રાજેશ યાજ્ઞિક
આરોગ્યની વાત આવે ત્યારે મોટાભાગે આપણે શરીરમાં વિટામિન કે ખનિજોની ઊણપ વિશે જ વાત કરીએ છીએ, પણ કહેવાય છે કે ક્યારેક કેટલીક વસ્તુનો વધારો પણ જોખમી હોઈ શકે છે તેવી રીતે શરીરમાં પણ કેટલાંક તત્ત્વોનો જો વધારો થાય તો તે પણ આરોગ્ય માટે જોખમી બની શકે છે.
કેલ્શિયમ એક એવું ખનીજ છે કે જેની આપણા શરીરને ખૂબ જરૂર હોય છે. કેલ્શિયમ એ આપણા શરીરના સૌથી મહત્ત્વપૂર્ણ અને સામાન્ય ખનિજોમાંનું એક છે. શરીરનું મોટાભાગનું કેલ્શિયમ હાડકાંમાં સંગ્રહિત હોય છે, પરંતુ લોહીમાં પણ કેલ્શિયમની જરૂર રહે છે.
જોકે આજે આપણે વાત કરીએ શરીરમાં વધારે પડતા કેલ્શિયમની શું અસર થાય છે એની. તબીબી ભાષામાં તેને ‘હાઈપરકેલ્સેમિયા’ (hypercalcemia) કહે છે. હાયપરકેલ્સેમિયા ત્યારે થાય છે જ્યારે આપણા લોહીમાં કેલ્શિયમનું પ્રમાણ સામાન્ય કરતાં વધી જાય. હાયપરકેલ્સેમિયા હળવું કે ગંભીર અને કામચલાઉ કે દીર્ઘકાલીન (આજીવન) હોઈ શકે છે.
પેરાથાઇરોઇડ હોર્મોન અને કેલ્સિટોનિન નામના બે હોર્મોન્સ આપણા લોહી અને હાડકાંમાં કેલ્શિયમના સ્તરનું નિયંત્રણ કરે છે. કેલ્શિયમનું સ્તર જાળવી રાખવામાં વિટામિન ડી પણ મહત્ત્વની ભૂમિકા ભજવે છે, કારણ કે આપણે જે ખોરાક લઈએ છીએ તેમાંથી કેલ્શિયમનું શોષણ કરવા માટે આપણા શરીરને તેની જરૂર હોય છે.
સામાન્ય રીતે શરીર લોહીમાં કેલ્શિયમના સ્તરનું કાળજીપૂર્વક નિયંત્રણ કરે છે, પરંતુ અમુક દવા અને સ્વાસ્થ્યની સ્થિતિઓને કારણે લોહીમાં કેલ્શિયમનું સ્તર વધી શકે છે (હાઈપરકેલ્સેમિયા) વધી ગયેલા કેલ્શિયમની અસર લોહીમાં વધુ પડતું કેલ્શિયમ, હાડકાંને નબળા બનાવી શકે છે, હૃદયની લયમાં વિક્ષેપ પાડી શકે છે અને કિડનીના કાર્યને બગાડી શકે છે.
હૃદય પર અસર
લોહીમાં કેલ્શિયમનું ઊંચું પ્રમાણ, જે ઘણીવાર સ્વાસ્થ્ય પૂરક તત્ત્વોના વધુ પડતા ઉપયોગને કારણે હોય છે, તેને કારણે રક્તવાહિનીઓમાં કેલ્શિયમ જમા થઇ જાય છે. આ કેલ્સીફિકેશન ધમનીઓને સખત બનાવે છે અને તેમની વિસ્તરવાની ક્ષમતા ઘટાડે છે, જેના કારણે આપણા હૃદયને વધુ મહેનત કરવી પડે છે અને બ્લડ પ્રેશર વધે છે. કેલ્શિયમ કોલેસ્ટ્રોલ સાથે ભળીને કોરોનરી ધમનીઓમાં સખત તકતીઓ બનાવે છે. આ ધમનીઓ સાંકડી થવાથી હૃદયના સ્નાયુમાં લોહીનો પ્રવાહ મર્યાદિત થાય છે. જો એ તકતી ફાટી જાય તો તે હૃદયરોગનો હુમલો અથવા સ્ટ્રોકનું કારણ બની શકે છે. કેલ્શિયમ અને હૃદય રોગ પરના સંશોધનમાં જણાવે છે કે કેવી રીતે વધારાનું પરિભ્રમણ કેલ્શિયમ આ પ્રક્રિયાને વેગ આપે છે.
કિડની
કિડનીને વધુ સમય કામ કરવા દબાણ કરે છે, જેના કારણે તીવ્ર તરસ, વારંવાર પેશાબ, ડિહાઇડ્રેશન અને કિડનીમાં પથરી થાય છે.
પાચન તંત્ર
આંતરડાની ગતિશીલતા ધીમી કરે છે, જેના કારણે ઉબકા, ઉલટી, ભૂખ ન લાગવી અને કબજિયાત થાય છે.
મગજ અને ચેતા (નર્વ્સ)
ચેતા સંકેતોને અવરોધે છે, જેના પરિણામે થાક, મગજમાં બહેર મારી જવું, મૂંઝવણ, હતાશા અને સ્નાયુઓની નબળાઈ થાય છે.
હાડકાં
ઘણીવાર હાડકાંમાંથી કેલ્શિયમ નીકળી જવાને કારણે આ સ્થિતિ સર્જાય છે, જેનાથી હાડકામાં દુખાવો અને બંધારણીય નબળાઈ આવે છે.
હાઈપરકેલ્સેમિયાના કારણ
શરીરમાં પાણીની કમી હોય તો શરીરમાં પ્રવાહીનું પ્રમાણ ઓછું હોવાથી લોહીમાં કેલ્શિયમની સાંદ્રતા (Concentration) વધી શકે છે. જે લોકો શારીરિક પ્રવૃત્તિ ઓછી કરતાં હોય અને આળસુ થઈને પડ્યા રહેતા હોય તેમને પણ તકલીફ થઇ શકે. હાઇપર થાઇરોડિઝ્મ પણ એક કારણ બની શકે છે.
નિવારણ
હાઈપરકેલ્સેમિયાના મોટાભાગનાં કારણોને અટકાવી શકાતા નથી. હાઈપરકેલ્સેમિયાનાં લક્ષણો ધરાવતી કોઈપણ વ્યક્તિએ તેમના લોહીમાં કેલ્શિયમનું સ્તર તપાસતા રહેવું જોઈએ. કેલ્શિયમથી ભરપૂર આહાર લેવાથી સમસ્યા નથી થતી, પણ મૂળભૂત રીતે કેલ્શિયમ સપ્લિમેન્ટ્સ લેતા પહેલા તબીબની સલાહ લેવી જોઈએ અને શરીરમાં કેલ્શિયમનું સ્તર પણ નિયમિત ચકાસતા રહેવું જરૂરી છે. તબીબો સમસ્યાની ગંભીરતા અનુસાર તેનો ઈલાજ કરી શકે છે.
ડોક્ટરને ક્યારે મળવું?
જો તમને અતિશય તરસ, વારંવાર પેશાબ, થાક, મૂંઝવણ, પેટમાં દુખાવો અથવા સ્નાયુઓની નબળાઇ જેવા કોઈપણ હાઇપરકેલ્સેમિયાનાં લક્ષણોનો અનુભવ થાય તો તાત્કાલિક તમારા ડોક્ટરનો સંપર્ક કરો. હાઇપરકેલ્સેમિયાનું વહેલું નિદાન અને યોગ્ય સારવાર જટિલતાઓને અટકાવી શકે છે અને પરિણામમાં સુધારો કરી શકે છે.