Fri Sep 04 2026

Logo

શું નેપાળમાં ફરી આવશે જળપ્રલય? ચીનના અધિકારીએ વધુ ગ્લેશિયરો તૂટવાની આપી ચેતવણી

Bijig   2026-09-03 21:52:03
Author: Vimal Prajapati
શું નેપાળમાં ફરી આવશે જળપ્રલય? ચીનના અધિકારીએ વધુ ગ્લેશિયરો તૂટવાની આપી ચેતવણી

બેઇજિંગ: ચીનના એક વરિષ્ઠ ક્લાયમેન્ટ અધિકારીએ ચેતવણી આપી હતી કે તિબેટીયન ઉચ્ચપ્રદેશ પરના ગ્લેશિયરો અસ્થિર થાય તેવી સંભાવના છે.  તેનાથી વધુ ભૂસ્ખલન અને આ પ્રકારનો જળપ્રલય આવી શકે છે જેવો છેલ્લા સપ્તાહમાં તિબેટ-નેપાળ સરહદ પર આવેલા ભયંકર પૂર દરમિયાન આવ્યો હતો. નોંધનીય છે કે 26 ઓગસ્ટના રોજ નેપાળ-તિબેટ સરહદ નજીક બરફ અને પથ્થરો ખસવાથી આવેલા અચાનક પૂરે ઉત્તર અને મધ્ય નેપાળના શહેરો અને ગામડાઓને તબાહ કરી દીધા હતા, જેના કારણે ભારે વિનાશ થયો હતો અને સેંકડો લોકોના મોત થયા હતા.

માત્ર 60 વર્ષમાં લગભગ 7000 નાના ગ્લેશિયરો સંપૂર્ણપણે અદૃશ્ય

ચીનની સરકારી સંસ્થા ‘નેશનલ ક્લાઈમેન્ટ સેન્ટર’ના ડેપ્યુટી ડિરેક્ટર ગાઓ રોંગેએ કહ્યું હતું કે છેલ્લા 60 વર્ષોમાં તિબેટીયન ઉચ્ચપ્રદેશ પરના ગ્લેશિયરનું ક્ષેત્રફળ લગભગ 24 ટકા ઘટ્યું છે, જેમાં લગભગ 7000 નાના ગ્લેશિયરો સંપૂર્ણપણે અદૃશ્ય થઈ ગયા છે. જોકે હોંગકોંગ સ્થિત સાઉથ ચાઇના મોર્નિંગ પોસ્ટે ગાઓને ટાંકીને કહ્યું હતું કે આગળ જોતાં તિબેટીયન ઉચ્ચપ્રદેશ પરની હિમનદીઓની માળખાકીય સ્થિરતામાં વધુ ઘટાડો થશે. ગ્લેશિયરોની આફતો વધુ વારંવાર બનવાની સંભાવના છે અને વિનાશમાં વધારો થઈ શકે છે.

નેપાળમાં વિનાશક પૂરને કારણે મૃત્યુઆંક વધીને 1252 થયો

 બુધવારે ચીની અધિકારીઓ દ્વારા જાહેર કરાયેલા આંકડા અનુસાર, નેપાળ સરહદની તિબેટ બાજુએ ગિયિરોંગ બંદર પર ગયા અઠવાડિયે આવેલા અચાનક પૂરમાં 21 લોકો મૃત્યુ પામ્યા હતા અને 541 લોકો ગુમ થયા હતા. સરકારી ન્યૂઝ એજન્સી શિન્હુઆએ કહ્યું કે, 30 ઓગસ્ટના રોજ જાહેર કરાયેલા આંકડા મુજબ, ગુમ થયેલા લોકોમાં 261 વિદેશીઓનો સમાવેશ થાય છે, જેમાં 49 ભારતીય અને 22 અન્ય દેશોના લોકોનો સમાવેશ થાય છે. નેપાળમાં ગુરુવારે વિનાશક પૂરને કારણે મૃત્યુઆંક વધીને 1252 થયો છે કારણ કે અસરગ્રસ્ત વિસ્તારોમાંથી વધુ મૃતદેહો મળી આવ્યા છે.

વધુ એક સરકારી સંસ્થા ચાઈનીઝ એકેડમી ઓફ સાયન્સિસના ઈન્સ્ટિટ્યૂટ ઓફ તિબેટીયન પ્લેટુ રિસર્ચએ તાજેતરમાં આવેલા પૂર પરના પોતાના રિપોર્ટમાં કહ્યુ કે ગ્લેશિયર ખસવાથી સર્જાયેલ કાદવ ભૂસ્ખલન ખીણમાં 22 કિમીનું અંતર કાપ્યું હતું અને માત્ર સાત મિનિટમાં તિબેટ સરહદ ક્રોસિંગ પર ગૈરોંગ બંદર પર પહોંચ્યું હતું.