Thu Nov 19 2026

Logo

સુરતના ઉધના રેલવે સ્ટેશને ઉમટ્યાં 25 હજાર પ્રવાસીઓ, પશ્ચિમ રેલવેએ કહી આ વાત

2026-11-01 13:11:00
Author: Mayur Patel
સુરતના ઉધના રેલવે સ્ટેશને ઉમટ્યાં 25 હજાર પ્રવાસીઓ, પશ્ચિમ રેલવેએ કહી આ વાત

સુરતઃ સુરતમાં મોટી સંખ્યામાં ઉત્તર ભારતીયો વસે છે. દિવાળી-છઠ પર તેઓ વતન જતા હોય છે, જેના કારણે આ દિવસોમાં શહેર સુમસામ થઈ જતું હોય છે. જોકે આની અસર અત્યારથી જ જોવા મળી રહી છે. સુરતના ઉધના રેલવે સ્ટેશન પર અત્યારથી જ ઉત્તર ભારતના મુસાફરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા છે.  તહેવારો પહેલાંના વતન જવા નીકળેલા મુસાફરોની ભારે ભીડને કારણે ઉધના રેલવે સ્ટેશનનો હોલ્ડિંગ એરિયા ગત રાત્રે જ ખીચોખીચ ભરાઈને હાઉસફુલ થઈ ગયો હતો. જોકે, રેલવે તંત્ર દ્વારા રાતથી સવાર સુધીમાં 6 સ્પેશિયલ ટ્રેનો દોડાવીને અંદાજે 25 હજાર મુસાફરોને રવાના કરવામાં આવ્યા હતા

પ્રવાસીઓના જણાવ્યા મુજબ,  રેગ્યુલર ટ્રેનોમાં કન્ફર્મ ટિકિટ ન મળતાં તેઓ સ્પેશિયલ ટ્રેન પકડવા આવ્યા હતા. સવારે 7 વાગ્યાથી લાઇનમાં ઊભા રહેવા છતાં ભારે ભીડને કારણે તેમની 8:30 વાગ્યાની પટના જતી ટ્રેન ચૂકી ગયા હતા.  પશ્ચિમ રેલવેના ડીઆરએમ પંકજસિંહે માહિતી આપતાં જણાવ્યું કે, મુસાફરોના ધસારાને ધ્યાનમાં રાખીને છેલ્લા 4 મહિનામાં રેકોર્ડ સમયમાં દેશનું સૌથી મોટું પેસેન્જર સુવિધા કેન્દ્ર તૈયાર કરાયું છે.

પશ્ચિમ રેલવેએ સોશિયલ મીડિયા પોસ્ટ કરીને લખ્યું, તહેવારોને ધ્યાનમાં રાખી રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડને જોતાં પશ્ચિમ રેલવે દ્વારા સુગમ અને સુરક્ષિત મુસાફરી માટે વિશેષ વ્યવસ્થા કરવામાં આવી છે. દરેક મુસાફર તેમના ગંતવ્ય સ્થાન સુધી નિશ્ચિંત થઈને પહોંચી શકે તે માટે મુસાફરોને લાઈનબદ્ધ રીતે ટ્રેનમાં બેસાડવા, યોગ્ય માર્ગદર્શન તથા અન્ય જરૂરી સુવિધાઓ ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે.