મુંબઈ: બોલિવૂડના બાદશાહ શાહરૂખ ખાનની આગામી ફિલ્મ ‘કિંગ’એ સિનેમાઘરોમાં રિલીઝ થાય તે પહેલાં જ આંતરરાષ્ટ્રીય બજારમાં મોટો રેકોર્ડ સર્જ્યો છે. ફિલ્મના વિદેશી થિયેટ્રિકલ વિતરણ અધિકારો દુબઈ સ્થિત કંપની ફાર્સ ફિલ્મ્સે રૂપિયા 175 કરોડની મિનિમમ ગેરંટી (MG) ડીલમાં ખરીદ્યા હોવાના અહેવાલ છે. ભારતીય સિનેમાના ઇતિહાસમાં વિદેશી વિતરણ અધિકારો માટે આ અત્યાર સુધીની સૌથી મોટી ડીલ હોવાનું કહેવાય છે.
અહેવાલ અનુસાર, અગાઉ ‘કિંગ’ના વિદેશી વિતરણની જવાબદારી યશરાજ ફિલ્મ્સ (YRF) સંભાળે તેવી શક્યતા હતી. શાહરૂખની અગાઉની ફિલ્મો ‘પઠાણ’, ‘જવાન’ વિદેશી વિતરણ સાથે વાયઆરએફ સાથે સંકળાયેલી રહી હતી. જોકે, ફાર્સ ફિલ્મ્સે રૂપિયા 175 કરોડની મોટી ઓફર આપતાં વિતરણ વ્યવસ્થામાં ફેરફાર થયો છે. અગાઉની ફિલ્મો કમિશન આધારિત વ્યવસ્થા હેઠળ વિતરિત થતી હતી, જ્યારે ‘કિંગ’ માટે મિનિમમ ગેરંટીની મોટી રકમ નક્કી કરવામાં આવી છે.
જોકે, આટલી મોટી ડીલને કારણે ફિલ્મ સામે બોક્સ ઓફિસ પર કમાણીનું દબાણ પણ વધ્યું છે. વિદેશી બજારમાં વિતરકો સામાન્ય રીતે બોક્સ ઓફિસની કુલ કમાણીમાંથી આશરે 50 ટકા હિસ્સો મેળવે છે. તેથી રૂપિયા 175 કરોડની ડીલને નફાકારક બનાવવા માટે ‘કિંગ’એ આંતરરાષ્ટ્રીય સ્તરે અંદાજે રૂપિયા 350થી રૂપિયા 375 કરોડની કમાણી કરવી પડશે.
શાહરૂખ ખાનની અગાઉની બે બ્લોકબસ્ટર ફિલ્મો ‘પઠાણ’ અને ‘જવાન’એ વિદેશી બોક્સ ઓફિસ પર આશરે રૂપિયા 400-400 કરોડની કમાણી કરી હતી. ‘કિંગ’ને પણ આ ફિલ્મોની કમાણીની આસપાસ પહોંચવું અથવા તેનાથી આગળ વધવું જરૂરી બની શકે છે. વિદેશી બજારમાં ‘ધુરંધર 2’ની આશરે રૂપિયા 460 કરોડ અને ‘RRR’ની રૂપિયા 430 કરોડની કમાણી જેવા આંકડા પણ ફિલ્મ માટે મોટા માપદંડ બની શકે છે.
સિદ્ધાર્થ આનંદના નિર્દેશનમાં બની રહેલી ‘કિંગ’માં શાહરૂખ ખાન સાથે તેમની પુત્રી સુહાના ખાન, દીપિકા પાદુકોણ, અભિષેક બચ્ચન, રાની મુખર્જી અને રાઘવ જુયાલ સહિતના કલાકારો જોવા મળશે. ‘પઠાણ’ પછી શાહરૂખ અને સિદ્ધાર્થ આનંદની આ બીજી ફિલ્મ છે. ખાસ વાત એ છે કે આ ફિલ્મમાં શાહરૂખ અને સુહાના પહેલીવાર પડદા પર સાથે જોવા મળશે.
‘કિંગ’ 24 ડિસેમ્બર, 2026ના રોજ ક્રિસમસની રજાઓ દરમિયાન વિશ્વભરના સિનેમાઘરોમાં રિલીઝ થવાની છે. જોકે, આ સમયગાળામાં ‘એવેન્જર્સ: ડૂમ્સડે’, ‘ડ્યુન: પાર્ટ થ્રી’ અને ‘જુમાનજી' જેવી હોલિવૂડની મોટી ફિલ્મો પણ રિલીઝ થવાની હોવાથી આંતરરાષ્ટ્રીય બજારમાં સ્પર્ધા જોરદાર રહેવાની શક્યતા છે.