વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. 5353 કરોડની વેચવાલી સામે સ્થાનિક ફંડોની રૂ. 5189 કરોડની ખરીદી
(વાણિજ્ય પ્રતિનિધિ તરફથી)
મુંબઈઃ વૈશ્વિક સ્તરે ભૂરાજકીય જોખમોમાં વધારો થતાં બે્રન્ટ ક્રૂડ તેલના ભાવ વધીને બેરલદીઠ 108 ડૉલરની સપાટી પર પહોંચતા આજે વૈશ્વિક બજારો ગબડતાં સ્થાનિક ઈક્વિટી માર્કેટમાં પણ ઑલ ફોલ ડાઉનનું વલણ જળવાઈ રહેતાં બૉમ્બે સ્ટોક એક્સચેન્જનો 30 શૅરનો બૅન્ચમાર્ક સેન્સેક્સ 1124.02 પૉઈન્ટ પટકાઈને છ મહિનાના તળિયે પહોંચ્યો હતો અને નેશનલ સ્ટોક એક્સચેન્જનો 50 શૅરનો બૅન્ચમાર્ક નિફ્ટી વધુ 360.25 પૉઈન્ટ ગબડીને 23,000ની સપાટીની અંદર ઊતરી ગયો હતો.
વધુમાં આજે વિદેશી સંસ્થાકીય રોકાણકારોની રૂ. 9047.56 કરોડની ખરીદી સામે રૂ. 14,400.78 કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. 5353.22 કરોડની ચોખ્ખી વેચવાલી રહી હતી, જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની રૂ. 15,918.32 કરોડની ખરીદી સામે રૂ. 10,729.30 કરોડની વેચવાલી રહેતાં કુલ રૂ. 5189.02 કરોડની ખરીદી રહી હોવાનું એક્સચેન્જની આંકડાકીય માહિતી પરથી જાણવા મળ્યું છે.
આજે બીએસઈ બૅન્ચમાર્ક સેન્સેક્સ આગલા 73,895.74ના બંધ સામે નરમાઈના અન્ડરટોને 73,734.83ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 72,716.23 અને ઉપરમાં 73,740.85ની રેન્જમાં રહીને અંતે આગલા બંધ સામે 1.52 ટકા અથવા તો 1124.02 પૉઈન્ટ ઘટીને ગત 30મી માર્ચ, 2026 પછીની નીચી 72,771.72ની સપાટીએ બંધ રહ્યો હતો. તે જ પ્રમાણે નેશનલ સ્ટોક એક્સચેન્જનો બૅન્ચમાર્ક નિફ્ટી ગત શુક્રવારના 23,140.50ના બંધ સામે 23,064.90ની સપાટીએ ખૂલ્યા બાદ સત્ર દરમિયાન નીચામાં 22,762.20 અને ઉપરમાં 23,080.25ની રેન્જમાં રહીને અંતે આગલા બંધ સામે 1.56 ટકા અથવા તો 360.25 પૉઈન્ટ ઘટીને 22,780.25ના મથાળે રહ્યો હતો. આમ નિફ્ટીએ આજે 22,800ની સપાટી પણ ગુમાવી હતી. આજે સેન્સેક્સ હેઠળના 30 શૅર પૈકી એકમાત્ર ઈન્ફોસિસમાં 0.20 ટકાનો સુધારો આવ્યો હતો. આ સિવાયના તમામ 29 શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા. તેમ જ નિફ્ટી હેઠળના 50 શૅર પૈકી માત્ર ત્રણ શૅરના ભાવ વધીને બંધ રહ્યા હતા અને 47 શૅરના ભાવ ઘટીને બંધ રહ્યા હતા.
એકંદરે ભૂરાજકીય તણાવમાં થયેલા વધારાની સાથે ક્રૂડ તેલના ભાવ વધી આવતાં વૈશ્વિક અર્થતંત્રો પર તેની માઠી અસર પડે તેવી ભીતિ હેઠળ રોકાણકારોએ આજે સાવચેતીનો અભિગમ અપનાવતા બજાર પર મંદીવાળાની પકડ મજબૂત રહી હતી. અમેરિકાએ ઈરાનના શાંતિ પ્રસ્તાવને નકારી દેતાં રાજદ્વારી સ્તરે વિવાદનો ઉકેલ આવે તેવી શક્યતા મંદ પડી હતી અને પશ્ચિમ એશિયામાં તણાવનો સમયગાળો વધુ રહે તેમ જણાતા પુરવઠા સ્થિતિ વિક્ષેપિત થવાની ભીતિ હેઠળ ક્રૂડતેલના ભાવ વધી આવતાં બજાર વધુ દબાણ હેઠળ આવી હોવાનું જિઓજીત ઈન્વેસ્ટમેન્ટ લિ.નાં રિસર્ચ હેડ વિનોદ નાયરે જણાવ્યું હતું.
તે જ પ્રમાણે ઓનલાઈન વૅલ્થ ટેક કંપની એનરિચ મનીનાં ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર પોન્મુડી આરએ જણાવ્યું હતું કે ક્રૂડ તેલના ભાવમાં વધારો અને ભૂરાજકીય અનિશ્ચિતતામાં વધારો થવાથી ભારતીય ઈક્વિટી માર્કેટમાં ઓલરાઉન્ડ વેચવાલીનું દબાણ જોવા મળ્યું હતું. વધુમાં એચએસટી વૅલ્થ નાં સ્થાપક અને ચીફ એક્ઝિક્યુટીવ ઑફિસર હરિસેલ્વન રાધાકૃષ્ણને જણાવ્યું હતું કે ગત સપ્તાહના અંતે ઈરાનના પ્રસ્તાવને અમેરિકાએ નકાર્યા બાદ ક્રૂડ તેલના ભાવમાં જોવા મળેલો વધારો, અમેરિકી ટ્રેઝરીની યિલ્ડમાં અને ડૉલર ઈન્ડેક્સમાં મજબૂત વલણ રહેતાં સ્થાનિકમાં હેવી વેઈટ શૅરો ઉપરાંત બૅન્કિંગ ક્ષેત્રના શૅરોમાં વ્યાપક વેચવાલીનું દબાણ રહેતાં બજારમાં મોટો કડાકો જોવા મળ્યો છે.
આજે બીએસઈ ખાતે કુલ 4717 શૅરમાં કામકાજ થયા હતા, જેમાંથી 1271 શૅરના ભાવ વધીને, 3218 શૅરના ભાવ ઘટીને અને 228 શૅરના ભાવ ટકેલા ધોરણે બંધ રહ્યા હતા. તેમ જ આજે 165 શૅરના ભાવ બાવન સપ્તાહની ટોચે અને 198 શૅરના ભાવ બાવન સપ્તાહના તળિયે પહોંચ્યા હતા. આજે સેન્સેક્સ હેઠળના મુખ્ય ઘટનાર શૅરોમાં સૌથી વધુ 2.81 ટકાનો ઘટાડો લાર્સન ઍન્ડ ટૂબ્રોમાં જોવા મળ્યો હતો. ત્યાર બાદ અનુક્રમે પાવરગ્રીડ કોર્પોરેશનમાં 2.62 ટકાનો, અદાણી પોર્ટસમાં 2.38 ટકાનો, એચડીએફસી બૅન્કમાં 2.30 ટકાનો, હિન્દુસ્તાન યુનીલિવરમાં 2.27 ટકાનો અને રિલાયન્સમાં 2.24 ટકાનો ઘટાડો આવ્યો હતો. આજના સાર્વત્રિક સ્તરેથી ઘટાના માહોલમાં બીએસઈ સ્મોલકેપ સિલેક્ટ ઈન્ડેક્સ 1.90 ટકા અને મિડકેપ સિલેક્ટ ઈન્ડેક્સ 1.39 ટકા ઘટ્યો હતો.
વધુમાં આજે બીએસઈ ખાતેના તમામ સેક્ટોરિયલ ઈન્ડેક્સ ઘટાડા સાથે બંધ રહ્યા હતા. જેમાં સૌથી વધુ પીએસયુ બૅન્ક ઈન્ડેક્સમાં 3.25 ટકાનો, પાવર ઈન્ડેક્સમાં 2.30 ટકાનો, ટેલિકોમ્યુનિકેશન ઈન્ડેક્સમાં 2.30 ટકાનો, યુટિલિટી ઈન્ડેક્સમાં 2.27 ટકાનો, મિડસ્મોલ પ્રાઈવેટ બૅન્ક ઈન્ડેક્સમાં 2.17 ટકાનો, ઈન્ડસ્ટ્રિયલ ઈન્ડેક્સમાં બે ટકાનો, મિડસ્મોલ પ્રાઈવેટ બૅન્ક ક્વૉલિટી ટિલ્ટ ઈન્ડેક્સમાં 1.99 ટકાનો, સર્વિસીસ ઈન્ડેક્સમાં 1.93 ટકાનો અને પ્રાઈવેટ બૅન્ક ઈન્ડેક્સમાં 1.86 ટકાનો ઘટાડો આવ્યો હતો.