્યારે રીતિકે એક રસપ્રદ ઉદાહરણ આપીને પોતાની લાગણીઓ વ્યક્ત કરી હતી.
રીતિકે લખ્યું કે, માની લો કે મુંબઈથી કોઈ દૂરના સ્થળે જવા માટે બે ફ્લાઈટના વિકલ્પ હોય. એક સીધી ફ્લાઇટ હોય, જે સરળ અને સુવિધાજનક હોય, જ્યારે બીજી ફ્લાઇટ આઠ અલગ-અલગ શહેરોમાંથી પસાર થતી હોય, દરેક સ્થળે કલાકો સુધી રાહ જોવી પડે અને આગળની કનેક્ટિંગ ફ્લાઇટ ચૂકી જવાનો ડર પણ હોય. જો મુસાફરી સબા સાથે કરવાની હોય તો તે દરેક વખતે બીજો વિકલ્પ પસંદ કરશે.
અભિનેતાએ આગળ લખ્યું કે, સબા સાથે હોય ત્યારે દરેક સામાન્ય ક્ષણ, દરેક રાહ જોવાનો સમય અને નક્કી કરેલા રસ્તાથી થોડું ભટકવું પણ રોમાંચક સફરમાં ફેરવાઈ જાય છે. તેણે પોતાની પ્રેમિકાને જીવનભરની લાંબી મુસાફરીઓ અને લાંબી રાહના નામે પ્રેમભર્યો સંદેશ આપતાં લખ્યું કે, 'આપણે કંઈક રોમાંચક કરીએ. આપણી જીવનભરની લાંબી મુસાફરીઓ અને લાંબી રાહના નામે. હું તને પ્રેમ કરું છું. જન્મદિવસની શુભેચ્છા!'
રીતિક અને સબા છેલ્લા પાંચ વર્ષથી એકબીજાના પ્રેમસંબંધમાં છે. બંનેએ 2022માં પોતાના સંબંધને જાહેર કર્યો હતો. તે પહેલાં મુંબઈમાં બંનેને સાથે જોવામાં આવ્યા બાદ તેમના ડેટિંગની ચર્ચાઓ શરૂ થઈ હતી. કરણ જોહરના 50મા જન્મદિવસની પાર્ટીમાં બંને હાથમાં હાથ નાખીને પહોંચ્યા ત્યારે તેમના સંબંધની જાહેરમાં વધુ સ્પષ્ટ પુષ્ટિ થઈ હતી. ત્યારથી બંને અનેક જાહેર કાર્યક્રમો અને પારિવારિક પ્રસંગોમાં સાથે જોવા મળે છે.