મુંબઈ: મોંઘવારીનો વધુ એક ફટકો મુંબઈ અને આસપાસના વિસ્તારોના વાહનચાલકોને પડ્યો છે. મહાનગર ગેસ લિમિટેડ (એમજીએલ) દ્વારા કમ્પ્રેસ્ડ નેચરલ ગેસ (સીએનજી)ના ભાવમાં પ્રતિ કિલો રૂપિયા 1નો વધારો કરવામાં આવ્યો છે. આ વધારા બાદ મુંબઈ અને મહાનગર પ્રદેશમાં સીએનજીનો નવો ભાવ રૂપિયા 90 પ્રતિ કિલો થયો છે. નવા દર 31 ઓક્ટોબરની મધરાતથી એટલે કે 1 નવેમ્બરથી અમલમાં આવ્યા છે.
એમજીએલના જણાવ્યા અનુસાર પશ્ચિમ એશિયાના અમેરિકા, ઈરાન અને ઇઝરાયેલ સંઘર્ષને કારણે વૈશ્વિક સ્તરે તેલ અને ગેસના પુરવઠાને અસર થઈ છે. આ પરિસ્થિતિના કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં ગેસના ભાવમાં વધારો થયો છે. તેની અસર ઘરેલું સ્તરે ઉત્પાદિત કુદરતી ગેસ તેમ જ આયાત કરાયેલા રિગેસિફાઇડ લિક્વિફાઇડ નેચરલ ગેસ (આરએલએનજી)ની કિંમતો પર પણ પડી છે.
કંપનીએ વધુમાં જણાવ્યું હતું કે, ઘરેલું ગેસના ફાળવણીમાં ઘટાડો થતાં તેને વધુ ખર્ચાળ સ્ત્રોતો પર નિર્ભર રહેવું પડી રહ્યું છે. ગેસની ખરીદી પાછળનો ખર્ચ વધતાં ગ્રાહકોને નિયમિત અને અવિરત સીએનજી પુરવઠો જાળવી રાખવા માટે ભાવવધારો કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કંપનીના મતે, આ વધારાથી વધેલા ખર્ચની આંશિક ભરપાઈ કરવામાં મદદ મળશે.
આ ભાવવધારાની સીધી અસર મુંબઈ મહાનગર પ્રદેશ (એમએમઆર)માં એમજીએલના સીએનજી પર ચાલતાં આશરે 12.93 લાખ વાહનો પર પડશે. તેમાં ઓટો-રિક્ષા, ટેક્સી, ખાનગી કાર તેમજ રાજ્ય પરિવહન અને મહાનગરપાલિકાઓ દ્વારા સંચાલિત જાહેર પરિવહનનાં વાહનોનો સમાવેશ થાય છે. સીએનજી મોંઘું થતાં રિક્ષા અને ટેક્સીચાલકોના દૈનિક સંચાલન ખર્ચમાં વધારો થશે, જ્યારે ખાનગી વાહનચાલકોના ઇંધણ બજેટ પર પણ અસર પડશે.
છેલ્લા કેટલાક મહિનામાં સીએનજીના ભાવમાં સતત વધારો નોંધાયો છે. સપ્ટેમ્બરમાં પ્રતિ કિલો રૂપિયા 2નો વધારો થતાં ભાવ રૂપિયા 88 થયો હતો. ત્યારબાદ 1 ઓક્ટોબરથી પ્રતિ કિલો રૂપિયા 1નો વધારો કરીને ભાવ રૂપિયા 89 કરવામાં આવ્યો હતો. હવે નવેમ્બર મહિનાની શરૂઆતમાં વધુ રૂપિયા 1નો વધારો થતાં ભાવ રૂપિયા 90 પ્રતિ કિલો સુધી પહોંચ્યો છે. છેલ્લા બે મહિનામાં આ બીજી ભાવવધારાની ઘટના છે.
આ પહેલાં મે મહિનામાં પણ એમજીએલ એ સીએનજીના ભાવમાં ફેરફાર કરીને પ્રતિ કિલો રૂપિયા 86 કર્યા હતા. તે સમયે પાઇપ દ્વારા ઘરોમાં પહોંચાડવામાં આવતા નેચરલ ગેસ (પીએનજી)નો દર પ્રતિ સ્ટાન્ડર્ડ ક્યુબિક મીટર (એસસીએમ) રૂપિયા 52 કરવામાં આવ્યો હતો. વારંવારના ભાવવધારાને કારણે સીએનજી વાહનચાલકો અને વ્યાવસાયિક પરિવહન ક્ષેત્ર પર ખર્ચનું દબાણ વધી રહ્યું છે.
એમજીએલએ જણાવ્યું છે કે ગ્રાહકો પર વધારાનો બોજ ઓછો કરવા માટે ગેસની ખરીદીના ખર્ચને નિયંત્રિત કરવાના વિવિધ વિકલ્પો પર કામ ચાલુ રહેશે. સાથે જ પર્યાવરણને અનુકૂળ સ્વચ્છ ઇંધણ તરીકે કુદરતી ગેસના ઉપયોગને પ્રોત્સાહન આપવાની કંપનીની પ્રતિબદ્ધતા યથાવત્ રહેશે.