Sat Oct 03 2026

Logo

'જ્ઞાનુ રિઝાઈન'ના નારાથી હલી ગયું શિવાજી પાર્કઃ સીજેપીના વિરોધમાં યુવાનોએ વિસ્તારને બાનમાં લીધો

2026-10-02 20:02:56
Author: Mumbai Samachar Team
'જ્ઞાનુ રિઝાઈન'ના નારાથી હલી ગયું શિવાજી પાર્કઃ સીજેપીના વિરોધમાં યુવાનોએ વિસ્તારને બાનમાં લીધો

મુંબઈ: મહાત્મા ગાંધીની જન્મજયંતીના દિવસે મુંબઈના શિવાજી પાર્કમાં કોકરોચ જનતા પાર્ટી (સીજેપી)ના આંદોલન દરમિયાન મોટી સંખ્યામાં યુવાનો એકઠા થયા હતા. ભારે ગરમી અને પોલીસ બેરિકેડ મૂકવા છતાં પ્રદર્શનકારીઓએ ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર (સીઈસી) જ્ઞાનેશ કુમાર (જ્ઞાનુ)ના રાજીનામાની માંગ સાથે જોરદાર સૂત્રોચ્ચાર કર્યા હતા. હાથમાં તિરંગા, પ્લેકાર્ડ અને વ્યંગાત્મક મીમ્સ સાથે પહોંચેલા પ્રદર્શનકારીઓએ સમગ્ર વિસ્તારને નારાઓથી ગુંજાવી દીધો હતો.

'જ્ઞાનેશ બ્રો, જસ્ટ રિઝાઈન' અને 'ગદ્દાર જ્ઞાનુ મસ્ટ ગો'

આંદોલન દરમિયાન 'જ્ઞાનું, તુજા ડેમોક્રેસી વર ભરોસા નાય કાય?', 'જ્ઞાનેશ બ્રો, જસ્ટ રિઝાઈન' અને 'ગદ્દાર જ્ઞાનુ મસ્ટ ગો' જેવા સંદેશાવાળા પોસ્ટર જોવા મળ્યા હતા. એસએફઆઈ સહિતના વિદ્યાર્થી સંગઠનો સાથે જોડાયેલા યુવાનો પણ મોટી સંખ્યામાં પહોંચ્યા હતા. કેટલાક પ્રદર્શનકારીઓએ ફિલ્મી સંવાદો અને વ્યંગાત્મક સંદેશાઓનો ઉપયોગ કરીને સીઈસી સામે પોતાની માંગ રજૂ કરી હતી. . 

'ચલે જાઓ', 'વાપસ દો' અને 'બંધ કરો'ના નારા લગાવ્યા 

આ વિરોધમાં અલગ પ્રકારના પ્રોપ્સ પણ જોવા મળ્યા હતા. સાયનના વિદ્યાર્થી મનીષ મંડલે ‘મેલોડી’ ચોકલેટના રેપરથી બનાવેલા ઘરેણાં પહેરીને વિરોધ નોંધાવ્યો હતો અને તેના હાથમાં દેવનાગરી લિપિમાં 'ફ્રોડ ડિટર્જન્ટ પાવડર' લખેલું બેનર હતું. પુણેમાંથી આવેલા એઆઈએસએફ સાથે જોડાયેલા જૂથોએ સંગીતનાં સાધનો વગાડીને પ્રદર્શનને અલગ રંગ આપ્યો હતો. તેમની આગેવાનીમાં 'ચલે જાઓ', 'વાપસ દો' અને 'બંધ કરો'  જેવા નારા લગાવવામાં આવ્યા હતા.

બપોરથી શિવાજી પાર્કના પ્રવેશદ્વારો જામ થયા

વિરોધ પ્રદર્શનના મંચ પર મહાત્મા ગાંધીના અહિંસા અને સાદગીના વિચારો સાથે જોડાયેલા અવતરણો મૂકવામાં આવ્યા હતા. સાથે જ બાબાસાહેબ આંબેડકરને પણ શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. જોકે કાર્યક્રમનો નિર્ધારિત સમય સાંજે 4 વાગ્યાનો હતો, પરંતુ સીજેપીના કાર્યકરો અને અન્ય પ્રદર્શનકારીઓ બપોરથી જ શિવાજી પાર્કના પ્રવેશદ્વારો પાસે એકઠા થવા લાગ્યા હતા. પોલીસ દ્વારા સેના ભવન આસપાસ વાહનવ્યવહાર પર નિયંત્રણ મૂકીને બેરિકેડ્સ ગોઠવવામાં આવ્યા હતા.

પ્રદર્શનને ધ્યાનમાં રાખીને સુરક્ષા વ્યવસ્થા પણ કડક કરવામાં આવી હતી. દાદર સ્ટેશન સુધી પોલીસ બંદોબસ્ત વધારવામાં આવ્યો હતો. સરકારી રેલવે પોલીસ (જીઆરપી) અને રેલવે પ્રોટેક્શન ફોર્સ (આરપીએફ)એ પણ દાદર રેલવે સ્ટેશન પર વધારાના જવાનો તૈનાત કર્યા હતા, જેથી વિરોધને કારણે મુસાફરો અને ટ્રેન વ્યવહારને અસર ન થાય.

આદેશો સામે વાંધા નોંધાવ્યા આવ્યા

સીજેપીએ સીઈસી જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ તાજેતરના મીડિયા અહેવાલોને પગલે ઉઠાવી છે. અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે ચૂંટણી કમિશનર સુખબીર સિંહ સંધુ અને વિવેક જોશીએ 10 મહિનાના સમયગાળામાં ઓછામાં ઓછા 14 વખત મતદાર યાદીની સ્પેશ્યલ ઇન્ટેન્સિવ રિવિઝન (એસઆઈઆર) સહિતના નિર્ણયો અને આદેશો સામે વાંધા નોંધાવ્યા હતા. કેટલાક નિર્ણયો તેમની જાણકારી વિના જારી થયા હોવાનો પણ અહેવાલોમાં ઉલ્લેખ હતો. 

જોકે ચૂંટણી પંચે આ દાવાઓ અંગે સ્પષ્ટતા કરતાં કહ્યું છે કે કમિશનના તમામ અંતિમ નિર્ણયો, જેમાં એસઆઈઆર સંબંધિત નિર્ણયો પણ સામેલ છે, ત્રણેય ચૂંટણી કમિશનરોની સર્વસંમતિથી લેવામાં આવ્યા હતા. ચૂંટણી પંચે એ પણ જણાવ્યું છે કે કમિશનના આંતરિક નિર્ણય પ્રક્રિયામાં વ્યક્તિગત અભિપ્રાય અથવા સૂચનો હોવા સ્વાભાવિક છે અને તેને અંતિમ નિર્ણયમાં મતભેદ તરીકે જોવો યોગ્ય નથી.

હંગામાને કારણે લોકોની હાલાકીમાં વધારો

શિવાજી પાર્કના આ આંદોલનમાં સીજેપીના પ્રસ્તાવિત આંદોલન પહેલા સ્થાનિકોના વિરોધને લઈને પણ પરિસ્થિતિ ગરમાઈ હતી. સ્થાનિકોના જણાવ્યા અનુસાર, વારંવાર થતા આંદોલનોના કારણે વિસ્તારની શાંતિનો ભંગ થાય છે. સ્થાનિકોએ કહ્યું કે શિવાજી પાર્ક આસપાસ શાંત વાતાવરણ રહેવું જોઈએ. અહીંયા ભીડ એકઠી થવી અને હંગામાંથી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. 

પરવાનગી વિના આંદોલન કરતા સ્થાનિકો લાલઘૂમ

સ્થાનિકોનું કહેવું છે કે પોલીસે અહીંયા આંદોલન માટે પરવાનગી આપી નથી છતાં આંદોલન કરવામાં આવે છે, લોકોએ પોલીસને વિસ્તારમાં શાંતિ વ્યવસ્થા જાળવવા માટે અપીલ કરી હતી. બીજી તરફ મુંબઈ બાદ સીજેપીએ અન્ય શહેરોમાં આંદોલન કરવાની જાહેરાત કરી છે. મુંબઈ બાદ ગોવા, કોલકાત્તા, પટના, ઉત્તર પ્રદેશ અને બેંગ્લુરુમાં પણ પ્રદર્શન કરવાની વાત કરી હતી.   

તો ઓક્ટોબરના અંતમાં જંતરમંતર ખાતે આંદોલન

સીજેપીએ આ આંદોલન બીજુ હતું. સીજેપી નેતા અભિજીત દીપકેએ પ્રેસ ક્લબમાં પ્રેસ કોન્ફરન્સ કરી હતી, જેમાં તેણે જણાવ્યું હતું કે જો ચૂંટણી પંચના મુખ્ય ચૂંટણી કમિશનર જ્ઞાનેશ કુમાર રાજીનામું નહીં આપે તો ઓક્ટોબરના અંતે તેઓ જંતર-મંતર પર આંદોલન કરશે. દીપકેએ સીજેપીની ત્રણ માંગો વિશે જણાવ્યું હતું, જેમાં પહેલી માંગ મુખ્ય ચૂંટણી કમિશનરના રાજીનામાં કરી હતી. 

બીજી માંગમાં એસઆઇઆર દરમિયાન હટાવવામાં આવેલા મતદારોના નામ ફરી યાદીમાં જોડવામાં આવે ત્રીજી માંગમાં મુખ્ય ચૂંટણી કમિશનરની નિયુક્તિની પ્રક્રિયામાં પારદર્શકતા લાવવામાં આવે. દીપકેએ આગળ જણાવ્યું કે આંદોલન માટે પરવાનગી મળી ન હોવા છતાં સીજેપી પ્રદર્શન કરશે.