(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ આંતરરાષ્ટ્રીય વિનિમય બજારમાં ડૉલર ઈન્ડેકસ નબળો પડતાં આજે લંડન ખાતે સત્રના આરંભે સોનાના ભાવમાં એક ટકા જેટલો અને ચાંદીના ભાવમાં અડધા ટકા જેટલો વધારો થયો હોવાના પ્રોત્સાહક અહેવાલ સાથે સ્થાનિક ઝવેરી બજારમાં પણ ચાંદીના ભાવમાં કિલોદીઠ રૂ. 4137નું અને સોનાના ભાવમાં 10 ગ્રામદીઠ રૂ. 2746થી 2757નું બાઉન્સબૅક જોવા મળ્યું હતું. જોકે, ભાવમાં ઝડપી ઉછાળો આવતા સાર્વત્રિક સ્તરેથી માગમાં સોંપો પડી ગયો હોવાનું સૂત્રોએ જણાવ્યું હતું.
આજે સ્થાનિકમાં 999 ટચ ચાંદીના વેરારહિત ધોરણે કિલોદીઠ ભાવ રૂ. 4137 વધીને રૂ. 2,32,533ના મથાળે રહ્યા હતા, પરંતુ ઔદ્યોગિક વપરાશકારોની લેવાલી ખપપૂરતી રહી હતી, જ્યારે જ્વેલરી ઉત્પાદકો અને સ્ટોકિસ્ટો નવી લેવાલીથી દૂર રહ્યા હતા.
વધુમાં આજે સોનાના વેરારહિત ધોરણે ભાવ વિશ્વ બજાર પાછળ વધી આવ્યા હતા. જેમાં 995 ટચ સ્ટાન્ડર્ડ સોનાના ભાવ 10 ગ્રામદીઠ રૂ. 2746 વધીને રૂ. 1,53,325 અને 999 ટચ સ્ટાન્ડર્ડ સોનાના રૂ. 2757 વધીને રૂ. 1,53,941ના મથાળે રહ્યા હતા. જોકે, આજે સ્થાનિક ફોરેક્સ માર્કેટમાં ડૉલર સામે રૂપિયામાં સુધારાતરફી વલણ રહેતાં આયાત પડતરો ઘટતાં સ્થાનિકમાં ભાવવધારો વિશ્વ બજારની સરખામણીમાં મર્યાદિત રહ્યો હતો. તેમ જ સોનામાં પણ રોકાણકારોની છૂટીછવાઈ રોકાણલક્ષી માગને બાદ કરતાં સાર્વત્રિક સ્તરેથી માગ નિરસ રહી હોવાના અહેવાલ હતા.
આજે લંડન ખાતે સત્રના આરંભે હાજરમાં સોનાના ભાવ ગઈકાલના બંધ સામે 0.9 ટકા વધીને આૈંસદીઠ 4425.83 ડૉલર અને ડિસેમ્બર ડિલિવરી વાયદામાં ભાવ 1.3 ટકા વધીને 4472 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા, જ્યારે હાજરમાં ચાંદીના ભાવ 0.5 ટકા વધીને આૈંસદીઠ 65.61 ડૉલર આસપાસ ક્વૉટ થઈ રહ્યા હતા.
અમેરિકી ફેડરલ રિઝર્વનાં નીતિવિષયક નિર્ણયો માટે અત્યંત સંવેદનશીલ એવા નોન ફાર્મ પૅ રૉલ ડેટાની આવતીકાલે (શુક્રવારે) મોડી સાંજે થનારી જાહેરાત પૂર્વે આજે ડૉલર ઈન્ડેક્સમાં નરમાઈ અને અમેરિકી ટ્રેઝરીની યિલ્ડ ઊંચી સપાટીએથી પાછી ફરતાં સોનાના સુધારાને ટેકો મળ્યો હોવાનું યુબીએસનાં વિશ્લેષક જિઓવન્ની સ્ટૂનોવોએ જણાવ્યું હતું.
નોંધનીય બાબત એ છે કે ગત શુક્રવારે અમેરિકી ફેડરલ રિઝર્વના અધ્યક્ષ કેવિન વાર્શે જેક્શન હૉલ ખાતેના વક્તવ્યમાં ફુગાવાને અંકુશમાં લાવવા માટે નક્કર પગલાં જરૂરી હોવાનું જણાવતાં ફેડરલ રિઝર્વ આગામી 15-16 સપ્ટેમ્બરની બેઠકમાં વ્યાજદરમાં વધારો કરે તેવી શક્યતા પ્રબળ બની હતી. આજે સીએમઈ ફેડ વૉચ ટૂલ પર બજાર વર્તુળો ફેડરલ દ્વારા વ્યાજદરમાં વધારો કરવામાં આવે તેવી 60 ટકા શક્યતા વ્યક્ત કરી રહ્યા હતા.
ગત ઑગસ્ટ મહિનામાં અમેરિકામાં ખાનગી રોજગારીમાં સાધારણ સુધારો થયો હોવાના અહેવાલો બાદ હવે આવતીકાલે જાહેર થનારા નોન ફાર્મ પૅ રૉલ ડેટાની બજાર પર બજારની નજર છે. જો નોન ફાર્મ પૅ રૉલ ડેટામાં રોજગારોની સંખ્યામાં અપેક્ષા કરતાં વધુ વધારો થયો તો વ્યાજદરમાં વધારાની શક્યતા નબળી પડશે અને સોનામાં સુધારો જોવા મળી શકે છે, એમ ટેસ્ટીલાઈવનાં ગ્લોબલ માઈક્રો હેડ ઈલ્યા સ્પિવિકે જણાવ્યું હતું.