Tue Oct 06 2026

Logo

ભારતીય પાયલોટ સ્મિત મચ્છરને 'અશોક ચક્ર' એનાયત કરવાની માંગ

2026-10-02 20:35:22
Author: Chandrakant Kanoja
ભારતીય પાયલોટ સ્મિત મચ્છરને 'અશોક ચક્ર' એનાયત કરવાની માંગ

દુબઈથી તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટમાં  હુમલા છતાં  ફ્લાઇટને દુર્ઘટનાગ્રસ્ત થતી અટકાવનાર ભારતીય પાયલોટ સ્મિત મચ્છરને 'અશોક ચક્ર' એનાયત કરવાની માંગણી ઉઠી છે.

શિવસેનાના રાજ્યસભા સાંસદ મિલિંદ દેવરાએ માંગ કરી 

આ અંગે શિવસેનાના રાજ્યસભા સાંસદ મિલિંદ દેવરાએ વડાપ્રધાન મોદીને પત્ર લખીને કેપ્ટન સ્મિત મચ્છરને પ્રતિષ્ઠિત 'અશોક ચક્ર' એનાયત કરવાની વિનંતી કરી છે. મુંબઈમાં જન્મેલા આ પાયલટે દુબઈથી ઈઝરાયેલના તેલ અવીવ જઈ રહેલી ફ્લાયદુબઈની ફ્લાઈટમાં હવામાં સર્જાયેલી ગંભીર કટોકટી દરમિયાન અસાધારણ સાહસનું પ્રદર્શન કર્યું હતું.

મિલિંદ દેવરાએ કેપ્ટન સ્મિત મચ્છરના વખાણ કર્યા

મહારાષ્ટ્રના નાયબ મુખ્યમંત્રી એકનાથ શિંદે અને શિવસેના વતી 'X' પર પત્ર શેર કરતા, મિલિંદ દેવરાએ કેપ્ટન સ્મિત મચ્છરના વખાણ કર્યા અને તેમને "મુંબઈના પુત્ર" તરીકે સંબોધ્યા છે. આ પત્રમાં દેવરાએ ઉલ્લેખ કર્યો છે કે આકાશમાં અકલ્પનીય પડકારનો સામનો કરતી વખતે કેપ્ટન મચ્છરે પોતાની સુરક્ષા કરતાં અન્યના જીવનને પ્રાથમિકતા આપી અને ગંભીર રીતે ઘાયલ હોવા છતાં પોતાની ફરજ બજાવવાનું ચાલુ રાખ્યું. દેવરાએ જણાવ્યું હતું કે આ કાર્ય સાહસ, નિઃસ્વાર્થ ભાવના અને ફરજ પ્રત્યેની નિષ્ઠાનું સર્વોચ્ચ ઉદાહરણ પૂરું પાડે છે.

લેખિકા શેફાલી વૈદ્યે પણ પોસ્ટ કરીને અશોક ચક્રની માંગ કરી 

આ ઉપરાંત  લેખિકા શેફાલી વૈદ્યે એક પોસ્ટમાં વડાપ્રધાન મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહને ટેગ કરતા જણાવ્યું હતું કે, "જો આ વર્ષે કોઈ 'અશોક ચક્ર' માટે હકદાર હોય, તો તે કેપ્ટન સ્મિત મચ્છર છે. પોતે ગંભીર રીતે ઘાયલ હોવા છતાં, 'ફ્લાયદુબઈ'ના આ બહાદુર પાયલોટે 200 મુસાફરોના જીવ બચાવ્યા હતા.

ફેડરેશન ઓફ ઈન્ડિયન પાઈલટ્સે પત્ર લખી પુરસ્કારની માંગણી કરી 

જ્યારે 'ફેડરેશન ઓફ ઈન્ડિયન પાઈલટ્સ' દ્વારા વડાપ્રધાન કાર્યાલયને પત્ર લખીને કેપ્ટન સ્મિત મચ્છર માટે પુરસ્કારની માંગણી કરવામાં આવી છે. આ પત્રમાં ફેડરેશને વડાપ્રધાન કાર્યાલયને વિનંતી કરી છે કે તેઓ ફ્લાયદુબઈના પાઈલટ કેપ્ટન સ્મિત મચ્છરને યોગ્ય રાષ્ટ્રીય વીરતા પુરસ્કાર અથવા રાષ્ટ્રીય નાગરિક સન્માન એનાયત કરવા અંગે વિચારણા કરે.

કેપ્ટન સ્મિત 'અશોક ચક્ર'ના હકદાર

ભારતના પ્રથમ 'બ્લેટ રનર' અને લિમકા તથા રાષ્ટ્રીય પુરસ્કાર  વિજેતા મેજર ડી.પી. સિંહે પણ 'X પર લખ્યું છે કે કેપ્ટન સ્મિત 'અશોક ચક્ર'ના હકદાર છે. જે  સર્વોચ્ચ વીરતા પુરસ્કાર છે. નીરજા ભનોતને વર્ષ 1987માં મરણોત્તર આ જ સન્માન આપવામાં આવ્યું હતું.