મુંબઈ: ટેલિવિઝન જગતની જાણીતી અભિનેત્રી હિના ખાન અને રોકી જયસ્વાલની પ્રેમકહાની ફરી ચર્ચામાં આવી છે. હિનાએ તાજેતરમાં એક ટોક શો માં પોતાના લગ્ન અંગે અનેક રસપ્રદ ખુલાસા કર્યા હતા. હિનાએ જણાવ્યું કે રોકી સાથે લગ્ન કરવાનો નિર્ણય અચાનક લેવાયો હતો અને બંનેએ 15 મિનિટથી પણ ઓછા સમયમાં લગ્ન કરી લીધાં હતાં.
હિનાએ શોમાં લગ્નના દિવસની તસવીર જોઈને જણાવ્યું કે લગ્નનું કોઈ આયોજન નહોતું. બંને લાંબા સમયથી સાથે હતાં, પરંતુ લગ્ન માટે તૈયાર નહોતાં. હિનાએ કહ્યું કે તેની તબિયતને લઈને અનિશ્ચિતતા વચ્ચે તેણે રોકીને કહ્યું હતું કે, 'તમે આગળ વધી જાઓ અને કોઈની સાથે લગ્ન કરી લો અથવા તો મારી સાથે જ લગ્ન કરી લો, કારણ કે મને ખબર નથી કે આવતીકાલે શું થશે.'
જ્યારે હિનાને પૂછવામાં આવ્યું કે શું ખરેખર 15 મિનિટમાં લગ્ન થઈ ગયાં હતાં, ત્યારે હિનાએ જવાબ આપ્યો કે તેનાથી પણ ઓછા સમયમાં. હિનાએ સ્વીકાર્યું કે તેની સ્વાસ્થ્ય સંબંધિત પરિસ્થિતિએ લગ્નનો નિર્ણય લેવામાં મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. રોકીએ પણ આ નિર્ણયમાં કોઈ વાંધો વ્યક્ત કર્યો નહોતો અને તરત જ સંમતિ આપી હતી. હિના ખાન અને રોકી જયસ્વાલે 4 જૂન, 2025ના રોજ સાદગીપૂર્ણ રીતે લગ્ન કર્યા હતાં. બંને લગભગ 13થી 14 વર્ષથી એકબીજાને ઓળખતાં હતાં અને લાંબા સમયના સંબંધ બાદ લગ્નના બંધનમાં બંધાયાં હતાં.
લગ્ન અંગે વાત કરતાં હિનાએ વધુમાં જણાવ્યું કે લગ્નથી તેના સંબંધમાં કોઈ ફેરફાર આવ્યો નથી. 'લગ્ન આપણા સંબંધને વ્યાખ્યાયિત નથી કરતા. લગ્ન થાય કે ન થાય, બધું પહેલાં જેવું જ છે,' એમ હિનાએ કહ્યું હતું. બંને એટલા સહજ છે કે પોતાની પ્રથમ લગ્નની વર્ષગાંઠ પણ યાદ રહી નહોતી. પરિવારજનો અને મિત્રો તરફથી શુભેચ્છાઓ મળવા લાગી ત્યારે બંનેને વર્ષગાંઠ યાદ આવી હતી.
હિના ખાન હાલમાં બ્રેસ્ટ કેન્સરની સારવાર અને પડકારોનો સામનો કરી રહી છે. આ મુશ્કેલ સમયમાં રોકી જયસ્વાલે તેને સતત સાથ અને હિંમત આપી છે. હિનાએ અગાઉ પણ અનેક પ્રસંગે રોકીના સમર્થનને પોતાના માટે મહત્ત્વપૂર્ણ ગણાવ્યું છે. બંનેની પ્રેમકહાની ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’ના સેટ પરથી શરૂ થઈ હતી, જ્યાં હિના અભિનેત્રી તરીકે અને રોકી સુપરવિઝિંગ પ્રોડ્યુસર તરીકે કામ કરતો હતો. લાંબા સમયના પ્રેમસંબંધ બાદ અચાનક થયેલા લગ્ન અને મુશ્કેલ સમયમાં રોકીનો સાથ હિના-રોકીની જોડીની ચર્ચાને વધુ વેગ આપી રહ્યો છે.