સંકલન: સ્મૃતિ શાહ મહેતા
દુનિયામાં કોઇ પણ વ્યક્તિ એવી નહીં હોય કે, જેને જીવનમાં કયારેય તાવ આવ્યો જ નહીં હોય, તાવ એ સર્વત્ર વ્યાપક વ્યાધિ છે, પરંતુ ખરી રીતે જોતા તાવ એ શરીરમાં જમા થયેલ વધારાનાં ઝેરી તત્ત્વો બહાર કાઢવાની એક પ્રક્રિયા છે, પરંતુ આજકાલ આપણે તાવથી એટલા બધા ભયભીત થઇ જઇએ છીએ કે, તાવ આવવાની સાથે જ તેનાથી બચવા માટે તરત જ દવાઓનો આશરો લઇ શરીર પર દવાઓનું આક્રમણ કરીએ છીએ, જેનાથી બે નુકસાન થાય છે.
1. આપણી રોગપ્રતિકારકશક્તિ ગમે તેવા રોગ સામે લડવા માટે કુદરતી રીતે સક્ષમ છે. તેમ જ તે બહારથી શરીરમાં આવેલ ગમે તેવા જીવાણુઓ, (Bacteria) વિષાણુ (Virus) કે ચેપી જંતુઓ (Parasites)નો નાશ કરવા માટે કૃત્રિમ દવાઓ કરતાં અનેકગણી તાકાત ધરાવે છે. આપણું લીવર જ અનેક દવાઓ ઉત્પન્ન કરતી રાસાયણિક ફેકટરી છે, પરંતુ આપણે ભગવાનની આ અદ્ભુત ભેટનો બહિષ્કાર કરીને માત્ર બાહ્ય દવાઓથી તાવને રોકવા મથીએ છીએ, પરંતુ આ જ દવાઓ રોગપ્રતિકારકશક્તિને કોઇ પણ પ્રકારના રોગ સામે લડવા માટે સક્ષમ રહેવા દેતી નથી.
(2) આયુર્વેદના મતે ચેપ (ઇન્ફેકશન)થી શરીરમાં તાવ અમુક સમયે જ થતો હોય છે, પરંતુ મોટા ભાગે તાવ રસધાતુમાં ભેગા થયેલ ‘આમ’ (ઝેરી તત્ત્વો)ના કારણે જ થાય છે.
मिथ्याहारविहाराभ्यां दोषा ह्यामाशयाश्रया :|
बहिर्निरस्य कोष्ठाग्निं ज्वरदा : स्यू रसानुगा :॥
- माधवनिदान २-२
અર્થાત્ : મિથ્યા આહાર-વિહારથી પ્રકુપિત થયેલા દોષો આમાશયમાં આશ્રય કરીને રસની સાથે સંપૂર્ણ શરીરમાં જાય છે અને કોષ્ઠાગ્નિને બહાર કાઢીને જવરની ઉત્પતિ કરે છે.
શરીરમાંથી જેવા આ ઝેરી તત્ત્વો બહાર નીકળી જાય કે તરત જ તાવ શમી જાય છે, પરંતુ આપણે દવાઓના અતિરેકથી માત્ર તાવના બાહ્ય લક્ષણોને દૂર કરતા હોઇએ છીએ; તેથી શરીરમાં ભેગો થયેલો ‘આમ’ તો એમને એમ જ રહે છે. આ કારણે તે સંચિત થયેલો ‘આમ’ ફરી ગમે ત્યારે તાવ જેવી કોઇ પણ બીમારીરૂપે પ્રગટ થાય છે.
આવી રીતે ‘આમ’ના કારણે તાવ આવે તે દરમિયાન આહાર લેવામાં વિવેક હોવો જોઇએ, તે વિવેક વિના આહાર લેવામાં આવે તો તે આહાર જ શરીરમાં જમા થયેલ ‘આમ’ને દૂર કરવામાં નડતરરૂપ થાય છે. કેમ કે, આહારને લીધે તો શરીરમાં, ‘આમ’ બન્યો હોય છે...! માટે તાવ આવે ત્યારે આહાર લેવામાં જણાવ્યા મુજબ વિવેક રાખવો.
તાવમાં આહાર સંબંધી વિવેક
- તાવનો પ્રાથમિક ઉપચાર તો શરીરને આહારથી દૂર રાખી ઉપવાસ કરવો તે છે.
અર્થાત્ : તાવમાં પ્રથમ ઉપવાસ કરવો, મધ્યમાં પાચન કરવું (યોગ્ય પાચન થાય તેવો હળવો આહાર લેવો) અને તાવના અંતમાં રેચન આપવું (પેટ સાફ કરવું)- આ તાવની ચિકિત્સા છે, એમ કહેલું છે.
- ઉપવાસથી શરીર જેવું ‘આમ’ રહિત થાય છે, તેવું અન્ય કોઇ ઉપચારોથી થતું નથી.
- જો કોઇ પણ કારણોસર ઉપવાસ ન થઇ શકે તો સૂપ અને ફળોના રસ ઉપર રહેવું, લીંબુ અને મીઠાયુક્ત પાણી એકદમ ઓછી ખાંડ નાખીને લઇ શકાય.
- તાવ દરમિયાન ગરમ કરેલું હૂંફાળું પાણી જ પીવું.
- મેંદાની વાનગીઓ, ચરબીવાળા, ગળ્યાં, તીખા કે તળેલા પદાર્થો તેમ જ ઠંડાં પીણા વગેરેનો સદંતર ત્યાગ કરવો.
- દારૂ, ચા, કોફી, સોડા વગેરે નશીલા પદાર્થોનો પણ ત્યાગ કરવો જોઇએ.
- તાવ ઉતર્યા બાદ પ્રથમ બે દિવસ મગનું ઓસામણ કે સૂપ લેવું. ત્યાર પછી અર્ધપ્રવાહી આહાર લેવો અને તે પછી નક્કર ખોરાક લેવાની શરૂઆત કરવી.
સાવધાની...
તાવનું યોગ્ય નિદાન કરાવ્યા બાદ અહીં આપેલ પ્રાથમિક ઉપચારોનો ઉપયોગ કરવો. જો વધુ પ્રમાણમાં તાવ હોય તો ચિકિત્સકના માર્ગદર્શન પ્રમાણે સારવાર કરવી.